Abtak Media Google News

અબતક, રાજકોટ

આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને સરકારે પણ આ માટે ગાઈડ લાઇન જાહેર કરી દીધી છે. આ વર્ષે ભાવિકો ગણેશજીના આગમનની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. કેમ કે ગઈ શાલ કોરોનાના કારણે સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ ગણેશ મહોત્સવના આયોજનો કરાયા છે. જેમાં દશેય દિવસ ભકિતભાવ સાથે દુંદાળાદેવનું પુજન-અર્ચન, મહાઆરતી, પ્રસાદ સહીતના કાર્યક્રમ યોજાશે. ગણપતિ ઉત્સવ દરમિયાન 10 દિવસ આઠ મહાનગરો રાત્રી કર્ફયૂમા 1 કલાકની છૂટછાટ આપવામાં આવી છે એટલે હવે 11 ને બદલે રાત્રીના 12 વાગ્યા સુધી છૂટછાટો આપવામાં આવી છે.

 ગામે-ગામ પંડાલો ઉભા કરાયા, ગણેશ ભગવાનનું વાજતે-ગાજતે સ્થાપન કરાશે

ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગૃહવિભાગે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. જેમાં ખુલ્લામાં યોજાતાં કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતાં કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે. અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇનમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી. પરંતુ હવે આ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતાં હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આવતીકાલે દુંદાળાદેવનું આગમન થનાર છે. ત્યારે દુંદાળાદેવની ભકિત માટે સૌરાષ્ટ્રભરમાં ગામે ગામ ગણેશ મહોત્સવના ભાવભીના આયોજનો કરવામાં આવ્યા છે. હાલ આ મહોત્સવની તૈયારીઓ મહદ અંશે પૂર્ણ થઇ ચૂકી છે. ગણેશ મહોત્સવને લઇને ભાવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.

 દસ દિવસ ભક્તિભાવ સાથે દુંદાળા દેવનું પૂજન અર્ચન, મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના આયોજનો

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક દાયકાથી વિઘ્નહર્તાની ભકિતનો મહિમા ખુબ જ વધી રહ્યો છે. એક દાયકાથી ગણેશજીની ભકિતનો એ હદે મહિમા વઘ્યો છે કે શેરી ગલી તો ઠીક છે હવે ઘરે ઘરે ગણેશજીની સ્થાપન કરી પૂજા અર્ચન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. મહોત્સવના આરંભને લઇને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. સૌરાષ્ટ્રભરમાં ગામે ગામ ગણપતિ મહોત્સવના નાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે.આવતીકાલના રોજ ભગવાન ગણેશનું આગમન થશે. ત્યારે ઠેર ઠેર લોકો વાજતે ગાજતે ધામધૂમથી ભગવાન ગણેશનું પંડાલોમાં તેમજ ઘરોમાં સ્થાપન કરશે. બાદમાં દસેય દિવસ દરમિયાન પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દરરોજ પુજન-ર્અચન, મહાઆરતી તેમજ પ્રસાદ સહીતના આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ ગણેશજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો પંડાલોમાં ઉમટી પડશે.

ગણેશ મહોત્સવના પ્રારંભે મહોત્સવના પ્રારંભ પૂર્વે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવનારા કારીગરોને ત્યાં મોટી સંખ્યામાં લોકો મૂર્તિની ખરીદી અર્થે ઉમટી પડયા હતા. કારીગરોએ ત્રણથી ચાર મહિનાની મહેનતે ગણપતિના વિવિધ સ્વરુપોની બનાવેલી મૂર્તિ લોકોએ પોતાની પસંદ પ્રમાણે ખરીદી હતી. કાલે આ મૂર્તિનું ભાવ ભેર વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. બાદમાં ૧૦ દિવસ ભકિતમય સાથે પુજન અર્ચન કરાશે.

ગણેશજીની સ્થાપના અને વિસર્જનમાં 15 લોકોને મંજૂરી

ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપી છે. તેનું કારણ એ છે કે જો તેમાં વધુ વ્યક્તિઓને પરવાનગી અપાય તો વિસર્જનના સ્થળે અલગ-અલગ સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી એક જ સ્થળે હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થઇ જાય અને ભીડ નિયંત્રિત થઇ ન શકે. અને ફરી કોરોનાનું સંકટ વધે જેથી 15 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.