Abtak Media Google News

રાજ્ય પ્રવાસન નિગમના સહયોગ સાથે ક. બા. ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાને પણ નવા રંગરૂપ

શહેરના એન્ટ્રી પોઈન્ટસ અને મુખ્ય માર્ગો પર ૨૦૦ થી વધારે સાઈનેજીસ : લોકોને માહિતી મળશે

ભારતની આઝાદીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા રાજકોટ શહેર સાથે  ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીનો બહુ ગાઢ નાતો રહયો હતો. પૂ. બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી બનેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની સ્મૃતિઓ કાયમી બની રહે અને નવી પેઢીઓને આદર્શ ભારતનાં નિર્માણમાં યોગદાનની પ્રેરણા આપતી રહે તેવા ઉમદા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીનાં અપ્રતિમ સહયોગ સાથે “ઐતિહાસિક ગાંધી સર્કિટ”ને વૈશ્વિક ફલક પર મુકવાનું જે બીડું ઝડપ્યું હતું તે હવે સાકાર થવા જઈ રહયું છે. ગાંધી વિચારો અને સિધ્ધાંત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયથી કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ.

એક અનોખા અને દેશ વિદેશમાં જેની નોંધ લેવાય તેવા અદભૂત ”મહાત્મા ગાંધી મ્યુઝિયમ”ની સાથોસાથ જ ગાંધી બાપુએ જ્યાં પોતાના બાળપણનાં વરસો વિતાવ્યા હતાં તે ” ક.બા.ગાંધીનો ડેલો” અને જ્યાં બ્રિટિશ સલ્તનત સામે સત્યાગ્રહ છેડ્યો હતો તે “રાષ્ટ્રીય શાળા”ને રાજ્ય પ્રવાસન વિભાગના સહકાર સાથે નવા રંગરૂપ આપી રાજકોટમાં “ગાંધી સર્કિટ”નું નિર્માણ કરી તેને વૈશ્વિક સ્તર પર લઇ જવામાં આવશે.  આગામી તા. ૩૦-૯-૨૦૧૮ ના રોજ દેશના માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ”મહાત્મા ગાંધી મ્યુઝિયમ”નું લોકાર્પણ કરવામાં આવશે, તેમ માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

રાજકોટ માટે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાદગાર અને અભૂતપૂર્વ બની રહેનાર આ મુલાકાતના અવસરને વધુ ગૌરવપૂર્ણ બનાવવા માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય તેમજ ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષના દંડક શ્રી અજયભાઈ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓ સખત જહેમત લઇ રહયા છે. પદાધિકારીશ્રીઓ ”મહાત્મા ગાંધી મ્યુઝિયમ”, તેમજ કાર્યક્રમનાં સ્થળ “ચૌધરી હાઈસ્કૂલ”નાં મેદાન તેમજ અન્ય સ્થળોની સતત મુલાકાત લઇ હાલ ચાલી રહેલી વિવિધ કામગીરીઓને આખરી ઓપ આપાવી રહયા છે..

મેયરશ્રી અને કમિશનરશ્રીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ઉપરાંત રાજ્ય પ્રવાસન વિભાગ નાં સાથસહકાર સાથે “ક.બા.ગાંધીનો ડેલો” અને “રાષ્ટ્રીય શાળા”ને નવા રંગરૂપ આપવામાં આવી રહયા છે. પ્રવાસન વિભાગ દ્વારા ક.બા.ગાંધીનાં ડેલા માટે રૂ.૫૩-૬૫ લાખ અને રાષ્ટ્રીય શાળા માટે રૂ.૭૭.૧ લાખનો સહયોગ આપવામાં આવેલ છે. દેશ વિદેશમાંથી રાજકોટ આવનારા મહેમાનો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમની સાથોસાથ  “ક.બા.ગાંધીનો ડેલો” અને “રાષ્ટ્રીય શાળા” પણ મહાત્મા ગાંધીજીના જીવનકાળની અનુભૂતિ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આમ, આ ત્રણેય ઐતિહાસિક સ્થળોને એક જ શ્રુંખલામાં આવરી લઇ “ગાંધી સર્કિટ” પરિપૂર્ણ થઇ રહી છે અને તેના માધ્યમથી રાજકોટને આંતરરાષ્ટીય સ્તર પર વધુ ગૌરવ પ્રદાનપ્રાપ્ત થશે.

મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આવનારા પ્રવાસીઓની સુગમતા માટે મહાનગરપાલિકા દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય લઇ શહેરના મુખ્ય માર્ગો અને શહેરના એન્ટ્રી પોઈન્ટસ ખાતે કુલ ૨૦૦ થી વધુ સાઈનેજીસ મુકવામાં આવશે. આ સાઈન બોર્ડમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ જે તે સ્થળેથી કેટલા અંતરે સ્થિત છે તેની માહિતી દર્શાવવામાં આવશે. આ સાઈન બોર્ડ ના માત્ર પ્રવાસીઓને માહિતી પ્રદાન કરશે, લોકોને “ગાંધી સર્કિટ”માં આવરી લેવાયેલા ત્રણેય સ્થળોની મુલાકાત લેવાની પ્રેરણા પણ આપશે.

મહાત્મા ગાંધીજીનાં સત્ય, અહિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાંથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલ છે અને તેમાં મહાત્મા ગાંધીજીના સંસ્મરણો તથા જીવન ચરિત્રને તાદ્રસ્ય કરવામાં આવશે. તેમજ આ મ્યુઝિયમમાં આધુનિક મલ્ટીમીડિયાના ઉપયોગથી મીની થીયેટર, મોસન ગ્રાફિક તેમજ ઓગ્મેન્ટેડ રીયાલીટીની સહાયથી મુલાકાતીઓને થ્રીડી પ્રોજેક્સન તેમજ કટ આઉટ દ્વારા ગાંધી સ્મૃતિ તાદ્રસ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અહીં એ પણ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, પૂ. ગાંધી બાપુએ આ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને માનવીય મૂલ્યો અને સિદ્ધાન્તોનું તેઓમાં અહીં ઘડતર થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.