- પોશ વિસ્તારમાં LCBનો બાતમીના આધારે જુગારધામ પર દરોડો
- 7 આરોપીઓને રૂ. 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
- આરોપી પોતાની ઓફિસમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો
રાજ્યભરમાં અવાર નવાર જુગારધામ ઝડપાતા રહેતા હોય છે. રહેણાંક મકાનમાંથી, હોટેલમાંથી, બંધ મકાનમાંથી કે અન્ય જગ્યાએથી જુગારધામ ઝડપાતા રહેતા હોય છે. તેમજ પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા હોય છે અને પતા પ્રેમીઓને ઝડપવામાં આવતા હોય છે. આ ઉપરાંત પોલીસ તેની સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગુજરાતના ગાંધીધામમાંથી સામે આવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, ગાંધીધામ શહેરના પોશ વિસ્તારમાં LCBએ જુગારધામ પર દરોડો પાડયો છે. તેમજ બેન્ડિંગ સર્કલ પાસે આવેલી એક ઓફિસમાંથી 7 વેપારીઓને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી. આરોપી પોતાની ઓફિસમાં આર્થિક ફાયદા માટે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. ત્યારે બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર,પકડાયેલા આરોપીઓમાં વિનોદ ત્રિકમદાસ કલવાણી (આદીપુર), શશીકાંત ધવાણી (આદીપુર), હિતેષ ટેવાણી (ગાંધીધામ), પાર્થ બેલાણી (ગાંધીધામ), હીંમતસિંહ વાઘેલા (ગાંધીધામ), નીતેષ ટેવાણી (આદીપુર) અને દિપ ટેવાણી (આદીપુર)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 93,665, 2.70 લાખની કિમતના 7 મોબાઈલ ફોન અને 5.50 લાખની કિમતના 3 વાહનો મળી કુલ રૂ. 9 લાખથી વઘુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ 7 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.