Abtak Media Google News

૯૦ જેટલા ફાયરબ્રિગેડના જવાનો તેમજ પોલીસ કર્મીઓનો કાફલો ખડેપગે રહેશે: છ ક્રેઈન, ત્રણ બોટ, લાઈફ જેકેટ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ રખાશે

રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. આ સ્થળોએ છ ક્રેન, ત્રણ બોટ, લાઈફ જેકેટસ સહિતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે પોલીસના જવાનો, અને ૯૦ જેટલા ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત રાખવામાં આવશે.

ગણેશ મહોત્સવ નિમિતે શહેર તેમજ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે આ મૂર્તિઓનાં વિસર્જનથી પર્યાવરણ પર વિપરીત અસર ન થાય તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો, વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદેશથી તંત્ર દ્વારા વિસર્જન માટે પાંચ સ્થળો નિયત કરવામાં આવ્યા છે.

આજી ડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ ખાણ નં.૧, આજીડેમ ઓવરફલો નીચે ચેક ડેમ ખાણ નં.૨, પાળ ગામ પાસે ઝખરા પીરની દરગાહ નજીક, જામનગર રોડ પર હનુમાનધારા મંદિરની બાજુમાં તેમજ વાગુદળના પાટીયા પાસે બાલાજી વેફસ વાળા બ્રિજ નજીક ભાવિકો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકશે.

આ પાંચેય સ્થળોએ ૯૦ જેટલા ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રાખવામાં આવશે. ભાવિકો વિસર્જન પૂર્વેની વિધી કરી લ્યે ત્યારબાદ આ જવાનો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. વિસર્જનમાંસરળતા રહે તે માટે કુલ છ ક્રેન રાખવામાં આવી છે.જેમા ત્રણ ક્રેન આજી ડેમ ખાતેના બે સ્થળોએ, એક ક્રેનઝખરાપીરની દરગાહ પાસે તેમજ બે ક્રેન હનુમાનધારા પાસેના સ્થળે તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ જેટલી બોટ પણ રાખવામાં આવશે. આ સાથે લાઈફ જેકેટ સહિતની જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ બનાવાશે સુરક્ષાને ધ્યાને લઈ પાંચેય સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

ગણેશ મહોત્સવમાં કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલીકા, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, તેમજ ફાયરબ્રિગેડ દ્વારા પૂરતી તકેદારી રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ભાવીકોને નિયત કરેલા પાંચ સ્થળો ખાતે પાણીમાંઉતરવા દેવામા આવશે નહી ભાવીકો ભગવાન ગણેશજીની વીધી કરી લે ત્યાર બાદ ફાયર બ્રિગેડના જવાનો મૂર્તિનું વિસર્જન કરશે.

ઉપરાંત અમુક જગ્યાએ ક્રેઈનથી વિસર્જન શક્યના હોય તેથી બોટ પણ તૈનાત રાખવામાં આવશે. ફાયર બ્રિગેડના જવાનો બોટ પર ગણેશજીની મૂર્તિ લઈ જઈને પાણીમાં તેનું વિસર્જન કરશે.

ઉપરાંત શહેરના અનેક જગ્યાઓએ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે.મોટાભાગના ગણેશ મહોત્સવમાં આવતીકાલે જ વિસર્જન કરવામાં આવનાર છે. તેથી આ તમામ ગણેશજી સાથે આવનાર ભાવીકોનો કાફલો વિસર્જનસ્થળે જવા રવાના થશે ત્યારે ટ્રાફીક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.