મોરબીમાં ફરી ગેંગવોર: દુશ્મનોના દુશ્મનને દોસ્ત બનાવી હત્યાને અંજામ, નામચીન મમુદાઢીનું મોત

અબતક, ઋષિ મહેતા

મોરબી

મોરબી ખાટકીવાસમાં નવ માસ પહેલા સ્કુટર ચલાવવા બાબતે બે જુથ વચ્ચે ખેલાયેલા લોહીયાળ ધીંગાણામાં બન્ને પક્ષે એક એક વ્યકિતની લોથ ઢળી હતી. જે ઘટનાનો બદલો લેવા ગઇકાલે રાત્રે રાજકોટથી પરત ફોચ્યુનર કારમાં મોરબી જતા નામચીન મમુદાઢી ગેંગ પર પૂર્વ યોજીત કાવત્રુ રચી બોલેરો અને સ્વીફટ કારમાં ધસી આવેલા ૧૨ થી ૧૩ શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે અંધાધુંધ ફોચ્યુનર કાર પર ફાયરીંગ કરી મમુદાઢીને માથામાં ગોળી મારી પતાવી દીધો હતો. જયારે કારમાંથી ઉતરી નાસી રહેલા સાગરીતને વાંસામાં ગોળી મારી દેતા ગંભીર ઇજા સાથે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવ માસથી મુસ્લીમના બે જુથ વચ્ચે ચાલી આવતી ગેંગોરમાં સરાજાહેર મોરબી ભકિતનગર સર્કલ પાસે ટ્રાફીકથી ધમધમતા હાઇ-વે પર અંધાધુંધ ફાયરીંગની ઘટનાએ પોલીસ તંત્રની આબરૂના લીરા ઉડાડી દીધા છે.

આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલા બંધ વિગતો મુજબ મોરબી ખાટકી વાસ તલવાડી શેરીમાં રહેતા અને સામા કાંઠે સકિત હાઉસ પાસે ભંગારનો ડેલો ધરાવતા નામચીન મમુદાઢીના પુત્ર મકબુલ મહમદહનીયફ કાસમાણી (ઉ.વ.રપ) નામના મેમણ શખ્સે પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોરબીના રફીક રજાક માંડલીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનીયા, આરીફ ગુલામ મીર, ઇસ્માઇલ યારમામદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી, ઇરફાન યારમામદ બ્લોચ, રમીઝ હુશેન ચાનીયા, મકસુદ ગફુર સમા અને એઝાઝ આમદ ચાનીયા અને બીજા ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે નવ માસ પહેલા મોરબી ખાટકીવાસમાં સ્કુટર ચલાવવા બાબતે મુસ્લીમના બે જુથ વચ્ચે લોહીયાળ ધીંગાણુ ખેલાયું હતું. જેમાં ફરીયાદીના મોટાબાપુનો દિકરો ઇમરાન અલીમ કાસમાણી અને સામા પક્ષે રફીક માંડવીયાના પુત્ર આદીલની હત્યા થઇ હતી જે બનાવમાં બન્ને પક્ષે સામસામા હત્યાના ગુના નોંધાયા હતા. જેમાં ફરીયાદીના પિતા મમુદાઢી ઉર્ફે મહમંદહનીફ કાસમાણી (ઉ.વ.પપ) અને રફીક રજાક માંડવીયા સહીતના પકડાયા હતા અને છ માસ પહેલા જેલમાંથી જામીન મુકત થયા હતા.

જામીન પર છુટેલા રફીક માંડવીયાએ પુત્રની હત્યાનો બદલો લેવા કાવત્રુ ઘડી મમુદાઢી ઉર્ફે મહમદહનીફ કાસમાણીના વિરોધીઓની ગેંગ બનાવી હતી અને છેલ્લા ત્રણેક માસથી નામચીન મમુદાઢીની એકટીવીટી પર વોચ રાખી રેકી કરી રહ્યા હતા.

દરમિયાન ગઇકાલે મમુદાઢી ઉર્ફે મહમદહનીફ કાસમાણી અને તેના સાગ્રીતો ઇમ્તીયાઝ યાસીન કાદડી, આરીફ અને મહમંદભાઇ બકુમ સહીતનાઓ ફોચ્યુનર કાર લઇ રાજકોટ રામનાથ પરામાં વ્યવહારીક કામે ગયા હતા જયાંથી રાત્રીના ૮.૩૦ વાગ્યે પરત ફરી રહ્યા હતા. ત્યારે મોરબી સનાળા રોડ પર ભકિતનગર સર્કલ પાસે ઓવર બ્રીજનું કામ ચાલતું હોય અગાઉથી ઘડેલા પ્લાન મુજબ મમુદાઢીની ફોચ્યુનર કાર આવતાની સાથે તેની આડે બોલેરો કાર રાખી દેતા કાર ચાલક મમુદાઢીએ ફોચ્યુનરને બ્રેક મારતાની સાથે જ બોલેરો અને સ્પીફટ કારમાં ધસી આવેલા ૧ર થી ૧૩ શખ્સો પૈકી ઇમરાન ઉર્ફે બોટલ ચાનીયા, આરીફ મીર, ઇસ્માઇલ બ્લોચ, રીયાઝ મેમણ પાસે રહેલી પિસ્તોલમાંથી આડેધડ ફોચ્યુમર કાર પર ફાયરીંગ શરુ કરી દીધું હતું. જેમાં કાર ચલાવતા મમુદાઢીને માથામાં ગોળી લાગતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આગળ જતા એક વાહન સાથે અકસ્માત થયો હતો જયારે મહમંદ લકુમ જીવ બચાવવા કારમાંથી ઉતરવા જતા તેના વાંસામાં ગોળી લાગી હતી.

મોરબી-રાજકોટ હાઇ-વે પર ટ્રાફીકથી ધમધમતા ભકિતનગર સર્કલ પાસે થયેલા અંધાધુંધ ફાયરીંગ બાદ હુમલાખોરો વાહનો ઘટના સ્થળે રેઢા મુકી પોબારા ભાગી ગયા હતા જયારે ફોચ્યુનર કારમાં પાછળની શીટમાં બેઠેલા ત્રણ શખ્સો જીવ બચાવવા સીટની વચ્ચે છુપાઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં મોરબી એસ.પી. સુબોધ ઓડેદરા, એલ.સી.બી. પી.આઇ. વી.બી. જાડેજા, એ. ડીવીઝન પી.આઇ. વી.પી. સોનારા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પૂર્વયોજીત કાવત્રુ રચી હત્યા હત્યાની કોશીષ, ગેરકાયદેસર મંડળી અને આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટુકડી બનાવી કોમ્બીંગ હાથ ધર્યુ છે.

મમુદાઢીની રેકી થતી હોવાની બે વખત તેને ગંધ આવી પણ સાવચેત ન રહ્યો

મોરબીના ખાટકીવાસમાં રહેતા નામચીન મમુદાઢી ઉર્ફે મહમદ હનીફ કાસમાણીને પોતાની હત્યાનું કાવત્રુ ધડાયું હોવાની અગાઉથી જ ગંધ આવી ગઇ હતી પરંતુ સાવચેત ન રહ્યો અને વિરોધી ગેંગે કાવત્રાને અંજામ આપી દીધો હતો.સાતમ આઠમના તહેવાર  પર નાગપંચમીના દિવસે મમુદાઢી ઉર્ફે મહમંદ હનીફ કાસમાણી અને યાસીન મેમણ કાર લઇ બસ સ્ટેન્ડ  તરફ જતા હતા ત્યારે ઇમરાન બોટલ, રિયાઝ ડોસાલી સહીતના પાંચ શખ્સોએ બાઇકમાં પીછો કર્યો હતો પરંતુ મોકો મળ્યો ન હતો.

ત્યારબાદ ચાર દિવસ પહેલા પણ મમુદાઢીને પોતાની રેકી થતી હોવાની ગેંગ દ્વારા માહીતી મળી હતી અને આ વાત તેણે પુત્ર મકબુલને પણ કહી પુત્રને સાવચેત રહેવા કહ્યું હતું.

પુત્રની હત્યાનો બદલો લેવા રફીકે જામીન પર છુટી મમુદાઢીના દુશ્મનોની ગેંગ બનાવી

દુશ્મનોના દુશ્મનને દોસ્ત બનાવી હત્યાને આપ્યો અંજામ

મોરબીના ભકિતનગર સર્કલ પાસે ગતરાત્રે સર્જાયેલી ગેંગ વોરનો મુખ્ય આરોપી રફીક રજાક માંડવીયા છ માસ પહેલા જામીન પર છુટયો હતો નવ માસ પહેલા ખાટકીવાસમાં સ્કુટર ચલાવવા બાબતે મુસ્લીમના બે જુથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં નામની મમુદાઢીની ગેંગે રફીક માંડવીયાના પુત્ર આહીલની હત્યા કરી હતી પુત્રની હત્યાનો બદલો લેવા રફીક માંડવીયાએ જેલમાંથી જામીન મુકત થયા બાદ પ્લાન ઘડી કાઢી મમુદાઢીના દુશ્મનોનો સંપર્ક શરુ કરી દીધો હતો.

જમીન મકાનના ધંધા સાથે સંકડાયેલા નામચીન મમુદાઢીને મોરબીમાં જમીન બાબતે કાલીકા પ્લોટના રિયાઝ  ડોસાલી સાથે માથાકુટ ચાલી આવતી હતી. જયારે મમુદાઢી ચનાળાના નામચીન હીતુભા ઝાલાની ગેંગ સાથે સંકડાયેલા હોય અને હીતુભા ઝાલાને આરીફ ગુલામ મીર સાથે અદાવત ચાલતી હોય દશ્મનને દોસ્ત બનાવી ગેંગવોરમાં આરીફ મીરની ગેંગ પણ કુદી પડી હતી.

આ ઉપરાંત આરોપી ઇસ્માઇલ યારમામદ બ્લોચ મહમંદદાઢીના સંબંધીની પુત્રીને ભગાડી ગયો હતો. તેની સાથે પણ મનદૂ:ખ ચાલ્યું આવતું હોય અને અગાઉ મારામારી પણ થઇ હતી.

ટંકારામાં રફીક માંડલીયાના મકાનમાં મમુદાઢીની હત્યાનો પ્લાન ઘડાયો’તો

મોરબીના ભકિતનગર સર્કલ  પાસે ટ્રાફીકથી ધમધમતા રોડ પર ગતરાત્રે સર્જાયેલી ગેંગવોરની તૈયારી ત્રણ માસ પહેલા જ શરુ થઇ ગઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

નવ માસ પહેલા પુત્ર સાહીલની થયેલી હત્યાનો બદલો લેવા રફીક માંડલીયાએ ટંકારા ખાતે આવેલા પોતાના નવા મકાને મમુદાઢીના હત્યાનો પ્લાન ધડાતો હતો અને અવાર નવાર મમુદાઢીના દુશ્મનોની મીટીંગો થતી હતી જેમાં હત્યાના કાવત્રુમાં હથીયારો, વાહનોની સગવડતા સહીતના બાબતોની ચર્ચા થતી હોવાનું જાણવા મળ્યું હતુ.

 

જતાં જતાં હુમલાખોરો ફોચ્યુનરનું ટાયર બ્લાસ્ટ કરતા ગયા

મોરબી ભકિતનગર સર્કલ પાસે ગેંગવોરમાં ફોચ્યુનર કાર પર અંધાધુંધ ફાયરીંગ થયા બાદ હુમલાખોરો જતા જતા ફોચ્યુનર કારના ટાયરમાં પણ ગોળી મારી ટાયર બ્લાસ્ટ કરતા ગયા હતા. આમ છતાં યાસીન કાદરીએ ફુટેલા ટાયર વાળી ફોચ્યુનર કાર ચલાવી મમુદાઢીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો પરંતુ ત્યાં પહોચતા ઘણું મોડુ થઇ ગયું હતુ અને મમુદાઢીનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયુેં હતું.