Abtak Media Google News

ઋષિ મેહતા, મોરબી:

હાલ નવલા નોરતાની રમઝટ જામી છે. રાજ્યભરમાં રાસ-ગરબા સાથે અવનવા આયોજનો કરાઇ રહ્યા છે. મા જગદંબાની આરાધના સાથે સૌ કોઈ ગરબે ઘૂમી રહ્યા છે. ગરબાએ ગુજરાત રાજ્યનું મુખ્ય નૃત્ય છે. ગરબાને કઈ ગુજરાતનું એમનમ જ રાજ્ય નૃત્ય કહેવામાં નથી આવતું… અહી અલગ અલગ રાસની રમઝટ બોલે છે. રાસની સાથે વિભિન્ન પ્રદેશની સાંસ્ક્રુતિક કળા પ્રવર્તમાન થાય છે. આ સાથે હુન્નર પણ ઝળકે છે. ત્યારે ચાલો જ આવા એક અનોખા ગરબાને નિહાળીએ….

મોરબીના રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં છેલ્લા ૩૦ વર્ષથી વિશ્વેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે.આ ગરબીની ખાસિયત એ છે કે આ ગરબીનું સંપૂર્ણ સંચાલન બહેનો દ્વારા થાય છે. અને નવલા નોરતામાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે.

બીજી મોટી ખાસિયત એ છે કે આ ગરબીમાં ખાસ પોરબંદરથી નાગરાજભાઇ આવ્યા હતા જેમણે અનોખો રાસ પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગોપીનાં કપડાં પહેરીને માથા ઉપર ૪ ગ્લાસ અને તેના ઉપર પાણીથી પુરે પૂરું ભરેલ માટલા સાથે ગરબા રમી મા અંબાની ભક્તિ આરાધના કરેલ અને લોકોને મનોરંજન પૂરું પાડેલ. આ રાસ જોવા માટે આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.