Abtak Media Google News
  • અર્થતંત્ર ટનાટન: 2023-24ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર આંશિક ઘટીને 7.8 ટકા રહ્યો, રાજકોશિય ખાધ પણ નિયંત્રણમાં

ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિના પગલે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર આંશિક ઘટીને 7.8 ટકા રહ્યો હતો જ્યારે  નાણાકીય વર્ષ 2023-24નો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર 8.2 ટકા નોંધાયો હતો તેમ શુક્રવારે સત્તાવાર આંકડામાં જણાવાયું હતું. આ વૃદ્ધિ સાથે ભારતીય અર્થતંત્ર 3.5 લાખ કરોડ યુએસ ડોલરનું બની ગયું છે અને આગામી કેટલાક વર્ષોમાં પાંચ લાખ કરોડ યુએસ ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્યાંક તરફ આગળ વધ્યું છે.

દેશમાં જીડીપી વૃદ્ધિદરના આંકડા જાહેર થયા છે. નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર 7.8 ટકા હતો, જે અગાઉના વર્ષે સમાન ત્રિમાસિકમાં 6.2 ટકા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 8.6 ટકાની વૃદ્ધિની સરખામણીમાં 0.8 ટકાનો આંશિક ઘટાડો દર્શાવે છે. એ જ રીતે જુલાઈ-સપ્ટેમ્બર 2023માં વૃદ્ધિદર 8.1 ટકા નોંધાયો હતો. વધુમાં નાણાકીય વર્ષ 2023-24નો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર 8.2 ટકા રહ્યો હોવાનો અંદાજ છે. આર્થિક મોરચા પર ભારતના મુખ્ય પ્રતિસ્પર્ધી ચીનનો આર્થિક વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 5.3 ટકા રહ્યો છે.

સરકારી આંકડા મુજબ દેશનો જીડીપી વૃદ્ધિદર નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા રહ્યો, જે 2022-23માં 7.0 ટકા હતો. આમ, આ વર્ષે જીડીપી વૃદ્ધિદરમાં 1.2 ટકાનો ઉછાળો દર્શાવે છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ આરબીઆઈને 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.9 ટકા કરતાં વધુ રહેવાનો અંદાજ હતો.

નાણાકીય વર્ષ 2024માં અંદાજ કરતાં વધુ ટેક્સની પ્રાપ્તિને કારણે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ સુધારેલા અંદાજ કરતાં ઓછી હતી. સુધારેલા અંદાજમાં, રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 5.8 ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ આંકડો જીડીપીના 5.6 ટકા હતો.

સરકારી આંકડાઓ અનુસાર, કેન્દ્રની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત 16.54 લાખ કરોડ રૂપિયા હતો, જ્યારે બજેટમાં આ તફાવત 17.86 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. છેલ્લા નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ શરૂઆતમાં જીડીપીના 5.9 ટકા અંદાજવામાં આવી હતી, જે વચગાળાના બજેટમાં ઘટાડીને 5.8 ટકા કરવામાં આવી હતી.  જ્યારે સરકાર તેની કમાણી કરતાં વધુ ખર્ચ કરે છે, ત્યારે તિજોરીને નુકસાન થાય છે એટલે કે રાજકોષીય ખાધ.

2024માં સરકારને રૂ.23.27 લાખ કરોડની ચોખ્ખી કર પ્રાપ્તિ

ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં ચોખ્ખી કર પ્રાપ્તિ રૂ. 23.27 લાખ કરોડ હતી, જે અપેક્ષા કરતાં વધુ હતી.  આ સમયગાળા દરમિયાન સરકારનો કુલ ખર્ચ 44.43 લાખ કરોડ રૂપિયા હતો, જે બજેટની રકમના 99 ટકા છે. દરમિયાન, એપ્રિલમાં અણધાર્યા મહેસૂલી ખર્ચના પરિણામે રૂ. 2.1 લાખ કરોડની રાજકોષીય ખાધ થઈ હતી, જે સમગ્ર વર્ષ માટેના લક્ષ્યાંકના 12.5 ટકા છે.

સરકારની તીજોરીની સ્થિતિ સારી જ રહેવાનું અનુમાન

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધને જીડીપીના 5.1 ટકા અથવા રૂ. 16.85 લાખ કરોડના સ્તરે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.  2025-26માં જીડીપીના 4.5 ટકાની ખાધને રોકવા માટે આ જરૂરી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કરવેરાની સારી આવક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી અપેક્ષિત સરપ્લસને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં તિજોરી સારી સ્થિતિમાં હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.