Abtak Media Google News

પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા કોરોનાગ્રસ્ત હોય બજેટ વિરોધ વિના મંજૂર થાય તેવી શકયતા

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી મંગળવારે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલા રૂા.2291 કરોડના બજેટને બહાલી આપવામાં આવશે. વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા હાલ કોરોનાગ્રસ્ત હોવાના કારણે બજેટ વિના વિરોધે સર્વાનુમતે મંજૂર થાય તેવી શકયતા જણાય રહી છે.

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા રૂા.2275.80 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમીટીએ અભ્યાસ કર્યા બાદ 56.70 કરોડની 22 યોજનાનો સમાવેશ કરી રૂા.2291.24 કરોડના બજેટને બહાલી આપી હતી. આગામી મંગળવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં બજેટને આખરી મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર સમક્ષ મોકલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નિયમોનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલી દેવાનું રહે છે પરંતુ આ વખતે મહાપાલિકાની ચૂંટણી હોવાના કારણે સરકાર દ્વારા બજેટ માટે બે મહિનાની મુદત આપવામાં આવી હતી. સામાન્ય રીતે બજેટ બોર્ડમાં શાસક પક્ષના નગરસેવકો બજેટને વખાણતા હોય છે જ્યારે વિપક્ષ બજેટને વખોડતો હોય છે. પરંતુ આ વખતે કોંગ્રેસને માત્ર 4 નગરસેવકો જ ચૂંટાયા છે. આટલું જ નહીં સૌથી સીનીયર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા હાલ હોમ આઈસોલેશન હેઠળ છે. આવામાં બજેટ બહુમતિના બદલે સર્વાનુમતે મંજૂર થાય તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.