- બોર્ડમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 32 અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા: નામકરણ સહિતની 9 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં ચર્ચા માટે ભાજપ અને કોંગ્રેસના 18 નગરસેવકોએ 38 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. મોડાં જાગેલા વિપક્ષના પ્રશ્ર્નો તળીયે હોવાના કારણે તેઓના પ્રશ્ર્નોની ચર્ચા થાય તેવી કોઇ જ શક્યતા હાલ દેખાતી નથી.
નિયમ મુજબ દર બે મહિને કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં પ્રશ્ર્નોત્તરી કાળમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવે છે. બોર્ડની વણલખી પરંપરા મુજબ એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ માત્ર એક પ્રશ્ર્નની લાંબી-લાંબી ચર્ચા કરવામાં વેડફી નાંખવામાં આવે છે. જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરાયા બાદ પ્રશ્ર્નો મૂકવાના સમયે કડકડતી ઠંડીમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોની ઉંઘ વહેલી ન ઉઠતા બપોર સુધીમાં એકપણ પ્રશ્ર્ન રજૂ કર્યો ન હતો. મોડાં જાગેલા કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણીના ત્રણ પ્રશ્ર્નનો ક્રમ 17મો છે. જ્યારે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના પ્રશ્ર્નનો ક્રમ અંતિમ એટલે કે 18મો છે.
બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં સૌપ્રથમ ભાજપના યુવા કોર્પોરેટર ડો.હાર્દિક ગોહિલના પ્રશ્ર્નની ચર્ચા સૌપ્રથમ કરવામાં આવશે. ત્યારબાદ ક્રમાનુસાર રસિલાબેન સાકરીયા, અશ્ર્વિનભાઇ પાંભર, ભારતીબેન પરસાણા, ચેતનભાઇ સુરેજા, કંચનબેન સિધ્ધપુરા, નીતિનભાઇ રામાણી, કિર્તીબા રાણા, જયાબેન ડાંગર, દિલીપભાઇ લુણાગરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, મીનાબા જાડેજા, રાણાભાઇ સાગઠીયા, કુસુમબેન ટેકવાણી, વિનુભાઇ સોરઠીયા, ડો.અલ્પેશ મોરઝરીયા, ભાનુબેન સોરાણી અને વશરામભાઇ સાગઠીયાના પ્રશ્ર્નની ચર્ચા થશે. ભાજપના નગરસેવકોએ સરકારી પ્રશ્ર્નો જ પૂછ્યા છે. બોર્ડ નિરશ રહે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જો કે, વિપક્ષ અલગ જ મૂડમાં હોવાનું જણાઇ રહ્યું છે. કોઇ મુદ્ે બોર્ડમાં હંગામો કરે તેવું લાગી રહ્યું છે.
જનરલ બોર્ડ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલી મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં આવેલા કોમ્યુનિટી હોલનું રંજનબેન રાવલ નામકરણ કરવા, અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયના બોર્ડના સભ્ય તરીકે કોર્પોરેશનના પ્રતિનિધિની નિયુક્તી કરવા, અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રતિમા મૂકવા, સાગરનગર અને બેટ દ્વારકા વિસ્તારના ડિમોલીશનના અસરગ્રસ્તોને સ્માર્ટઘરમાં આવાસ ફાળવવા માટે આવાસની કિંમત નક્કી કરવા, વોર્ડ નં.11માં પંચશીલનગરની બાજુમાં મવડી સ્મશાનની આગળના ચોકનું કલ્પેશ સાગઠીયા નામકરણ કરવા સહિતની 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.