Abtak Media Google News

આઠ કલાકની તાલીમમાં ૪૫૦ વિદ્યાર્થીઓ જોડાયા

સીસીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંયુકત ઉપક્રમે ઓકટોબર માસમાં યોજાનાર જીપીએસસી વર્ગ-૧ અને ૨ની પ્રાથમિક કસોટીની તૈયારી કરતા સીસીડીસીનાં તાલીમાર્થીઓને સામાન્ય અભ્યાસ પેપર-૧ અને ૨નાં ચાલીસ માર્કનાં અગત્યના મુદાઓની તૈયારી સચોટ રીતે થઈ શકે અને છાત્રોને સફળતા મેળવવામાં ઉપયોગી થાય તે માટે નડિયાદ-અમદાવાદનાં જનરલ સ્ટડીનાં તજજ્ઞ પ્રફુલભાઈ ગઢવીને બોલાવવામાં આવેલ હતા. પ્રફુલભાઈ ગઢવીએ સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી ભાગ લેનાર ૪૫૦થી વધારે છાત્રોને સામાન્ય જ્ઞાનનાં મહત્વના મુદાઓ જેવા કે જાહેર વહિવટ, પર્યાવરણ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રવર્તમાન પ્રવાહો વગેરેની સઘન તાલીમ સાથે ભુતકાળની પરીક્ષાઓનાં અનુભવો અને આવનારી પરીક્ષાઓમાં સફળતા મેળવવા કયા પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તૈયારી કરી શકાય તે મુજબ તાલીમ તેમનાં અનુભવનાં નિચોળ સાથે આપેલ. તાજેતરમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય બનાવો સંદર્ભ પ્રવર્તમાન પ્રવાહો કયા પરિપેક્ષ્યમાં તૈયાર કરવા જોઇએ અને તેની નોટસ તૈયાર કરવા માર્ગદર્શન આપેલ હતું.

કાર્યશાળાનાં ઉદઘાટન સત્રમાં યુનિવર્સિટી કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સદસ્યો ડો.ભાવિનભાઈ કોઠારી, પ્રો. ગિરીશભાઈ ભીમાણી, ડો.ધરમભાઈ કાંબલીયા, પ્રો. પ્રફુલ્લાબેન રાવલ, પ્રિન્સીપાલ ડો.નિદતભાઈ બારોટ, સીસીડીસીનાં સંયોજક પ્રો.નિકેશભાઈ શાહ, ડો.સંજયભાઈ પંડયા, ડો.યોગેશભાઈ જોગસણ, ડો.ભરતભાઈ કટારીયા, ડો.અશ્ર્વિનીબેન જોષી, ડો.શ્રદ્ધાબેન બારોટ, ડો.પિયુષભાઈ સોલંકી, ડો.રંજનબેન ખુંટ, ડો.હસુભાઈ ચાવડા તથા બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે જનરલ સ્ટડીઝનાં એનસાયકલોપિડીયા તરીકે ઓળખાતા તજજ્ઞ પ્રફુલભાઈ ગઢવીનું સારસ્વત સન્માન યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિનાં હસ્તે કરવામાં આવેલ હતું.

સીસીડીસીનાં સંયોજક પ્રો.નિકેશ શાહે સીસીડીસીનાં વિવિધ પ્રકલ્પો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ અને સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે ગુજરાત રાજયમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સીસીડીસીની પ્રવૃતિ નિયમિત ચાલે છે. જેનાં કારણે અનેક છાત્રોને સરકારી નોકરીઓ પ્રાપ્ત થયેલ છે. યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિતીનભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને સફળતા માટે માર્ગદર્શન આપતા જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવી રોજગારીની તક પુરી પાડે છે. તેની સાથે સરકારી નોકરી મેળવવા ઈચ્છુક સૌરાષ્ટ્ર વિસ્તારનાં તમામ વિદ્યાર્થીઓને  સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સીસીડીસીનાં માધ્યમથી આપી છાત્રોને તૈયાર કરે છે જેથી વિશ્ર્વ વિદ્યાલય ખરા સ્વરૂપે વિદ્યાર્થીઓ માટે પ્લેટફોર્મ પુરુ પાડે છે જેનો લાભ મહતમ છાત્રો મેળવી રહ્યા છે.  કાર્યક્રમનું સફળ સંચાલન ડો.સંજયભાઈ પંડયાએ અને આભારવિધિ ડો.યોગેશભાઈ જોગસણે કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સીસીડીસીનાં સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઈ કીડીયા, હિરાબેન કિડીયા, સોનલબેન નિમ્બાર્ક અને કાંતિભાઈ જાડેજાએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.