રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું: ૬.૮ ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં કોલ્ડવેવની અસર બુધવારે પણ યથાવત્ રહી હતી. જો કે રાજકોટમાં ઠંડીનો પારો બે ડિગ્રી ઉપર આવીને ૧૩.૮ ડિગ્રી થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં નહિવત ઘટાડો જોવા મળ્યો હતો.

રાજ્યમાં ચાલુ ઉત્તર પૂર્વી ઠંડા પવનની અસર હેઠળ સૌથી વધુ ઠંડી ૬.૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે તેમજ ૮.૦ ડિગ્રી સાથે માંડવી ખાતે નોંધાઈ હતી. જ્યારે રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું અને મહત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા સાથે ૧૨ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરમાં કોલ્ડવેવ યથાવત્ છે ત્યારે રાજકોટમાં બુધવારે ઠંડીનો પારો ૧૦.૩ ડિગ્રી હતો. જે આજે એક ડિગ્રી વધીને ૧૧.૪ ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં નજીવો ઘટાડો થયો હતો. ઉત્તર પૂર્વી ઠંડા પવનની અસર હેઠળ બુધવારે ગાંધીનગર, ૯.૫ ડિગ્રી સાથે વલસાડ તેમજ ૧૦.૦ ડિગ્રી સાથે દીવ ખાતે પણ લોકોને આકરી ઠંડી સહન કરવાનો વારો આવ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી ૩ દિવસ ઠંડીનો પારો ૧૦ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહે તેવી આગાહી કરવામાં આવી છે.