- બાળકોને ઉદારતા જેવા નૈતિક મૂલ્યોના સંસ્કાર મળે તે આવશ્યક છે
ઉદારતા એ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ગુણ છે. જે વ્યક્તિને અન્ય માટે કંઈક આપવાની, મદદ કરવાની અને દયાભાવ રાખવાની પ્રેરણા આપે છે. ઉદારતા કોઈ માત્ર દાન કે પૈસા આપવાનું નામ નથી, પણ તે એક મનનો ભાવ છે, જે વ્યક્તિ નિસ્વાર્થ રીતે બીજાની ભલાઈ કરવા પ્રેરિત કરે છે. ઉદાર વ્યક્તિ માત્ર સામગ્રી આપીને નહીં, પણ સમય, પ્રેમ, સહાનુભૂતિ અને સમજણ આપીને પણ ઉદાર બની શકે છે.
આધુનિક સમાજમાં જ્યાં લોકો પોતાની જ જરૂરિયાતો અને સુખ માટે વધુ ચિંતિત રહે છે, ત્યાં ઉદારતા જેવાં માનવીય મૂલ્યનું મહત્વ વધી જાય છે. ઉદારતા લોકોમાં પરસ્પર સમજણ, પ્રેમ અને વિશ્વાસ ઊભો કરે છે. જો દરેક વ્યક્તિ જીવનમાં ઉદારતા દાખવે તો સમાજ વધુ સુખી બની શકે.
ઉદારતા કોઈ ધનિક માણસની મોનોપોલી નથી. એક ગરીબ માણસ પણ પોતાની ક્ષમતા પ્રમાણે ઉદારતાનું પ્રદર્શન કરી શકે છે. એક શિક્ષક પણ પોતાના જ્ઞાન દ્વારા વિદ્યાર્થીને શિક્ષિત કરી શકે છે. તો કોઈ એક સંત પોતાના જ્ઞાન અને જીવન દ્વારા સમાજને માર્ગદર્શન આપી શકે છે.
ઉદારતા માણસના મનને શુદ્ધ કરે છે અને આત્માને આનંદ આપે છે. જે વ્યક્તિ બીજાને મદદ કરે છે તે પોતાને પણ ખુશ અને સંતોષની લાગણી અનુભવે છે. ઉદારતાની ગરિમા એમાં છે કે તેને કોઈ વળતરની અપેક્ષા હોવી ન જોઈએ.
પૂર્વસૂરીઓ જેવા કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને મધર ટેરેસા જેવી વ્યક્તિઓ ઉદારતાના શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓએ પોતાના જીવનને સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું. આવી વ્યક્તિઓ સમાજમાં દીવાદાંડી રૂપ છે. બાળકોને ઘરમાંથી અને શાળામાંથી ઉદારતા જેવા નૈતિક મૂલ્યોના સંસ્કાર મળે તે આવશ્યક છે. બાળકો નાનપણથી જ બીજાની લાગણીઓ સમજે અને મદદ કરવા તૈયાર રહે એ આવકાર્ય છે. આમ કરવાથી ભવિષ્યમાં તેઓ વધુ સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બને છે. ઉદારતા એ માત્ર દાન નહીં, પણ માનવતાનો દ્રષ્ટિ કોણ છે. સમાજમાં સાચા પરિવર્તન માટે ઉદારતા જેવી ભાવનાઓનું વિકસિત થવું આવશ્યક છે. એક નાનકડી ઉદારતા પણ બીજાના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. એ જીવન ધન્ય છે.જ્યાં બીજાને આપવાથી આનંદ મળે.
ઉદારતાને વધુ સ્પષ્ટ કરતો એક પ્રસંગ છે :
સારાહ રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસનું કામ કરતી હતી. એક દિવસ રેસ્ટોરન્ટમાં આવેલા એક યુગલ સમક્ષ સારાહે ભોજનનું મેનુ મૂક્યું, પણ તે યુગલે મેનુ ખોલ્યા વગર જ ઓર્ડર કરવાનું શરુ કરી દીધું,’અમારી પાસે થોડા જ પૈસા છે. અમે પૈસાની તંગી અનુભવી રહ્યા છીએ આથી સૌથી સસ્તુ જે હોય તે લખી લે!’
સારાહએ ચહેરા પર સહેજે આનાકાનીનો ભાવ લાવ્યા વગર બે ઓછી કિમતની આઈટમ સૂચવી. તે યુગલ સારાહના સૂચન સાથે સહમત થયું. તેઓએ ઝટપટ ભોજન પતાવી ઉતાવળે સારાહ પાસે બિલ માગ્યું. સારાહે બીલને બદલે તેમને એક કાગળ અને કવર આપ્યું.જેમા લખ્યું હતું, ’આજે મે મારાં અંગત એકાઉન્ટમાંથી તમારું બિલ ચૂકવી દીધું છે. તે મારી ભેટ ગણશો. સાથે 100 ડોલરની એક નાનકડી ભેટ છે. આપની સારાહ!’તે યુગલ રેસ્ટોરન્ટ છોડી ગયું. પણ,સારાહનું આ નાનું કૃત્ય તેમને અઢળક ખુશી આપી ગયું. તે સમજી શકતા હતા કે એક વેઈટ્રેસ પોતાની નાણાકીય મર્યાદાઓ છતાં આવું અદભુત કાર્ય કરી શકે! તે યુગલને પણ ખુશી હતી અને સારાહને પણ ખુશી હતી એક નાની મદદ કરવાની! સારાહ કોઈ શ્રીમંત નહોતી.તેના ઘરે તેનું જૂનું વોશિંગ મશીન બગડી ગયું હતું, નવું ઓટોમેટિક વોશિંગ મશીન લેવા ઈચ્છતી હતી. તે માટે એકાદ વર્ષથી પૈસા બચાવી રહી હતી. આમ છતાં તે પૈસામાંથી તેણે પેલા યુગલના જીવનમાં ખુશી ભરવાનું નક્કી કર્યું.
તેને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો કે જયારે તેની ખાસ સહેલીએ તેને આ કામ માટે શાબાશી આપવાને બદલે ખખડાવી નાખી! તેનું કહેવું હતું કે પોતાની અગ્રતાઓ બાજુએ મૂકી આમ બીજાને મદદ ના કરાય! વાત પણ વ્યવહારુ હતી. પણ,તે સમયે જ સારાહ પર તેના મમ્મીનો ફોન આવ્યો. તે ઉત્તેજિત હતી, તેણે જોરથી બુમ પાડતા અવાજે પૂછ્યું,’સારાહ તે આ શું કર્યું?’ સારાહે ગભરાતા અવાજે કહ્યું,’મમ્મી,મેં? મેં તો કશું નથી કર્યું, કેમ શું થયું ?’ અરે….! દીકરી તને ખબર નથી? પેલા લોકો કે જેને તે મદદ કરી હતી, તેમણે આ વાત ફેસબુક પર પોસ્ટ કરી છે, તે વાયરલ થઈ છે. ફેસબુક તારા વખાણથી ઉભરાઈ રહ્યું છે!’ મમ્મીએ ઉત્તેજિત અવાજે કહ્યું અને સહેજ ભીના અવાજે ઉમેર્યું, ’બેટા મને તારા માટે સાચે જ ગર્વ છે!’
તે પછી તો તેના પર પરિચિતોના, મિત્રોના ઢગલો ફોન આવવાના શરુ થયાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્ટોરીએ ગજબ કામ કર્યું.હવે, અખબાર અને ટીવી ચેનલોએ તેનો સંપર્ક કરવાનું શરુ કર્યું હતું. બે ત્રણ દિવસ બાદ સારાહને એક અતિ લોકપ્રિય ટીવી શો માટે આમંત્રિત કરી. તે ટીવી ચેનલ તરફથી સારાહને દસ હજાર ડોલરનો પુરસ્કાર અપાયો.! ઉપરાંત, શોને સ્પોન્સર કરતી કંપની દ્વારા આધુનિક વોશિંગ મશીન, નવો ટીવી સેટ, અને પાંચ હજાર ડોલરના મૂલ્યની ઇલેક્ટ્રોનિક આઈટમોનું ગિફ્ટ હેમ્પર પણ અપાયું! આવી અસંખ્ય ભેટોનો ધોધ વરસ્યો.જેનું મૂલ્ય એક લાખ ડોલરથી વધુ હતું!
બે સસ્તી જમવાની ડીશ અને 100 ડોલરની કોઈ વળતરની અપેક્ષા વગર આપવામાં આવેલી મદદથી સારાહનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું! તમારે જેની જરૂર નથી તે આપવું તે સાચું દાન નથી! દાન તો એ છે કે, જેની તમને તો અત્યંત જરૂર છે, પણ બીજા કોઈને તેની વધુ જરૂર છે! ખરી ગરીબાઈ નાણાની નથી, પણ માનવતા અને ઉદાર અભિગમની છે! આવો, ખુશી વહેંચીએ, ખુશ રહેવાનો અને સુખી થવાનો આ સૌથી આસાન રસ્તો છે.