Abtak Media Google News

આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધતો જઈ રહ્યો છે. મોબાઈલ અને ઈન્ટરનેટ વગર તો આખી દુનિયા ઠપ્પ થઈ જાય તેવી સ્થિતિ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ જાણે આજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બની ગઈ હોય તેમ વપરાશ વધી રહ્યો છે. સૌથી વધુ યુવાવર્ગ ધરાવતા દેશ ભારતમાં ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવવા સ્થાનિક તો ઠીક પરંતુ વિદેશી કંપનીઓ પણ આકર્ષાઈ રહી છે. ભારતમાં સૌથી મોટા યુવાધન પરિબળનો ભરપુર લાભ ઉઠાવવા વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ ઝેફ બેઝોસ અને એલન મસ્ક મેદાને ઉતર્યા છે. ભારતને હવે થાંભલા કે દોરડા થકી નેટ કે ટેલિકોમ સેવા નહીં પરંતુ હવે અવકાશ મારફત નેટ અને ટેલિકોમ સેવા પૂરી પાડવા માટે વિદેશી કંપનીઓ મેદાને ઉતરી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કેબલ અને ટાવર દ્વારા ટેલિકોમ તેમજ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવામાં આવે છે. જેમાં દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ ગણાતી એવી જીઓ, એરટેલ અને વોડાફોનનો  સમાવેશ છે. જીઓ, એરટેલ અને વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓ દ્વારા ભારતમાં કેબલ અને ટાવર દ્વારા જ સેવા પુરી પડાય છે પરંતુ તેની સામે ભારતમાં સેટેલાઇટ મારફતે ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા વિદેશી કંપનીઓ આતુર બનતા સ્થાનિક કંપનીઓને હરીફાઈ માટે મુશ્કેલ બની જશે અને આપણી આ ભારતીય કંપનીઓ દોરડાં અને થાંભલામાં જ રહી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ભારતના ગ્રામીણ ક્ષેત્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી સુસજજ કરવા અમે આતુર: એલન મસ્ક

તો બીજી બાજુ ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે નેશનલ બ્રોડબેન્ડ મિશન શરૂ કર્યુ છે. જે હેઠળ દેશની દરેક ગ્રામ પંચાયત અને ગામડાના દરેક ઘરોને ઝડપી ઈન્ટરનેટ સેવાથી સજ્જ કરવાનું લક્ષ્યાંક સેવાયું છે. એલન મસ્કની સેટેલાઈટ કંપની સ્ટાર લિંક દ્વારા ભારતમાં આ માટે મહત્વનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. કંપનીના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે 10 ગ્રામીણ લોકસભા મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અને આ માટે  સંસદના સભ્યો, મંત્રીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે કંપની વર્ચ્યુઅલ વાતચીત કરવા તૈયારી કરી રહી છે.

જણાવી દઈએ કે સ્પેસએક્સના સેટેલાઇટ બ્રોડબેન્ડ આર્મનું લક્ષ્ય ભારતમાં ડિસેમ્બર 2022 થી બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાનું છે, જેમાં 2 લાખ સક્રિય ટર્મિનલ સરકારની પરવાનગીને આધિન છે.એક જીબીપીએસ જેટલી ઝડપ સાથે અથવા તેનાથી પણ વધુ-પૃથ્વીથી આશરે 1,000 કિલોમીટરના અંતરે લો-અર્થ ઓર્બિટ (એલઇઓ) ઉપગ્રહો દ્વારા તૈનાત કરવામાં આવશે. જેના દ્વારા નેટ સેવા પ્રદાન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.