જીયોપેથીક સ્ટ્રેસ: પૃથ્વીની નકારાત્મક ઉર્જાથી માનવી-પ્રાણીના જીવનમાં મોટી અસર થાય છે: સર્વે

  • જે વિસ્તારમાં વધુ પડતી હત્યા, લૂંટ, આપઘાત કે આવેગમય વ્યવહાર વધુ હોય તે હોય શકે છે.
  • જિયોપેથીક સ્ટ્રેસનો વિસ્તાર એટલે કે ત્યાંની જમીનમાંથી નકારાત્મક ઉર્જાનો સંચાર માણસને શેતાન કે હેવાન બનાવે છે: સૌ.યુનિના મનોવિજ્ઞાન ભવનની વિધાર્થીની કર્તવી ભટ્ટનો અહેવાલ

સ્ટ્રેસ માત્ર માનસિક, શારીરિક કે સામાજિક કારણે જ ઉદભવે એવું હોતું નથી. ભૌગોલિક પરિસ્થિતિ (જિયોપેથીક સ્ટ્રેસ) પણ સ્ટ્રેસ જન્માવે છે. એટલે કે પૃથ્વીની નકારાત્મક ઊર્જાથી માનવી અને પ્રાણીના જીવન પર મોટી અસર થાય છે. જે વિસ્તારમાં વધુ પડતી હત્યા, લૂંટ, આપઘાત કે આવેગમય વ્યવહાર વધુ હોય તે હોય શકે છે. જિયોપેથીક સ્ટ્રેસનો વિસ્તાર એટલે કે ત્યાંની જમીનમાંથી નકારાત્મક ઉર્જાનો સંચાર માણસને શેતાન કે હેવાન બનાવે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટે આ સ્ટ્રેસ પર એનાલિટિકલ અહેવાલ તૈયાર કર્યો છે.

સ્ટ્રેસ કે માનસિક તણાવ એ આજના સમયે જીવનશૈલીનો ભાગ બની ગયો છે. આપણી તણાવભરી દિનચર્યા આપણા રોજિંદા કાર્યોને પણ અસર પહોંચાડે છે. જેના કારણે ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આજના સમયે જિયોપેથીક સ્ટ્રેસ વિશે લોકો જાણતા થયા છે. જિયોપેથિક સ્ટ્રેસ વિશે બે રીતે જાણકારી મેળવી શકાય છે. એક તેના વિશે જાણકારી મેળવીને અથવા અન્ય જે લોકો તેની સમસ્યાથી પીડિત છે તેની પાસેથી. જર્મનીના શોધક બેરન ગુસ્તાવ ફ્રે હેર વોન પોહલે એ જિયોપેથીક ઝોન શબ્દ બનાવ્યો હતો. તેમને તેમના જીવનનો મોટાભાગનો સમય જિયોપેથીક ઝોન અને જિયોપેથીક સ્ટ્રેસ તેમજ વાસ્તુ પાછળ વિતાવ્યો હતો. તેના પરિણામે જોવા મળ્યું હતું કે, મોટાભાગની બીમારીઓનો સંબંધ ક્યાંકને ક્યાંક જિયોપેથીક સ્ટ્રેસ સાથે છે. જિયોપેથિક સ્ટ્રેસમાંથી નીકળતી ઉર્જા સામાન્ય મનુષ્યની ઉર્જાથી ઘણી વધારે ગણી શક્તિશાળી હોય છે. આથી આવા જિયોપેથિક સ્ટ્રેસ ઝોનમાં વધારે સમય રહેવાથી કે સુવાથી જે ચુંબકીય ગ્રીડ લાઈન અથવા ભૌમિતિક જળ પ્રણાલીથી આપણે પ્રભાવિત થઈએ તો તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

જિયોપેથિક સ્ટ્રેસના લક્ષણો

  • ઉંઘની ખામી.
  • ઊંઘમાં દાંત કડકડાવવા.
  • સવારે ઊઠવામાં તકલીફ પડવી.
  • ઉઠ્યા પછી થાકનો અનુભવ થવો.
  • ઘરની બહાર કે અન્ય સ્થળ પર સુવાથી તરત તાજગીનો અનુભવ થવો.
  • સાચા નિર્ણયો લેવામાં મુશ્કેલી પડવી.
  • ડરામણા સ્વપ્ન આવવા.
  • માનસિક સમસ્યાઓ થવી.
  • ગર્ભધારણ ન કરી શકવું.
  • વારંવાર ગર્ભપાત થવો અથવા માનસિક કે શારીરિક રીતે નબળું બાળક જન્મવું.
  • બાળકોનો અભ્યાસમાં ધ્યાન ન રહેવું.
  • ઘરની દીવાલો અને કાચ પર તિરાડો પડવી.
  • ઘરમાં હંમેશા કીડીઓનો ત્રાસ રહેવો.

કઈ જગ્યાએ જિયોપેથિક સ્ટ્રેસનો અનુભવ થાય

  • શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ધ્યાન અને એકાગ્રતાનો અભાવ
  • વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ રહી જતા હોય
  • વિદ્યાર્થીઓમાં આળસનું પ્રમાણ વધારે
  • વિદ્યાર્થીઓમાં આક્રમક કે અસામાજિક વર્તન વધુ જોવા મળતું હોય તો તે શાળા હોઇ શકે છે
  • ઉદ્યોગોમાં કેટલાક મશીનો વારંવાર ખરાબ થવા
  • કાર્યસ્થળ પર વારંવાર અકસ્માત થવા
  • તણાવપૂર્ણ સંબંધો અને
  • ઓછી ઉત્પાદકતા હોય તો તે ઉદ્યોગોનો વિસ્તાર હોય શકે છે
  • બજાર/ ખરીદી સ્થળોમાં ગ્રાહકો ઈચ્છાની વસ્તુઓ ખરીદી ન શકે
  • અગવડભર્યું વાતાવરણ, ગ્રાહકોને યોગ્ય સહાય કે સંતોષ ન મળે
  • રોકડ પ્રવાહોમાં અડચણ લાગે તો એ જગ્યા હોય શકે છે
  • મકાનોનું વેચાણ ન થાય, મકાનમાં ઊંઘની સમસ્યાઓ,
  • તાજગીનો અભાવ
  • ક્રોનિક દુ:ખવાઓના ભોગ બનવું, પાળતું પ્રાણીઓ કેટલાક ચોક્કસ વિસ્તારમાં અસ્વસ્થ રહેતા હોય
  • નબળી રોગપ્રતિકારક શક્તિ
  • શારીરિક અને માનસિક બીમારીઓ આવતી હોય
  • સમજવામાં કે શીખવામાં મુશ્કેલી તો તે મકાન હોય શકે છે
  • ઓફિસમાં સતત થાકનો અનુભવ, ઉચ્ચ તણાવ,
  • ઓછી કાર્યક્ષમતા, કર્મચારીઓમાં મુશ્કેલીઓ સર્જાય તો સમજવું કે ઓફિસ જિયોપેથિક્ ઝોનમાં છે