કડવા ઘૂંટડા ઉતારવા તૈયાર થઈ જાવ દાર્જિલિંગમાં રેકોર્ડબ્રેક ચાનું ઓછું ઉત્પાદન !!

ચાલુ વર્ષે દાર્જિલિંગ ચાનું ફક્ત 6.5 મિલિયન કિલોગ્રામ ઉત્પાદન: આબોહવા પરિવર્તન કારણભૂત

 

અબતક, નવી દિલ્લી

રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશભરના લોકોની સવાર તો ચાની ચૂસકીથી જ પડે છે. ભારતના લોકો માટે ચા વિના સવાર અધૂરી છે અને તેમાં પણ ખાસ તો સૌરાષ્ટ્રના લોકો માટે તો ચા વિના સાંજ પણ અધૂરી છે. સૌરાષ્ટ્રના મતે ચા એટલે ધરતીનું અમૃત પીણું. જો કે, હવે પરિસ્થિતિ વિપરીત થવા જઈ રહી છે. અમૃત પીણાંનો દરજ્જો ધરાવતી ચાની ચુસ્કી હવે કડવી બની જાય તો પણ નવાઈ નહીં. દાર્જિલિંગ ચા સમગ્ર દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ છે ત્યારે ચાલુ વર્ષે ચાનું રેકોર્ડબ્રેક ઓછું ઉત્પાદન ચાના ઘૂંટડીને કડવી બનાવી દે તો નવાઈ નહીં. વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય ચાની જાતોમાંની એક દાર્જિલિંગ ચાનું ઉત્પાદન વર્ષ 2021 માં ઘટીને 6.5 મિલિયન કિલોગ્રામ થઈ ગયું છે જે રેકોર્ડબ્રેક સૌથી ઓછું ઉત્પાદન છે અને બે દાયકા પહેલા ઉત્પાદિત 13 મિલિયન કિલોનઇ સરખામણીમાં માત્ર અડધું છે. ચાના ઉત્પાદન માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ યોગ્ય વાતાવરણ હોય છે. ચાના ઉત્પાદનમાં આબોહવા જ મુખ્ય ભાગ ભાવતું હોય છે. તેવા સમયે દાર્જિલિંગ આબોહવા પરિવર્તન, બગીચાઓનું બંધ થવું, ચાના કામદારોની ગેરહાજરીને લીધે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2017માં ટેકરીઓમાં આંદોલનને કારણે નિકાસ બજારો ગુમાવવા અને સ્થાનિક બજારમાં દાર્જિલિંગ ચાને પ્રમોટ કરવાના ઓછા પ્રયાસો ક્યાંક ચાની બજારને પતન તરફ દોરી ગયા છે.  વાવેતર કરનારાઓને ડર છે કે, જો સરકાર રાહત પેકેજ જાહેર નહીં કરે તો હિમાચલ પ્રદેશના પાલમપુરની ચાની જેમ ભારતીય ચા ઉદ્યોગની ધ્વજદાતા દાર્જિલિંગ ચા પણ ભૂતકાળ બની જશે.