Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષી નેતા નક્કી કરવા દિલ્હીમાં રાહુલ ગાંધીની કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના નામ ફાઈનલ કરવા માટે આજે નવીદિલ્હી ખાતે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. નેતાઓને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા. બપોરે બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ તમામને એકજુટ થઈ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે કામે લાગી જવાની તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હારની નૈતિક જવાબદારી સ્વીકારતા પ્રદેશ પ્રમુખ પદેથી અમીત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપી દીધુ હતું. જો કે તેઓનું રાજીનામુ સ્વીકારવાના બદલે તેમને ચાલુ રાખવામાં આવ્યા છે. રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિમણુંક કરવાનો મુદ્દો હાથ પર લીધો હતો. દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમીત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. જેમાં નવા હોદ્દેદારોની વરણી માટે નેતાઓ સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવી હતી.

ત્યારબાદ રાહુલ ગાંધીએ તમામને એક લીટીમાં સુચના આપી દીધી હતી કે, ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે તમામને એકજુટ થઈ કામે લાગી જવા તાકીદ કરવામાં આવી છે. દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતાના નામની ઘોષણા કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.