- આઉટ સોર્સ કર્મચારીઓને અપાયેલી અસામાન્ય સત્તા પર સવાલો
જામનગરની જીજી હોસ્પિટલમાં આઉટસોર્સના બે કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલાં સરકારી નાણાંના ઉચાપત પ્રકરણની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચર્ચાઓ એ ઉઠી છે કે, સેંકડો કર્મચારીઓના વેતન સહિતની આ નાણાંકીય લેવડદેવડની કામગીરીઓ આઉટસોર્સ કર્મચારીઓને કોણે અને શા માટે સોંપી ? આ પ્રકરણની વધુ વિગતો આરોપીઓની ધરપકડ બાદ બહાર આવી શકે છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંહ ( જી જી) હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારી દ્વારા રૂ. 17 લાખ 20 હજાર ની રકમની ઉચાપતના મામલામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજી સુધી બંને આરોપીઓ ફરાર હોય, પોલીસના હાથ માં આવ્યા નથી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઈ મૂંગરા એ રૂપિયા 17 લાખ 20 હજાર ની રકમની ઊચાપત કરી હતી. આ કૌભાંડ તિજોરી કચેરીના ધ્યાનમાં આવતા તેમણે હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું આ પછી ડો.ભાવિન કણસાગરા દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ હતી. બીજી તરફ આ કૌભાંડ ધ્યાન માં આવતા જ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આ બંને કર્મચારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યાર થી આ બંને ફરાર છે, અને પોલીસ તેને શોધી રહી.છે.
જ્યારે પોલીસ સબ ઇન્સ .જે પી સોઢા દ્વારા આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને હોસ્પિટલના વહીવટી વિભાગમાં અનેક દસ્તાવેજોની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી છે. બંને આરોપીઓ દ્વારા જુદા જુદાકર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાની રકમના વાઉચર બનાવી ને તેમાં પોતાના જ જુદા જુદા બેંક ખાતાના નંબરો લખવામાં આવતા હતા અને એ રકમ પોતાના ખાતામાં જમા લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર 2023 થી ચાલતું હતું. જે તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. જ્યારે આ પ્રકરણમાં એવા પણ સવાલો ઉઠવા પામ્યા છે કે સેંકડો આઉટસોર્સ કર્મચારીઓના વેતન સહિતની નાણાકીય વહીવટ જેવી મહત્વની કામગીરી કાયમી કર્મચારીને બદલે આઉટસોર્સ કર્મચારીને કેવી રીતે આપવામાં આવી ? આ નિર્ણય કોણે અને શા માટે લીધો હતો ?
ઉપરાંત આ તમામ વાઉચર બિલોમાં ફરિયાદી એવા વહીવટી અધિકારી ડો. ભાવિન કણસાગરા એ સહીઓ કરી છે. જોકે તેમના કહેવા મુજબ, તેમણે કર્મચારી ઉપર વિશ્વાસ રાખી ને આ સહીઓ કરી છે. પરંતુ પોતે આ કૌભાંડ બાબતે કંઈ જ જાણતા નથી, તેમ જણાવી રહ્યા છે. બન્ને ફરારી આરોપી પકડાયા પછી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગરથી પણ તપાસનીશ ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને જી.જી. હોસ્પિટલ વર્તુળનું કેટલુંક સાહિત્ય ચકાસ્યું હતું, અને તેનો રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગરની વડી કચેરીએ રજૂ કરવામાં આવી રહ્યો છે.