Abtak Media Google News

કોરોના સામેના જંગમાં દવા, ઓક્સિજન, સ્ટાફ સહિતની સુવિધાઓ વધારવા મંત્રીઓની હૈયાધારણા

શહેર-જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય જી જી હોસ્પિટલમાં કોવિહ બેડની સંખ્યા 1200થી વધારી 1700 બેડની કરવા નિર્ણય લેવાયો છે. જામનગરમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા મંત્રીઓ અને તંત્રના અધિકારીઓની તાકીદની બેઠકમાં તબીબોએ જણાવ્યું હતું કે, મહામારીના બીજા તબકકામાં યુવા અને બાળ દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળ્યું છે. કપરી સ્થિતિમાં જી.જી.માં વધુ દવાઓ, ઓક્સિજન, સ્ટાફ સહિતની સુવિધાની મંત્રીઓએ હૈયાધારણા આપી સરકારી કોવિડ હોસ્પિટલમાં પથારીની ક્ષમતા વધારી 1700 બેડની કરાશે તેમ જણાવ્યું હતું.

જામનગરમાં યોજાયેલી આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા, વોર્ડ, બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, દવા વગેરે સારવાર લક્ષી વ્યવસ્થાનો કલેકટરે ચિતાર આપ્યો હતો. કોરોનાના બીજા તબકકામાં યુવા અને બાળ દર્દીઓનો વધારો જોવા મળ્યો છે તેમ જણાવી કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટરજીએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે. સાથે જી.જી. હોસ્પિટલમાં જામનગર જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ, ઓક્સિજન, નર્સ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે.

આ તકે મંત્રીઓ અને સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જામનગરમાં 1200 બેડની વ્યવસ્થા છે જેને વધારીને આગામી દિવસોમાં વધુ 500 બેડ સાથે 1700 સુધી લઇ જવામાં આવશે. આ માટેની આવશ્યક પ્રક્રિયા માટે તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ કૃષિ અને વાહન વ્યવહારમંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પણ જોડાયા હતા.

ડેન્ટલ કોલેજમાં આઇસોલેશન વોર્ડની તૈયારી

જામનગરમાં કોરોના બેકાબૂ બનતા અને અન્ય જિલ્લામાંથી દર્દીઓ આવતા જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા રોકેટ ગતિએ વધતા આયુર્વેદ હોસ્પિટલ બાદ શહેરની ડેન્ટલ કોલેજમા આઇસોલેશન વોર્ડ ઉભો કરવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ માટે વાલસૂરામાંથી 150 બેડ મંગાવામાં આવ્યા હતાં. જે પૈકી 113 બેડ ડેન્ટલ કોલેજમાં અને 37 બેડ જી.જી.માં મોકલવામાં આવ્યા હતાં.

આયુર્વેદ હોસ્પિટલમાં 150 બેડનું કોરોના સેન્ટર કાર્યરત વીમા યોજના દવાખાનામાં 50 બેડની સુવિધા

જામનગરની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવવા લાગી હોવાથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં આયુર્વેદ હોસ્પિટલમાં 150 બેડ અને કામદાર વિમા યોજના હોસ્પિટલમાં 50 બેડના કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જામનગરમાં જી.જી.હોસ્પિટલ ઓફ મેડિસિન વોર્ડ આયુર્વેદની પી.જી હોસ્પિટલમાં શરૂ થશે. જેમાં જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સતત વધારાને જોતા તંત્રની મંજૂરીથી હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિસિન હોડના તમામ દર્દીઓને આયુર્વેદ યુનિવર્સિટીની પીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે જે માટે આયુર્વેદ હોસ્પિટલમાં જગ્યા કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા વધુ 150 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે જામનગરમાં ડેન્ટલ કોલેજમાં કોવિડ કેર શરૂ કરવાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલની સૂચનાથી આસિસ્ટન્ટ કમિશ્નર ડોક્ટર ભાર્ગવ ડાંગરના ચાલતી કામગીરીમાં 150થી વધુ બેડ ડેન્ટલ કોલેજ ખાતે ગોઠવવામાં આવ્યા છે. જેમાંથી વાલસુરા નેવીમાંથી 150 બેડના કોવિડ સેન્ટરનું નિરીક્ષણ આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ભાર્ગવે કર્યું હતું. મહાનગરપાલિકા દ્વારા વધુ એક કોવિડ સેન્ટર શરૂ કરવાની તૈયારી પણ પૂર્ણ કરી દીધી છે જેની જવાબદારી કમિશ્નર સતીશ પટેલ આસિસ્ટન્ટ કમિશ્નર ડોક્ટર ભાર્ગવને સોંપી છે અને 150 બેડની કોવિડ સેન્ટર તૈયાર થઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.