Abtak Media Google News

 ફાયર એનઓસી માટે અરજી કર્યાના આઠ-આઠ મહિના વીતવા છતાં એનઓસીના કોઈ જ ઠેકાણા નથી! 

15 દિવસની મુદત આપી છે ત્યારે ફાયર સેફટીના સાધનો વસાવી એનઓસી માટે અરજી કરી દેવા સ્કૂલ સંચાલકોને ડીઈઓની તાકીદ 

રાજ્યમાં ફાયર એનઓસી વીના ધમધમતી શાળાઓને સીલ કરવામાં આવશે તેવી ગુજરાત હાઈકોર્ટની તાકીદ બાદ રાજ્યભરમાં ફાયર બ્રિગેડ દ્વારા શાળાઓમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ  ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક પાડાના વાંકે પખાલીને જાણે ડામ પડી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડ શાખા પાસે પુરતા સ્ટાફના અભાવના કારણે ફાયર એનસીઓની મેળવવામાં સ્કૂલો સંચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જે સ્કૂલ સંચાલકોએ એનઓસી મેળવવા માટે 8 મહિના પહેલા અરજી કરી છે તેને ક્યારે એનઓસી આપવામાં આવશે તેના કોઈ જ ઠેકાણા નથી. એનઓસી મેળવવા 15 દિવસની મુદત મુકવામાં આવી હોય આ સમય મર્યાદામાં શાળાઓને ફાયર સેફટીના સાધનો વસાવી એનઓસી માટેની અરજી કરી દેવા ડીઈઓ દ્વારા પણ તાકીદ કરવામાં આવી છે.

શહેરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ એકાએક  ફાયર બ્રિગેડ શાખાને જાણે સુરાતન ચડ્યું હોય તેમ હોસ્પિટલો અને શાળા-કોલેજોમાં ફાયર સેફટી અંગેનું સધન ચેકિંગ શરૂ કર્યું હતું. જો કે આ સુરાતનનો નશો ઉતરી ગયા બાદ ફરી સ્થિતિ જૈસે થે તેવી બની જવા પામી હતી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવી ટકોર કરવામાં આવી હતી કે, રાજ્યમાં ફાયર સેફટી અંગેના એનઓસી વીના ધમધમતી શાળાઓને સીલ કરી દેવામાં આવશે. આ ટકોર બાદ ફરી ફાયર બ્રિગેડ શાખાએ શાળાઓમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ શરૂ કર્યું છે. ગઈકાલે 42 શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયા બાદ આજે બપોર સુધીમાં વધુ એકાદ ડઝન શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લામાં કુલ 1194 સ્કૂલો આવેલી છે. જે પૈકી 340 સ્કૂલો એવી છે જેની પાસે જો શાળામાં આગ લાગે તો આ આગને બુઝાવી શકાય તેવું એકપણ સાધન ઉપલબ્ધ નથી.

માત્ર શાળા સંચાલકોનો દોષ હોય તેવું માનવું સદંતર ભુલ ભરેલું છે. એક શાળા સંચાલકે ફાયર સેફટીના એનઓસીની મુદત પૂર્ણ થતાં આ એનઓસી રિન્યુ કરવા માટે ગત 19 જૂન 2020ના રોજ મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં અરજી કરી હતી પરંતુ હાલ ચેકિંગનો રૌફ જમાવતા અધિકારીઓએ જાણે આ અરજીને કચરા ટોપલીમાં નાખી દીધી હોય તેમ એનઓસી મેળવવા માટે કરાયેલી અરજીના 8 મહિને પણ કોઈ ઠામ ઠેકાણા નથી. એક તરફ ફાયર બ્રિગેડ શાખામાં સ્ટાફનો અભાવ છે તો બીજી તરફ કામનું ભારણ સતત વધી રહ્યું છે. આવામાં પાડાના વાંકે જાણે પખાલીને ડામ આપવામાં આવતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જે શાળાઓમાં ફાયર સેફટીના સાધન કે સેફટી નથી તે શાળાને 15 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. આ નિયત સમય મર્યાદામાં ફાયર સેફટીના સાધનો વસાવી એનઓસી મેળવવા માટે અરજી કરવા માટે ડીઈઓ દ્વારા શાળા સંચાલકોને અપીલ સાથે તાકીદ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ શાખા દ્વારા ટીપી બ્રાંચ પાસે પણ 6 હજાર એવી મિલકતોનું લીસ્ટ માંગવામાં આવ્યું છે જેને નિયમોનુસાર ફાયર સેફટીના સાધનો વસાવા પડે તેમ છે અને એનઓસી પણ મેળવવું પડે તેમ છે. દર વખતે જાણષ પરંપરા બની ગઈ હોય તેમ આગ લાગે અને પાંચ-પંદર લોકોના મોત થાય ત્યારે લોકરોષને ખાળવા માટે બે ચાર દિવસ ચેકિંગના નાટક કરવામાં આવતા હોય છે ત્યારબાદ બધુ હોતા હૈ… ચલતા હૈ… તેમ ચલાવી લેવામાં આવતું હોય છે. અગાઉ એવી ઘોષરા કરાય હતી કે ફાયર સેફટીના સાધનો વિના ધમધમતી હોસ્પિટલોને સીલ કરવામાં આવશે પરંતુ આજની તારીખે સમ ખાવા પુરતી એક પણ હોસ્પિટલને સીલ કરવામાં આવી નથી. આ સાબીત કરે છે કે, ફાયર સેફટીનું કહેવાતું સધન ચેકિંગ નર્યા નાટકથી કશુ વિશેષ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.