Abtak Media Google News

અનેક વિસ્તારોની સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોક્કસ ઇનપુટના આધારે સુરક્ષા દળોએ નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગરપોરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ જવાબી કાર્યવાહી કરી અને સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.

કાશ્મીરના એડીજીપીએ આ અંગે કહ્યું છે કે, ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.  માર્યા ગયેલા આતંકવાદીઓ આતંકવાદી સંગઠન અંસાર ગઝવા-એ-હિન્દ સાથે જોડાયેલા હતા અને તેમની ઓળખ પુલવામાના એજાઝ રસૂલ નઝર અને શાહિદ અહેમદ તરીકે થઈ હતી.

તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ તાજેતરમાં પશ્ચિમ બંગાળના રહેવાસી મુનીર-ઉલ-ઈસ્લામ નામના મજૂર પર પુલવામામાં 2 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલી રહી છે. સોમવારે જ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

આ પહેલા 6 સપ્ટેમ્બરે બે આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.  દક્ષિણ કાશ્મીરના પુષ્કરી કનિલવાન ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ થઈ હતી.  પુષ્કરી કનિલવાન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

કાશ્મીર ઝોનના ડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ દાનિશ ભટ ઉર્ફે કોકબ દુરી અને બશારત નબી તરીકે કરવામાં આવી છે, બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદીન સાથે જોડાયેલા છે. બંને 9 એપ્રિલ 2021ના રોજ સૈનિક સલીમની અને 29 મે 2021 ના રોજ જબલીપોરામાં બે નાગરિકોની હત્યામાં સામેલ હતા.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 96 એન્કાઉન્ટર થયા છે, જેમાં 153થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.  માર્યા ગયેલા આતંકવાદીઓમાં 38 પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે. આ વર્ષે, આતંકવાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 21 નાગરિકોના પણ મોત થતા છે. જ્યારે 20 સૈનિકો વિવિધ હુમલાઓ અને એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.