Abtak Media Google News

દેણું કરીને ઘી પીવાય, પણ ક્યારે? આ પ્રશ્ન હવે અદાણીને લઈને જાહેર થયેલા અહેવાલને પગલે તેજ બન્યો છે.  અદાણી જૂથ સૌથી ઝડપથી વિકસતા ઔદ્યોગિક જૂથો પૈકી એક છે.પરંતુ તેના દેવામાં વધુ પડતો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામે ટક્કર લેવા અને બજારમાં પોતાનો પ્રભાવ વધારવા માટે અદાણી જૂથ સતત દેવું કરી રહ્યું છે. હાલમાં આ ગ્રૂપ વધારે પડતા દેવાના બોજ હેઠળ દબાયેલું છે તેમ રેટિંગ એજન્સી ફિચ રેટિંગે જણાવ્યું છે. ફિચે તેની એક નોટમાં જણાવ્યું છે કે બજારમાં ડોમિનન્સ વધારવાની આ લડાઈમાં અદાણી જૂથ નાણાકીય રીતે નુકસાનકારક નિર્ણય લે તેવી શક્યતા છે.

ગૌતમ અદાણીના અદાણી જૂથને ફિચે વધારે પડતું ’ઓવરલિવરેજ્ડ’ જણાવ્યું છે. ફિચે લખ્યું છે કે, “અમને લાગે છે કે ગ્રૂપની કંપનીઓને તેમનું લિવરેજ લેવલ ઘટાડવા માટે ઇક્વિટી કેપિટલની જરૂર છે. હાલમાં અદાણી જૂથના પ્રમોટર્સ પાસે જંગી નેટવર્થ છે. છતાં તે સતત લિક્વિડિટી સપોર્ટ આપી શકશે કે નહીં તે શંકાનો વિષય છે.”

ફિચ રેટિંગ્સે એમ પણ જણાવ્યું છે કે, “અદાણી ગ્રૂપે તેના ક્રેડિટ મેટ્રિક્સ અને કેશ ફ્લો પર એક પ્રેશર પેદા કર્યું છે. તેના પ્રમોટર્સ આ કંપનીમાં જરૂરી મૂડી ઠાલવી શકશે કે નહીં તે વિશે શંકા છે. અદાણી જૂથ તાજેતરમાં કેટલાક અન રિલેટેડ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યું છે જેના કારણે કેટલીક ચિંતા પેદા થાય છે. જોકે, આ કંપનીના સ્થાપક ગૌતમ અદાણી હાલમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે અત્યંત સારા સંબંધ ધરાવે છે.”

અદાણી જૂથ હાલમાં દેવું કરીને ગ્રોથ કરવાની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ પાસા બરાબર નહીં પડે તો જંગી ડેટ ટ્રેપ સર્જાઈ શકે છે. જોકે, ફિચે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટના ક્રેડિટ માટે માર્કેટ પરફોર્મ રેટિંગ્સ જાળવી રાખ્યું છે. સાથે સાથે તેના પર સાવધાનીપૂર્વક વોચ રાખવાની વાત કરી છે. તેણે જણાવ્યું કે પ્રમોટર ફેમિલીએ હાલમાં 6 લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછો હિસ્સો ગીરવે મુક્યો છે. તેથી તેમને વધારે મૂડી એકઠી કરવાનો વિચાર આવે તો તેઓ વધુ હિસ્સો ગીરવે મુકી શકે તેમ છે.

આક્રમક વિસ્તરણ યોજના માટે અદાણીએ જંગી દેવું કરવાની નીતિ અપનાવી છે. જૂનના આંકડા પ્રમાણે અદાણી જૂથ પરનું દેવું 40 ટકા વધીને રૂ. 2.21 લાખ કરોડ થયું છે. ગયા નાણાકીય વર્ષમાં આ જૂથ પર રૂ. 1.57 લાખ કરોડનું દેવું હતું. તેની ગ્રૂપ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ પર સૌથી વધારે દેવાનો બોજ છે. આ કંપની પરનું દેવું 155 ટકા વધીને રૂ. 41,024 કરોડ થયું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.