ગિફ્ટ સિટી 130 કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે : પ્રધાનમંત્રી

ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા દેશોની લીગમાં પ્રવેશ કરી રહ્યું છે જે વૈશ્વિક ફાઇનાન્સને દિશા આપી રહ્યા છે” : નરેન્દ્ર  મોદી

અબતક,રાજકોટ

ભારતના આર્થિક અને ટેકનિકલ સામર્થ્યમાં વિશ્વના વધતાં જતાં વિશ્વાસ માટે અત્યંત મહત્વનો દિવસ છે. ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આધુનિક ભારતની સંકલ્પના સાકાર થઈ રહી છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટીના નવા મુખ્યમથકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ શુભારંભ થઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ત્રણેયનું જોડાણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરના વડામથકનું આ ભવન સ્થાપત્યની દૃષ્ટિએ તો શ્રેષ્ઠ હશે જ, પરંતુ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટેના અવિરત અવસર પૂરા પાડનારું મુખ્યમથક પણ બની રહેશે. આ સેન્ટર સંસ્થા ક્ષેત્રમાં સંશોધનોને સહાયરૂપ બનશે. એટલું જ નહીં, વૈશ્વિકકક્ષાએ સેવાઓ પૂરી પાડનાર સેન્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતની રિજનલ ઓફિસ, ત્રણ ફોરેન બેંક, ચાર નવા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઈનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મના શુભારંભ તેમજ ગિફ્ટ સિટીમાં કાર્યરત પાંચ ફિન-ટેક ફોર્મ્સને ઓથોરિટી સર્ટિફિકેટ આપવાના અવસરે 100થી વધારે બ્રોકર ડીલરને કાર્યરત કરવાના તેમજ ઇન્ડિયા આઈએનએક્સમાં 75થી વધારે બોન્ડ લિસ્ટિંગ કરવાના અવસરે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ માઇલસ્ટોન સાથે આપણે અનેક મહત્વપૂર્ણ પડાવોને પાર કર્યા છે.

તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીથી ભારતના 130 કરોડ દેશવાસીઓને આધુનિક વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક મળશે. આજે આપણો દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપોર જેવા દેશોની હરોળમાં ઉભો છે, જ્યાંથી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું દિશાદર્શન અપાય છે. આ માટે તેમણે તમામ ભારતીયો તેમજ સિંગાપોરના દેશવાસીઓને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે, આ પહેલથી બંને દેશો માટે સંભાવનાઓની નવી ક્ષિતિજો વિસ્તરી છે.

નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટી માત્ર વાઇબ્રન્ટ ફાઇનાન્સિયલ ટેક સિટી નહીં પણ એક સારું બિઝનેસ વાતાવરણ અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંશોધનનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડનારું કેન્દ્ર બની રહેશે.

ગિફ્ટ સિટી એ ભારત અને વિશ્વની ઈકોનોમીને એકીકૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે એટલું જ નહીં ભવિષ્યમાં વર્લ્ડ ઇકોનોમીના નેતૃત્વ માટે ભારતે તૈયાર થવું પડશે એમ કહીને પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, વિકાસ નિશ્ચિત છે. આજે ગિફ્ટ સિટીમાં જે યોજનાઓ સાકાર થઈ છે એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ભાવિ ભૂમિકાને પહોંચી વળવા સમર્થ છે.

સુવર્ણ ભારતીય મહિલાઓની આર્થિક શક્તિનો મોટું અને મહત્વનું માધ્યમ છે. સુવર્ણ ભારતની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે એમ કહીને  નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારત સોના અને ચાંદીનું મોટું માર્કેટ છે પણ ભારતની ઓળખાણ માત્ર આ જ નથી. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ એ સોના-ચાંદી ક્ષેત્રે ભારતની મહત્વના માર્કેટ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે, ભારતના જ્વેલર્સને પોતાના વ્યાપાર વ્યવસાય વિસ્તારવાની નવી તકો આ માર્કેટ આપશે. એટલું જ નહીં, સોના-ચાંદીના વૈશ્વિક બજાર સાથે સીધો અને પારદર્શી વેપાર કરવાની નવી તકો પણ અહીં મળશે. ભારતના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ભાવનિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. એટલું જ નહીં, સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય કિંમતોના નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકશે.

ભારતમાં અત્યારે સીધું વૈશ્વિક મૂડીરોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) રેકોર્ડ સંખ્યામાં આવી રહ્યું છે એનું કારણ છે કે, ભારતે ઉત્પાદકતા વધારી છે. ભારતની તાકાતથી આખા વિશ્વને લાભ થઈ રહ્યો છે. મૂડી રોકાણકારોને સારો નફો મળી રહ્યો છે એમ કહીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અનેક અનિશ્ચિતતાઓને કારણે દુનિયા આશંકિત છે. એવી પરિસ્થિતિમાં ભારત દુનિયાને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત સેવાનો ભરોસો આપી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે, ભારત એટલે લોકલ વેલફેર માટે ગ્લોબલ કેપિટલ અને ગ્લોબલ વેલફેર માટે લોકલ ઉત્પાદનનો અદભુત સમન્વય છે. આજે ભારત પાસે લોકલ કનેક્ટ સાથે ગ્લોબલ ફૂટપ્રિન્ટ છે. નવી વ્યવસ્થાઓથી ભારત પાસે મોટી અપેક્ષાઓ ઊભી થઈ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે મને પૂરો ભરોસો છે કે, આ અપેક્ષાઓને આપણે પહોંચી વળીશું.

વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં ભારત 40 ટકા હિસ્સેદારી ધરાવે છે. ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની આ તાકાત દુનિયાને આકર્ષી રહી છે,  ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો થવા જોઈએ. આ માટે આપણે નવા લક્ષ્યાંકો આપણી જાત સામે મૂકવા જોઈએ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની લેબોરેટરી બને. તેમણે કહ્યું હતું કે સફળતા અને સેવા એકબીજાના પર્યાય છે. જગ કલ્યાણથી જન કલ્યાણ એ આપણી વિભાવના છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટી એ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપેલી અણમોલ ભેટ છે. ગિફ્ટ સિટી ગુજરાતને ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ માટેનું ગ્લોબલ સેન્ટર બનાવશે. મેન્યુફેક્ચરિંગ, સીરામીક, ડાયમંડ અને ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ માટે જાણીતું ગુજરાત હવે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબ બની વૈશ્વિક સ્તરે જાણીતું બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગીફ્ટ સિટીના વિકાસ સંદર્ભે મુખ્યમંત્રી એ કહ્યું કે, ગુજરત સરકાર 700 એકરમાં ફેલાયેલા વિશાળ ગિફ્ટ સિટીને ગ્રીન, સ્માર્ટ અને હોલીસ્ટિક સીટી તરીકે વિકસાવી રહી છે. ફાયનાન્સિયલ સર્વિસીસના વિકાસ માટે ગુજરાત સરકારે તાજેતરમાં વધારાની 79 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાને રાખી રાજ્ય સરકારે ગિફ્ટ સિટીની પાસે સાબરમતી નદીતટ ઉપર રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે ગત બજેટમાં રૂ. 355 કરોડની ફાળવણી કરી છે.

તેમણે ઉમેર્યું કે, કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સ્ટોક એક્સચેન્જ ઉપર તેમજ એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા સરકારે સ્ટેમ્પ ડ્યુટીમા સંપૂર્ણ માફી આપી છે. પ્રધાનમંત્રીશ્રીના દિશાનિર્દેશને પરિણામે ગિફ્ટ સિટીને ટૂંક સમયમાં મેટ્રો કનેક્ટિવિટી પણ મળી જવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સમૃદ્ધ દરિયાઈ બંદરોના પરિણામે ગુજરાત પ્રાચીન સમયથી જ ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું આવ્યું છે. ગિફ્ટ સિટીને પરિણામે ગુજરાત, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ માટે પણ ગેટવે ઓફ ઇન્ડિયા બની રહેશે. ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થવાથી ગ્લોબલ બુલીયન પ્રાઇસ અને માર્કેટને પ્રભાવિત કરવાની ક્ષમતા પણ ભારતને મળશે.

મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન એ ભારતને ગ્લોબલ ટ્રેડ કરનારું સૌથી મોટું રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવા વડાપ્રધાન ના નેતૃત્વમાં સૌ કોઈ પ્રયાસરત છે. દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશની અર્થવ્યવસ્થામાં 8% થી વધારે યોગદાન આપે છે.

નાણામંત્રી  નિર્મલા સીતારમણે ગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણને તત્કાલિન મુખ્યમંત્રી  અને દેશના વર્તમાન વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશીભર્યું પગલું ગણાવી કહ્યું હતું કે, આ પહેલથી ગુજરાતને વૈશ્વિક નકશા પર મૂકી દીધુ છે અને ગુજરાતના વિકાસને વિશ્વના અન્ય વિકસિત દેશોની સમકક્ષ લાવી દીધો છે. ગિફ્ટ સિટી ખાતે અનેકવિધ પ્રોજેક્ટના નિર્માણના પરિણામે આ પ્રકલ્પ સમગ્ર દેશ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. એટલું જ નહીં, સમગ્ર વિશ્વના આર્થિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ એક માઈલસ્ટોન બની રહેશે.

મંત્રી એ જણાવ્યું કે, આજે આ દિશામાં ત્રણ મહત્વના નવીન પ્રકલ્પોનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પરિણામે આગામી 2-3 વર્ષમાં ગિફ્ટ સિટી વધુ નીખરીને બહાર આવશે. આ તકે તેમણે  તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન ના સતત સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગિફ્ટ સિટી આજે લંડન, સિંગાપોર અને હોંગકોંગ સહિતના સમગ્ર વિશ્વમાં વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સમકક્ષ ઉભુ છે.