મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જન્માષ્ટમી પ્રસંગે શહેરીજનોને ભેટ…

શહેરને પાણી પુરૂ પાડતા આજી જળાશયમાં આગામી 3 સપ્ટેમ્બરે નર્મદાના નીરની થશે પધરામણી

 

અબતક, રાજકોટ

સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. જો કે, વરસાદની સીઝન હજુ ચાલુ જ છે. દરરોજ ધાબળીયા વાતાવરણને જોઇ એમ લાગ્યા કરે કે હવે તો મેઘો મંડાશે. પરંતુ એ આશા ઠગારી નિવડે છે. છતાં અમુક જ્યોતિષીઓના મતે કદાચ ભાદરવો ભરપૂર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ખેતરોમાં ઉભા પાકને બચાવી લેવા ખેડૂતો પણ પ્રાર્થના કરી ‘મેઘા’ના આગમનની રાહ જોઇ રહ્યાં છે. અને ખેતી ઉપરાંત પીવાના પાણીનો પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જન્માષ્ટમીની રાજકોટવાસીઓને જબરી ભેટ આપી હોય તેમ આગામી ત્રીજી સપ્ટે.ના રોજ આજી ડેમમાં નર્મદા મૈયાના નીર પધરાવવા લીલીઝડી આપી છે. જેથી આવતા શુક્રવારે શહેરના આજી જળાશયમાં નર્મદાના નીરની પધરામણી થશે.

‘જેઠ કોરો જાય તો ખંડમાં ખટકો નહીં, પણ અષાઢનો એક દી’ વસમો લાગે વેરડા !

આ કહેવત જાણે સાર્થક થતી હોય તેવી પરિસ્થિતી હાલ સર્જાઇ રહી છે. કારણ કે પોણો શ્રાવણ માસ વિતી જવા આવ્યો અને ભાદરવાનું આગમન થશે ખેડૂતો પણ આભ સામે હાથના નેજવા કરી અને કહે કે હવે તો મેર કર જો કે, કહેવત છે કે સાચા હૃદ્યથી કરેલી પ્રાર્થના ક્યારેય અફળ જથી નથી એમ ભાદરવામાં મેઘાના મંડાણ થાય તેવી આશાઓ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ રાજકોટવાસીઓને જન્માષ્ટમી તહેવારો પ્રસંગે નર્મદાના નીરની ભેટ આપવાની વાતથી લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.

જો કે મહાપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટિ ચેરમેન દેવાંગ માંકડની યાદી મુજબ મેયર  ડો.પ્રદિપ ડવ દ્વારા મુખ્યમંત્રીને આજીમાં નર્મદાના નીરને ઠાલવાની કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે.

જો કે શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં પાણી સંગ્રહ અંગે જોઇએ તો આજી-1માં તા.10 સપ્ટે.ની સ્થિતિએ 215, જ્યારે ન્યારી-1માં તા.15 નવેમ્બર તેમજ ભાદર-1માં 21 ડિસેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. આમ નર્મદાના નીરની આવકથી શહેરીજનોને પાણીની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તેવું જણાઇ રહ્યું છે.