- સ્વચ્છતામાં ઉત્તમ કામગીરી કરનાર ગામના સરપંચોનું સન્માન કરવાની નવી પરંપરા
- ગામની ગલીથી શહેર સુધી સ્વચ્છતાં જળવાય તે માટે સ્વચ્છતા અભિયાનો ચલાવાયા
- સેગ્રીગેશન, સોકપીટ, સૂકો કચરો-ભીના કચરાનો નિકાલ સહિતની વ્યવસ્થાઓ કરાઈ
- ગામડાઓ આસપાસના વાતાવરણમાં પણ સ્વચ્છતા કેળવાય તે માટે જાગૃત બન્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શાસનકાળ દરમિયાન સ્વચ્છતાને મોટા પ્રમાણમાં પ્રાધાન્ય આપ્યું છે અને ગામની ગલીથી શહેર સુધી સ્વચ્છતાં જળવાય તે માટે સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવ્યાં છે.
દેવાલય પહેલા શૌચાલય અને સ્વચ્છતાં ત્યાં પ્રભુતાના સૂત્રો દ્વારા જીવનમાં સ્વચ્છતા કેળવાય તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. ગાંધીજી પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપતાં હતાં. સ્વચ્છ અને સ્વસ્થ ભારત મિશન અન્વયે ગામડાઓમાં સ્વચ્છતાના સંસ્કારો કેળવાય તે માટે સેગ્રીગેશન, સોકપીટ, સૂકો કચરો-ભીના કચરાનો નિકાલ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતા બાબતે લીડ લીધી છે અને જિલ્લાના ગામો સ્વચ્છતા પ્રતિ જાગરૂક બન્યાં છે. જિલ્લા તંત્ર દ્વારા પણ આ ગામો વચ્ચે સ્વચ્છતા અંગેની સ્વસ્થ સ્પર્ધા થાય તેવા વાતાવરણના નિર્માણ માટે દર મહિને જિલ્લાકક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાતી સંકલન સહિતની બેઠકોમાં જિલ્લાના બે ગામોના સરપંચોને બોલાવીને તેમના અભિપ્રાયો જાણવામાં આવે છે અને તેમનું જાહેરમાં સન્માન કરવાની નવીન પરંપરા ઉભી કરી છે.
આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક યોગેશ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્યારે સ્વચ્છતા પ્રત્યે વધુ ભાર આપી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પણ ગ્રામ્યસ્તર સુધી સ્વચ્છતા જળવાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને લાભ મળે તે માટે પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં સ્વચ્છતા માટેની ફાળવવામાં આવેલી ગ્રાંટનો 100 ટકા ઉપયોગ થાય અને સ્વચ્છતા કેળવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસો હવે રંગ લાવી રહ્યાં છે અને હવે જિલ્લાના ગામો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બની અને પોતાની સાથે આસપાસના વાતાવરણમાં પણ સ્વચ્છતા કેળવાય તે માટે જાગૃત બન્યાં છે. આજે જિલ્લા સંકલન સમિતીની યોજાયેલી બેઠકમાં બોરવાવ અને વડનગર ગામના મહિલા સરપંચોને બોલાવીને ‘સરપંચની કહાની તેમની જુબાની’ના ન્યાયે તેમના દ્વારા કરાયેલા પ્રયત્નોની ગાથા રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલા મૂછાર મહિલા છે, તેવામાં સ્વચ્છતા માટે સન્માનિત થનાર બન્ને ગામના સરપંચ પણ અનાયાસે મહિલા હોવાનો સુભગ સમન્વય આજે કેળવાયો હતો. તે રીતે એકરીતે મહિલાઓ પણ હવે નેતૃત્વ લેવા લાગી છે. તેમજ તે ફરી એકવાર સાબિત થયું છે.
તાજેતરના ઓપરેશન સિંદૂર દરમિયાન કર્નલ સોફિયા કૂરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જે રીતે લીડ લીધી હતી. તે રીતે ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં મહિલાઓ સ્વચ્છતાની પ્રહરી બનીને ગામને સ્વચ્છ બનાવવા માટે કટિબદ્ધ બની છે.
અહેવાલ : અતુલ કોટેચા