ગીર સોમનાથ: ખનીજ માફિયા પર તુટી પડનાર પોલીસ અધિકારીનું મોરલ તોડી પડાયું

ગેરકાયદે ધમધમતી ખાણોની તપાસ પાટનગર પહોંચે તે પૂર્વે ઈન્ચાર્જ એસ.પી. હટાવી દીધા: કોંગીના બે ધારાસભ્યોના પત્રકાર પરિષદમાં સરકાર પર ચાબખા

ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પૂર્વે ઈન્ચાર્જ એસપીએ ખનીજ ચોરો પર બોલાવેલ તવાઈ બાદ જિલ્લા પોલીસ વડાનો ચાર્જ લઈ લેવાના સરકારના હુકમનો મામલો ગરમાયો છે.

વડામથક વેરાવળમાં કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને મોહનભાઈ વાળાએ પત્રકાર પરિષદ યોજી રાજય સરકારની રિતી નીતિ પર સવાલો ઉઠાવી આક્ષેપોની વણઝાર કરતા જણાવેલ કે, સમગ્ર જિલ્લામાં વહીવટી અને પોલીસ તંત્રની મિલીભગતથી રાત્રીનાં અંધારામાં બેફામ ખનીજ ચોરી, દેશી વિદેશી દારૂની હેરાફેર અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ધમધમે છે જિલ્લામાં મિલીભગતથી વ્યાપકપણે જે રીતે ખનીજ ચોરી પ્રવૃત્તિ ધમધમે છે જેનો ઈન્ચાર્જ એસપીએ જે રીતે પર્દાફાશ કર્યો છે તેનો કોડીનારથી લઈ ગાંધીનગર સુધી રેલો આવે એટલા માટે પોલીસ વડાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે જે આઘાતજનક દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે, આ સરકારમાં આવા અધિકારીઓ જયારે સારૂ કામ કરતા હોય તેને ડીમોલાઈઝ કરવા સરકાર આપ કારનાં નિર્ણય કરે ત્યારે નિષ્ઠાથી ફરજ બજાવવા માંગતા તેવા કોઈ અધિકારીઓ ભવિષ્યમાં પ્રમાણીકતાથી ફરજ બજાવશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.