બોયફ્રેન્ડ સાથે માથાકૂટ થતા બે યુવાનોને ફસાવવા ગર્લફ્રેન્ડે કર્યું દુષ્કર્મનું નાટક

પોલીસ દોડતી થઈ: નિવેદનમાં યુવતીએ સમગ્ર ઘટના પરથી પરદો ઊંચક્યો

રાજકોટના અવધ રોડ પર એક એપાર્ટમેન્ટમાં યુવતી પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાની જાણ થતાં લોધીકા અને યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડતો થયો હતો. પોલીસે તપાસ કરી યુવતીનું નિવેદન લીધું હતું. જેમાં ભોગ બનનાર યુવતીએ જે સ્થળ બતાવ્યું તેવી કોઈ જગ્યા ન મળી આવતા પોલીસે ઉલ્ટી તપાસ કરતા યુવતીએ બંને યુવાનોને ફસાવવા માટે નાટક રચ્યું હોવાનુ જણાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધિકાની એક યુવતી સિવિલ હોસ્પિટલમાં જનાના વોર્ડમાં દાખલ થઈ હતી. તબીબોએ તેને તપાસતા યુવતી પર બે શખ્સોએ બળજબરી કરી હોવાનુ જણાવતા ડોક્ટરોએ રિટરોગેટ એમ.એલ.સી. કરાવ્યું હતું. ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ યુવતીનું નિવેદન લેવાની તજવીજ હાથધરી હતી.

જેમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે રમેશ ડાભી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે તેના પર અવધ રોડ પર આવેલા ફર્સ્ટ ડેટ કાફે પાસે આવેલા એપાર્ટમેન્ટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનુ જણાવતા લોધીકા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.

પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા યુવતીએ જણાવ્યા મુજબની કોઈ જગ્યા ન મળી આવતા પોલીસને શંકા થતા યુવતીની ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ યુવતીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે પોતાના બોયફ્રેન્ડ રાહુલ ચૌહાણ સાથે રમેશ ડાભીને માથાકૂટ થઇ હોય જેથી બંને શખ્સોને ફસાવવા માટે દુષ્કર્મની તરકટ રચ્યું હોવાનુ જણાવ્યું હતું.