યુવતીના પિતાએ સગાઈની ના પાડતા ઘર છોડી પ્રેમીપંખીડાએ કુવામાં પડતુ મુકી આપઘાત કર્યો

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

પ્રેમની વેદી પર વધુ એક યુગલે બલિદાન આપી દીધું છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પ્રેમના તાંતણે બંધાયેલા પ્રેમી યુગલની પરિવારે સગાઇ કરી દેવાની ઘસીને ના પાડી દેતા આ ભવમાં મેળાપ નહી થાય તેમ માની ઘર છોડી જીલાપુર ગામે આવેલ કુવામાં પડતુ મુકી મોત મીઠું કરી લીધું હતું.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જીલાપુર ગામે નદીના કાંઠે આવેલ કુવામાંથી ગઇકાલે યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસની તપાસમાં મૃતક યુવાન અને યુવતી રાજુલાના વિકટર ગામના કૈલાશબેન મકવાણા (ઉ.વ.૧૮) અને અનિલ ગુજરીયા (ઉ.વ.૧૮) હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક યુગલના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની પૂછપરછમાં યુવક અને યુવતી બંને એક જ ગામના હોય આંખ મળી જતા પ્રેમના તાંતણે બંધાયા હતા અને લગ્ન કરવાના સ્વપ્ના જોવા લાગ્યા હતા.પરંતુ યુવતીના પિતાએ સગાઇ કરવાની ઘસીને ના પાડી દેતા આ ભવમાં આપણો મેળ નહીં પડે તેમ વિચારી યુગલ ગઇકાલે ઘર છોડી નીકળી ગયા હતા અને આવતા ભવમાં મળવાનું

વચન આપી બંને સજોડે કુવામાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો.