જૂનાગઢના ખેડૂતો શ્રીયા ફાર્મના માધ્યમથી રાજકોટમાં કેરીની હોમ ડિલીવરી કરશે

હવે ધીમે-ધીમે કેરીની શરૂઆત થવા લાગી છે પરંતુ કેરી ખાવામાં લોકડાઉન અડચણરૂપ બનતું હોય ત્યારે જુનાગઢના ખેડુતોએ રાજકોટના કેરી રસિકો માટે કેરીની હોમ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની ઘેર બેઠા ડિલીવરી સરકારી ગાઈડલાઈન્સ મુજબ જ કરવામાં આવશે.

ફળોનો રાજા એટલે કેરી અને ફળરૂપી રાજાઓમાં પણ રાજા એટલે મીઠી મધુરી કેસર કેરી. સ્વાદ અને સોડમમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી હવે રાજકોટનાં આંગણે આવતા અઠવાડિયાથી આવશે. કોરોના વાયરસનાં ભય વચ્ચે કેસર પ્રેમીઓ માટે એક ખુશ ખબર છે. લોકડાઉનની સ્થિતિમાં ઘણા લોકોની ફરિયાદ હતી કે દર વર્ષની જેમ અમને પણ આ વર્ષે કેસર કેરી ખાવાની તક નહીં મળે તો ? પરંતુ કેસર પ્રેમીઓ માટે હવે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે તેઓ ઘર બેઠા જ કેસર કેરીનો સ્વાદ માણી શકશે.

કોરોના વાઈરસના કારણે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ઓછું ટ્રાન્સપોર્ટેશન થશે પરંતુ જૂનાગઢના ખેડુતો ૧૫મી મે આસપાસથી રાજકોટ જિલ્લામાં પોતાના ગ્રાહકો સુધી કેસર કેરીની હોમ ડિલિવરી માટે રાજકોટના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક શ્રીયા ફાર્મ પ્રોડયુસર્સ માર્કેટીંગ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા કરશે. જે બાદ હવે કેસર કેરીને સરકારી ગાઈડલાઈન્સ મુજબ સીધા તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. શ્રીયા ફાર્મ પ્રોડયુસર્સ માર્કેટીંગ કો-ઓપરેટીવ સોસાયટી તેના કોલ સેન્ટર અને વોટસઅપ ગ્રુપ દ્વારા કેસર કેરીનાં એરિયાવાઈઝ, સોસાયટી વાઈઝ ઓર્ડર લેશે. સોશિયલ મીડિયા દ્વારા પણ વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં આવશે.

કાયમી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા રોજગારીનું સર્જન પણ થશે અને ડિલિવરીમાં પણ સરળતા રહેશે. ભવિષ્યમાં ફળો અને શાકભાજી જેવા અન્ય ઉત્પાદનો આપ ઓનલાઈન ઓર્ડર આપી ફાર્મ ટુ હોમનાં કોન્સેપ્ટ દ્વારા ઘેર બેઠા મેળવી શકશો. કેરી ખાવા ઈચ્છુક કોઈપણ એરિયાવાઈઝ અને સોસાયટી વાઈઝ આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં સહભાગી થવા સંપર્ક સાધી શકે છે. વ્યકિતગત, સોસાયટીવાઈઝ કે ગ્રુપવાઈઝ સામુહિક રીતે આ નેટવર્કમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની તેમજ રાજય સરકારની કોરોના વાયરસની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. માસ્ક, ગ્લોવ્ઝ પહેરીન, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને કાર્બાઈડ વગરની, દવા વગરની, નેચરલ અને ફ્રેશ કેસર કેરીની વેલ ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે ૨૦ હજાર હેકટરમાં કેરી પાકે છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આંબાના પાકનો વાવેતર વિસ્તાર ૪૮ હજાર હેકટર છે. દર વર્ષે આ જિલ્લાઓનું એવરેજ પ્રોડકશન અંદાજે બે લાખ ટન જેટલું હોય છે. તાલાલા માર્કેટીંગ યાર્ડ કેસર કેરી માટે સૌથી મોટું વેપાર કેન્દ્ર છે ત્યાં કેરી આવવાનું શરૂ પણ થઈ ગયું છે ત્યારે શ્રેયા ફાર્મએ શ્રેષ્ઠ નેચરલ અને ફ્રેશ કેસર કેરી સીધા ફાર્મથી જે-તેના ઘરે પહોંચે એવું આયોજન કર્યું છે. પ્રી-બુકિંગ માટે કોલ સેન્ટર નંબર, વોટસએપ નંબર ૭૬૦૦૬ ૫૬૫૬૫ અને ૭૦૪૩૪ ૦૪૦૪૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.