Abtak Media Google News

એશિયાટિક સિંહો અને અભ્યારણની રક્ષા એ રાજ્ય સરકારની જવાબદારી : હાઇકોર્ટ

એશિયાટિક સિંહો માટે વિશ્વવિખ્યાત ગીર અભ્યારણની ૧૫૦ હેક્ટર જેટલી જમીન રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટ માટે ફાળવવાના વિરોધ સાથે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટોમાં હાઇકોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયા અને જસ્ટિસ એ.પી. ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકારને એવી ટકોર કરી હતી કે,‘એશિયાટિક સિંહ અને અભ્યારણના અન્ય પ્રાણીઓની રક્ષા એ રાજ્ય સરકારની જવાબદારી છે.

આ મુદ્દે તેમનો સ્પષ્ટ અભિપ્રાય અને સ્ટેન્ડ હોવો જોઇએ.’ આ કેસમાં હાઇકોર્ટે રેલવે વિભાગને આદેશ કર્યો છે કે તેઓ સોગંદનામું કરીને જણાવે કે ગીરમાં રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટના લીધે સિંહો ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓ ઉપરાંત અભ્યારણ કઇ રીતે પ્રભાવિત થશે. આ કેસની વધુ સુનાવણી ૧૨મી ઓક્ટોબરના રોજ મુકરર કરાઇ છે.

પ્રસ્તુત કેસની સુનાવણીમાં રાજ્ય સરકારની દલીલ હતી કે,‘૧૯૧૨થી આ વિસ્તારમાં રેલવે લાઇન છે અને અત્યારે માત્ર એને બ્રોડ કરવાનો જ પ્રસ્તાવ છે. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ આ મુદ્દે પુનર્વિચાર કરી રહી છે.’ હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે,‘પરંતુ રાજ્ય સરકારનો સ્પષ્ટ મત શું છે? જો રેલવે અને સરકારનો મત અલગ-અલગ હોય તો શું કરશો? આવી જાહેરહિતની અરજીઓમાં તો સરકારનો ચોક્કસ સ્ટેન્ડ જ હોવો જોઇએ.’હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘એશિયાટિક સિંહ એ માત્ર ગુજરાતના સિંહોની એક પ્રજાતિ જ નથી, પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ છે. તેમના રક્ષણ માટે સરકારે યોગ્ય પગલા લેવા પડે. માત્ર સરકાર જ નહીં સંલગ્ન તમામ ઓથોરિટીની આ જવાબદારી છે.’

આ કેસમાં એશિયાટિક સિંહો માટે વિખ્યાત ગીર અભ્યારણની ૧૫૦ હેક્ટર જેટલી જમીન રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટ માટે ફાળવવાના વિરોધ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. એટલું જ નહીં, ગીર અભયારણ્યની ૦.૩ હેક્ટર જેટલી જમીનને ગેસ, ઓઇલ કે ઓપ્ટિકલ ફાઇબરની પાઇપલાઇન પાથરવા માટે પણ ન આપવાની દાદ રિટમાં માગવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘તાજેતરમાં અખબારોમાં આવેલા એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે ગીર અભયારણ્યની ૧૫૦ હેક્ટર જમીન સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ દ્વારા રેલવેને બ્રોડગેજ પ્રોજેક્ટ તથા ટ્રક ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટસ માટે આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત અભયારણ્યની જમીનને ગેર, ઓઇલ અને ઓપ્ટિકલ ફાઇબરની લાઇન્સ માટે આપવાની મંજૂરી પણ બોર્ડે એક બેઠકમાં આવી દીધી છે. જે રેલવે લાઇન માટે જમીન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે એ તલાલા નજીકથી પસાર થાય એમ છે અને ત્યાં સિંહોની સૌથી વધુ વસતી હોય છે. રાજ્ય સરકાર ખેડૂતોને રાજી રાખ‌ા માટે આ પ્રકારનો નિર્ણય લઇ રહી હોવાનું પણ જાણવામાં આવ્યું છે.

અગાઉ પણ બ્રોડગેજ લાઇનનો વિરોધ ખુદ બોર્ડના એક સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ૫૦ કિમી પ્રતિ કલાક અથવા તેનાથી વધુ રફ્તારથી ટ્રેનો અહીંથી પસાર થતાં સિંહો તેની અડફેટે આવે છે અને વર્ષ ૨૦૧૮ ડિસેમ્બરમાં પીપાવાવ પોર્ટ ખાતે આવી એક ગોઝારી હોનારત બનવા પામી હતી. તેથી રેલવેને બ્રોડ ગેજ પ્રોજેક્ટ માટે ગીર ખાતે જમીનની ફાળવણી કરવી જોઇએ નહીં.

એટલું જ નહીં ગેસ, ઓઇલ વગેરેની પાઇપ લાઇન પાથરવાનો સરકારનો નિર્ણય પણ સિંહો અને અન્ય વન્ય જીવોની સુખાકારી અને હિત માટે રદ કરવો જોઇએ. રેલવે લાઇનથી હજારો નાગરિકોને લાભ થઇ શકે છે, પરંતુ એના લીધે એશિયાના સાવજોના જીવ જોખમમાં મૂકાવવા જોઇએ નહીં. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટેના કાર્યક્રમો કરે છે અને બીજી તરફ તેમના નિર્ણયો સિંહોના જીવને જોખમમાં મૂકે એવા છે. જેથી આવા નિર્ણયોને રદ કરવા જોઇએ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.