Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા અને આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્રારા આજે લેઉવા પટેલ સમાજની વાડી તાલાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અને જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમા કાન્તાબેન ચુડાસમા, મુક્તાબેન મહેરા, દક્ષાબેન રાઠોડ અને જીતુબેન બારૈયાને મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અર્પણ કરાયા હતા. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે મહિલાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મહિલાઓએ મોટાભાગના ક્ષેત્રમાં તેમનું યોગદાન આપી તેમની આગવી ઓળખ ઉભી કરી છે. અવકાશ સફળ થી લઈ મહિલાઓ સૈન્યમાં પણ જોડાઈ દેશ સેવામાં ફરજ બજાવી રહી છે.મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવાની જરૂરીયાત છે તેમ કહી મહિલાઓ સમાજમાં પણ ખુબ સારી રીતે જીવી રહી છે એમ જણાવ્યું હતું. દિકરી વ્હાલનો દરિયો છે. દિકરીઓ અભ્યાસ કરી વ્યવસાય, નોકરી અને સમાજમાં તેમના પગ પર ઉભવા માટે મજબુત બની છે. 

અગ્રણીશ્રી ડાયાભાઈ જાલોંધરાએ કહ્યું કે, મહિલાઓમાં જાગૃતિ આવવાની સાથે સમાજની દિકરીઓએ ઉચ્ચઅભ્યાસ તરફ તેમનું ઘ્યાન કેન્દ્રીત કર્યું છે. મહિલાઓ માટે સરકાર ખુબજ સંવેદનશીલ હોવાની સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે.

પીપળવા ગામની ધોરણ-૯ની વિધાર્થીની સંસ્કૃતી સોલંકીએ સમાજમાં દિકરીના મહત્વ અને સ્ત્રીભૂણ હત્યા અટકાવવા, નીલાબેન આંબેચડાએ સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી, જિલ્લા કોડીનેટર-એન.ટી.પી.સી. દિપ્તીબેન વ્યાસે તંબાકુ નિયંત્રણ અંગે અને પબ્લીક હેલ્થ ઓફીસર ડો.મહેશ પઢીયારે પીસી પીએનડીટી એક્ટ અને સરકારે આજથી અમલમાં મુકેલી વહાલી દિકરી યોજનાની માહિતી આપી હતી.મેડિકલ ઓફિસર ડો.મીતલ બાંભણીયાએ ગીત અને એફ.એચ.ડબલ્યુની બહેનોએ નાટક રજુ કર્યું હતું.

આ પ્રસંગે તાલાળા નગરપાલિકાના પ્રમુખશ્રી ઉષાબેન લક્કડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સગારકા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી, ડો.ભાવીક કુંભાણી,સી.ડી.પી.ઓ.ભાવનાબેન ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં બહેનો સહભાગી થઈ હતી. કાર્યક્રમનું સંચાલન દમયંતીબેન વ્યાસે અને આભારવિધી ડો.પઢિયારે કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે તા.૨ જી ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી તેમના જન્મદિવસે દિકરીઓ માટે વધુ એક યોજના અમલમા મુકી છે. જે વહાલી દિકરી યોજના અમલમાં મુકી તા. ૨ ઓગસ્ટ ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલી દિકરીઓને આ યોજનાનો ભાગ મળવાપાત્ર થશે. દિકરી જ્યારે ધો.૧ માં પ્રવેશે ત્યારે તેમના રૂા.૪ હજાર, ધો.૯ માં પ્રવેશે ત્યારે રૂા.૬ હજાર અને છેલ્લે ૧૮ વર્ષની દિકરીની ઉંમર થાય ત્યારે શિક્ષણ/લગ્ન માટે સરકારશ્રી દ્રારા તેમના બેન્ક ખાતામાં સીધા રૂા.૧ લાખની આર્થિક સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ આંગણવાડી કેન્દ્ર તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દ્રારા આપવામાં આવશે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.