Abtak Media Google News

વિશ્વનુ સૌથી ઊંચા કદનું ઉડતું ભારતીય પક્ષી ‘સારસ’ !!

દુનિયામાં વિવિધ કલરફૂલ પક્ષીઓ છે જેમાં કેટલાક નાના તો કેટલાક મોટા હોય છે. ચિત્ર-વિચિત્ર પંખીઓ પણ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની તથા પર્યાવરણના પ્રદૂષણને કારણે ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે તો કેટલીક લુપ્ત થવાના આરે ઉભી છે. પવર્તમાન સમયમાં છૂટાછેડા અને લગ્ન વિરછેદ વધી રહ્યા છે તેવામાં સારસ પક્ષીનું દામ્પત્ય જીવન શ્રેષ્ઠ ગણી શકાય. કુદરતની કરામતી દુનિયામાં સારસ પક્ષી માણસ જેટલી એટલે કે છ ફૂટ હાઇટ ધરાવતું હોવાથી તે વિશ્ર્વનું સૌથી ઊંચા કદનું ઉડતું ભારતીય પક્ષી છે. પક્ષીની દુનિયામાં આદર્શ દંપતી એટલે સારસ બેલડી, આપણે ઘણીવાર પરફેક્ટ સુંદર જોડીને ‘સારસ’ જેવી જોડીની ઉપમા આપીએ છીએ. મેઇડ ફોર ઇચ અધરના જીવન મંત્ર સાથે જીવતા સારસ જોડી ઉપરાંત ‘મકાઉ’ નામના પોપટ પણ જીવનભર એક જ સાથીની પસંદગી કરે છે. લોકવાયકા મુજબ આ જોડી ખંડિત થાય તો બીજુ જીવીત પક્ષી ઝૂરી-ઝૂરીને મૃત્યું પામે છે.

સારસ આપણાં દેશમાં લગભગ બધે જોવા મળે છે પણ હવે તેની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર, આસામ અને જમ્મુના વિસ્તારોમાં વિશેષ જોવા મળે છે. સારસ જમીન ઉપર રહેનારૂ પક્ષી છે. આપણો દેશ ઉપખંડ એટલો મોટો છે કે અહીં અનેક પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય રીતે સારસ 6 ફૂટની ઊંચાઇ ધરાવતું હોય છે. તેની ઊંચાઇ 152 થી 156 સેન્ટિમીટર હોય છે જે એક માણસની ઊંચાઇ ગણી શકાય છે. તે પોતાનો માળો જમીન ઉપર બાંધે છે, જેમાં તણખલાનો ઉપયોગ કરે છે. ડાંગરના પાક વચ્ચે ઉભુ રહેતું સારસનું અડધુ શરીર બહાર દેખાતું હોય છે.

સારસની ચાલવાની ચાલ જોવા જેવી હોય છે. રાખોડી રંગનું શરીર, લાંબી ડોક અને લાલ રંગનું માથું હોય છે. તેનું ટાલકુ સફેદ કલરનું હોય છે. ખૂબ જ પાતળા લાંબા ગુલાબી ઝાંયવાળા પગ હોય છે. માથામાં લાલ રંગ નીચે સફેદ રંગ પણ જોવા મળે છે, જે આગળ જતાં આખા શરીરમાં રાખોડી થઇને પ્રસરી જાય છે. ઘણા પક્ષીઓની જેમ સારસ પણ માનવજાતી સાથે હળી-મળીને રહેતું પક્ષી છે. તેનું વજન વધારે હોવાથી અન્ય પંખીની જેમ ઉડવાનું બહુ ફાવતું નથી. એક નવાઇ વાત છે કે તેને ઉડતા પહેલા વિમાન જેમ રનવેમાં દોડ તેમ દોડીને પછી ઠેકડો મારી હવામાં ટેઇક ઓફ થાય છે.

આપણાં દેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર, આસામ અને જમ્મુ વિસ્તારમાં સારસ જોવા મળે છે: સારસ સંપૂર્ણપણે જમીન ઉપર રહેનારૂ પક્ષી છે

 

આસપાસ જોખમ લાગે તો જ તે ઉડે છે. નર કરતા સારસ માદા થોડી નીચી હોય છે. જો આપણે એકલા જોઇ તો ફરક ન લાગે પણ જોડીને જોવો ત્યારે આ ફરક માલૂમ પડે છે. ખેતર, નદી કે ખૂલ્લા વાતાવરણમાં તેનો વસવાટ વધુ જોવા મળે છે. તેના ખોરાક ખેતરના દાણા અને કુણી વનસ્પતિ હોય છે. ખેતરમાં તીડના ટોળા ઉમટી પડે ત્યારે સારસ તેનો ખોરાક આરોગે છે. સરોવરનાં દેડકા કે કાચબાના ઇંડા પણ સારસ આરોગતા હોય છે.

સારસ મુખ્યત્વે શાંત પક્ષી છે, ખોટી દોડધામ કે અવાજ કરતું નથી. સંવનનની ઋતુ અને શિકારીથી બચવા સાથીને સાવચેત રહેવા મોટેથી અવાજ કાઢતા જોવા મળે છે. તેનું સાયન્ટિફિક નામે ‘ગ્રુસ એન્ટિગોને’ છે. તેનો વિકાસ 6 ફૂટ સુધી થઇ શકે છે. માદા જાતિને આકર્ષવા નર નૃત્યું કરે છે. તેનું એવરેજ આયુષ્ય લગભગ 95 વર્ષ જેટલું હોય છે. 30 ટકાથી ઓછી જોડીઓ એવી જોવા મળી છે કે જે એક સાથે બે બચ્ચાને ઉછેરે છે. તેની લુપ્ત થતી પ્રજાતિના કારણોમાં વાતાવરણ બદલવાના કારણે વસ્તી ઓછી થઇ રહી છે, જેમાં જંતુનાશક દવાઓના પાક ઉપર છંટકાવ ઉપદ્રવની ઘટતી ક્ષમતા, તેના એરીના વાતાવરણના ફેરફાર થવાથી તેની મૂળ આદતો છૂટતી જવાને કારણે જીવન ટકાવવા તેની આદતો ફરતી જાય છે.

એક અચર જ પ્રમાણે તેવી સારસની વાતમાં જો કોઇ જોડી ખંડિત થાય પછી બીજી માદા નર સાથે જોડાઇને તેના બચ્ચાનો ઉછેર કરવા લાગે છે. માનવ જીવનનાં નવી-જૂનીનો ક્ધસેપ્ટ અહિં પણ જોવા મળે છે. ખાસ અત્યારનું ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ બદલાતા સારસની આદતો ઘણી બદલાય છે. જેમાં એક જોડી કોઇ ત્રીજાને બોલાવીને તેના દ્વારા બચ્ચા ઉછેર કરાય છે. આની પસંદગીમાં પણ તે ખૂબ જ યુવા સારસની પસંદગી કરે છે. ત્રીજુ આવેલ સારસ ફક્ત બચ્ચા ઉછેરવા આવે છે અને સંવનન કાળના સમય પહેલા તે જંતુ રહે છે. બદલાતા પર્યાવરણે તેની ચાલ પણ બદલતી જોવા મળી રહી છે તેમજ બચ્ચાને દત્તક લેવાની રીત-રસમ પણ ફરતી જોવા મળી રહી છે. તે યુ.પી., નેપાળ અને રાજસ્થાનમાં ઓછા જોવા મળે છે.

સારસના મૂળ સ્વભાવમાં અને લાંબુ જીવતી આ પક્ષીની જાતિમાં પહેલા જેવું ન હોવાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં અગાઉના ગુણો જોવા મળી રહ્યા છે. આને કારણે પણ તેની વસ્તી ઘટવા લાગી છે. 40 થી 50 લાખ વર્ષ પહેલા ગીત ગાતા પક્ષીઓની વિશાળ પ્રજાતિઓ હતી જે કાળક્રમે લુપ્ત થઇ ગઇ હતી. પક્ષી વિદ્ોને આ સારસ પંખીની પણ ચિંતા થવા લાગી છે. અનેક પતિ પ્રજાવાળું આ પક્ષી ખાસ કિસ્સામાં બે માદા અને એક નર એમ ત્રણની જોડીમાં જોવા મળે છે. 1999માં યુ.પી.ના અટવા ગામે પ્રથમવાર એક માદા અને બે નર જોવા મળ્યા હતા. આવા ત્રણના કિસ્સા પ્રથમવાર જોવા મળ્યા હતા.

પક્ષીની દુનિયાનું આદર્શ દંપતી એટલે સારસ બેલડી: આ પક્ષીની ‘મેઇડ ફોર ઇચ અધર’ની જીવનશૈલી માટે વિખ્યાત છે: તેની જોડી તૂટે તો બીજું તેના ગમમાં ઝૂરીને મૃત્યુ પામે છે

માનવીની વિકાસ દોડમાં વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ સાથે પક્ષી સૃષ્ટિ પણ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે સારસની વસ્તી પણ ઘટી રહી છે. વસ્તી નજીક તેના માળા આવી જતા ઇંડા અને બચ્ચાને કૂતરા જેવા પ્રાણી શિકાર કરી જાય છે. શિયાળામાં તેને ખોરાક સહેલાયથી મળી જતો હોવાથી આ ઋતુંમાં સારસ જોવાનો શ્રેષ્ઠ સમય છે. માદા જૂનથી ઓક્ટોબર સુધીમાં જમીન ઉપર બનાવેલ માળામાં એકથી ત્રણ ઇંડા મુકે છે, જે ફિક્કા લીલા કે ગુલાબી સફેદ રંગના હોય છે. આ કલર જમીન સાથે સહેલાઇથી ભળી જતા હોય છે. ઇંડા કોઇ ખાઇ ન જાય એટલે કુદરતે આ કલરની જાદુગરી કરી છે. નર સારસ સંત્રી તરીકે ઇંડાની ચોકીદારી કરે છે. ઇંડામાંથી બચ્ચા નિકળે કે તરત જ દોડવાની ક્ષમતા ધરાવતા હોય છે. નાના બચ્ચાથી જો આપણે પાળીએ તો આપણી સાથે હળી-મળી જાય છે. અજાણી વ્યક્તિ કે શિકારીને લાંબી ડોક કરીને તીક્ષ્ણ ચાંચ મારે કે પાંખો ફફડાવી ડરાવી મુકે છે. પ્રજનન ઋતુમાં સાથીને બોલાવવા કર્ણપ્રીય અવાજ કાઢે છે અને સારસ નરનું મોહક નૃત્ય માત્ર આ ઋતું દરમ્યાન જ જોવા મળે છે. ઠેકડા મારીને કરાતા પ્રેમનૃત્ય એક મિનિટ સુધી ચાલે છે. માદા જ્યારે નાચવા લાગે ત્યારે બન્નેની સંમતિ છે તેમ માનીને જોડી બનતી હોય છે.

આપણાં રાષ્ટ્રીય પક્ષી તરીકે કદાચ ‘સારસ’ની પસંદગી પણ થઇ હોત !!

આપણાં દેશના રાષ્ટ્રીય પક્ષી નક્કી કરવા કુલ પાંચ પક્ષીઓમાં ઘોરાડ, બ્રાહ્મણી, સમડી, રાજહંસ અને સારસની પસંદગી કરાય હતી. પરંતુ પક્ષીના અવાજો, કદ, રંગરૂપ વિગેરે જોતા છેલ્લે નવરંગી મોર ઉપર કળશ ઢોળાયો હતો. દરેક પક્ષીની વિશિષ્ટતા સાથે તેના કર્ણપ્રીય અવાજો પણ ધ્યાને લેવાયા હતા. જેમાં સમડીનું ગળુ બેસી ગયું હોય તેવો કર્કશ અવાજ નડ્યો તો ઘોરાડ પક્ષી ભારતના નાગરિકોને ભાગ્યેજ જોવા મળતું હોવાથી તેને અયોગ્ય ઠેરવ્યું હતું. ત્રીજું પક્ષી રાજહંસ વિદેશી પંખી હતું અને શિયાળો ગાળવા જ આપણા દેશમાં વસવાટ કરતું હોવાથી તે રાષ્ટ્રીય પક્ષી ના બની શકે એવા નિર્ણય બાદ ‘સારસ’ પક્ષી બીજા કેટલાક દેશોની રાજમુદ્રામાં સ્થાન પામેલ હોવાથી તેની વરણી ન કરાય આમ બાકી રહેલા છેલ્લું પક્ષી મોર રંગરૂપે પ્રભાવશાળી હોવાથી અને ખૂબ જ લોકલાડીલો, મધુર કંઠવાળો અવાજ હોવાથી તેની રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી થઇ હતી. મોર દેશના બધા નાગરીકોએ જોયેલો અને ચોમાસમાં ‘મે….આવ’ જેવો મીઠો અવાજ કાઢતો હોવાથી પસંદગીના ગુણાંકમાં 100 માર્ક મેળવી ગયો હતો.

પક્ષીની પ્રજાતિનું અસ્તિત્વ માત્ર એક જ પ્રદેશ : ઓડિશા

ઓડિશા વિશ્વમાં એકમાત્ર સફેદ ગ્રેહેડ સ્વેમ્ફનનું ઘર છે. તે ચિલિકા સરોવરની ઉત્તરી કિનારે મંગલાજોડી વેટલેન્ડમાં જોવા મળે છે.આ દુર્લભ પક્ષી આનુવંશિક મંદનને કારણે લગભગ સફેદ પ્લમેજ ધરાવે છે. પરંતુ તેની રંગીન આંખો છે, જે સ્વેમ્ફન પ્રજાતિની સામાન્ય લાક્ષણિકતા છે. બીજી બાજુ, ગ્રે-હેડેડ સ્વેમ્ફેન અથવા જાંબલી સ્વેમ્ફેન (પોર્ફિરિયો પોલિઓસેફાલસ) સમગ્ર દેશમાં તળાવોની સરહદે આવેલા મોટા માર્શેસ અને રીડ બેડમાં જોવા મળે છે. આ હેન્સાઇઝ્ડ પક્ષી જાંબલી-વાદળી રંગનું છે, તેની પાસે એક મોટું લાલ બિલ, લાલ આગળનું કવચ અને સફેદ અન્ડરટેલ કવર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.