Abtak Media Google News

મેડમ સિતારામને જ્યારે એનડીએ-૨ નું પ્રથમ બજેટ રજુ કર્યુ ત્યાર પહેલા દેશના વેપારીઓ રામ નામની માળા જપતાં હતા, પણ જેવી બજેટની જોગવાઇઓ સમજાઇ કે તુરત જ શેર બજાર, કોર્પોરેટ જગત તથા ઓટો સેક્ટરનુ રામ બોલો ભાઇ. રામ થઇ ગયું હતું. આમેય તે દેશ આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યો હતો એમાં બજેટનાં આંકડા એ પડતાને પાટુ માર્યુ! જો કે કારોબાર ઠપ્પ થવા માંડ્યા શેરબજારમાં કાગડા ઉડવા માંડ્યા અને નાણા ફરતાં લગભગ બંધ થઇ ગયા એટલે ઓગસ્ટ મહિનામાં મેડમને ખ્યાલ આવી ગયો કે આપણે કરવા ગયાં કંસાર પણ થઇ ગઇ છૈ થુલી ..!આ સરકારનું એક જમા પાસું એ છે કે તે જનતાની નાડ તુરત પારખી લે છે અને યુધ્ધના ધોરણે તેના ઉપર પગલાં લઇ લે છે.શુક્રવારે રાહતનો પટારો ખોલીને દેશની ખોડંગાતી ઇકોનોમીને કાંખ ઘોડીના સહારે ફરી ચાલતી કરવા માટે સિતારામને જે જાહેરાતો કરી છે તે આ વાતનો બોલતો પુરાવો છે.

આમેય તે મંદી માટે સૌથી વધારે જવાબદાર માનસિકતા અને અસલામતીની ભાવના હોય છે. દેશનું અર્થતંત્ર માત્ર શેરબજાર પર જ ચાલે છે એવું નથી. પણ આપણા દેશમાં લોકોની માનસિકતા બદલવામાં શેરબજાર બહુ મોટી ભૂમિકા ભજવે છે.સરકારે કરેલી મુખ્ય સાત જાહેરાતોમાં શેરબજારને રાહત આપતી ત્રણ છે.જે ચાલુ બજારે ટેલિવિઝન પર પ્રસારિત કરવાની ટ્રીક સરકારે કરી છે.શુક્રવારે બે કલાકમાં ૨૦૦૦ પોઇન્ટનો ઉછાળો આ તર્કની સાબિતી છે. આ ઉપરાંત હોસ્પિટાલિટી સેક્ટરમાં ૧૦૦૦ રૂપિયા સુધીનાં હોટલ રૂમનાં ભાડાંને ટેક્ષમાંથી મુક્તિ અને ટુરિઝમ પર જી.એસ.ટી.નાં ઘટાડાને કારણે પણ નાણાની પ્રવાહિતા વધશૈ.

આ તબક્કે સૌથી મહત્વની વાત એ છે કે માત્ર ગરીબો અને ખેડૂતોની સરકાર હોવાનો પ્રચાર કરતી સરકારને સમજાઇ ગયું છે ઇકોનોમીનું ચક્ર ચાલતું રાખવામાં અને લિક્વીડીટી જાળવી રાખવામાં ઉચ્ચ મધ્યમવર્ગ, વેપારી તથા કોર્પોરેટસની હાજરી જરૂરી છે. દેશની ઇકોનોમી માત્ર રાષ્ટ્રવાદ કે સમાજવાદ પર ટકી શકે નહીં સાથે મુડીવાદ હોવો જરૂરી છે.આ વાત ચા વેચનારાઓ નાં પ્રધાનમંત્રીને હવે સમજાઇ ગઇ છૈ.

સરળ ભાષામાં કહીએ તો એક કર્મચારી દર વર્ષે એકવાર તો પગારમાં વધારો માગશે જ, જો આ વધારો મળશે તો જ તેને પોતાનો વિકાસ દેખાશે. હવે જો કંપનીનો નફો વધે તો જ કર્મચારીને પગાર વધારો મળે. કંપનીનો નફો વધવાનાં મુખ્ય કારણોમાં એક છે કે તેની પ્રોડક્ટ ઉંચા ભાવે વેચાય. કારણ કે પ્રોડક્ટશન કોસ્ટ ઘટાડવામાં મેનપાવર ઘટાવાનો વિકલ્પ પણ આવે છે જે રોજગારી ઘટાડે છે. કંપનીનો માલ મોંઘો ત્યારે જ વેચાય જ્યારે ગ્રાહક ઉંચા ભાવે ખરીદે.

હવે આ ઉંચો ભાવ પ્રમાણિક અને ગ્રાહક સહન કરી શકે તેટલા કંટોલનો હોય તો વિકાસ સૌને વહાલો લાગે. અહીં કહેવાનો મતલબ એ છે કે મર્યાદિત આંકડામાં વધતી મોંઘવારી અર્થતંત્રને વેગવંતુ રાખી શકે છે.આ આંકડો શું હોઇ શકે તેના ઉપર સરકારની બાજનજર હોવી જોઇએ.હાલનાં પેકેજના કારણે સરકારની નિજોરી ઉપર ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનો બોજ પડવાનો છે. હવે સરકારને ઘટતી આવક વચ્ચે દેશનાં ખર્ચ, દેશના કર્જ અને મંત્રીઓનાં બિલો પર કાપ મુકીને આવક તથા જાવકના ચોપડાં વચ્ચે પણ તાલમેલ જાળવવો પડશે.

યાદ રહે કે નિર્મલા સિતારામને જુલાઇ-૧૯નાં પ્રથમ સપ્તાહમાં પોતાના બજેટ વખતે જે જોગાઇ કરી હતી તેમાંથી ઘણીમાં સુધારા કર્યા છે. મતલબ કે તેમણે પોતેજ જાહેર કરેલા બજેટનું ફરી બજેટીંગ કર્યુ છે.

બીજી ભાષામાં કહીએ તો દેશના નાગરિકોએ એક વર્ષમાં ત્રણ બજેટ જોયા છે. અહીં ખાસ નોંધનીય છે કે શુક્રવારે નાણામંત્રીએ ઇકોનોમીને તાકાતના બાટલા ચડાવ્યા અને બીજા જ દિવસે મહારાષ્ટ્ર, હરયાણામાં વિધાનસભાની ચૂંટણીઓની તથા ગુજરાતમાં પેટા ચૂંટણીઓની તારીખ જાહેર કરીને ચૂટણી પંચે આચાર સંહિતા લગાવી દીધી. આ ત્રણેય રાજ્યો વેપારીઓ તથા કોર્પોરેટની વોટબેંક છે. મતલબ કે સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે પણ ગજબ નો તાલમેલ છે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.