Abtak Media Google News

સર્વેનું તારણ-અકસ્માતમાં મોટાભાગે માથામાં ઈજાથી જ મોત થાય છે: યુવાનો વધુ ભોગ બને છે

રાજ્ય સરકારે માર્ગ સલામતી માટે ચિંતા વ્યક્ત કરી છે અને આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતનો દર ૫૦ ટકા સુધી નીચે લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ, મોટાભાગના અકસ્માત-મૃત્યુ, માથાની ઈજાને કારણે થાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં જાગૃતતા આવતા ડ્રાઈવિંગ દરમિયાન સીટ-બેલ્ટનો ઉપયોગ થવાના કારણે અકસ્માતમાં ૬૦ ટકા સુધી મૃત્યુના જોખમને ઘટાડી શકાયો છે. ટ્રાફિક ઝડપમાં એક ટકાનો અને અકસ્માતની સંખ્યામાં બે ટકાનો ઘટાડો થયો છે. સરકારના દાવા મુજબ, જાન્યુઆરીથી એપ્રિલ-૨૦૧૭ સુધીમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યા ૧૪૨૨ સુધી ઘટી છે.

ગુજરાતમાં ગત ૨૦૧૪માં કુલ માર્ગ અકસ્માત-૨૩,૭૧૨ જેટલા થયા હતા. ૨૦૧૫માં ૨૩,૧૮૩ અને ૨૦૧૬માં ૨૧,૮૫૯ જેટલા થયા હતા, અર્થાત લોકોમાં સલામતિ અંગે વધેલી જાગૃતિના કાણે માર્ગ અકસ્માતના કેસમાં સત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ-૨૦૧૬ના ચાર મહિનામાં રાજ્યમાં કુલ ૭૬૯૮ માર્ગ અકસ્માત થયા હતા. જેમાં ૨૯૦૦ ગંભીર અકસ્માત હતા અને એમાં ૭૧૩૧ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. હવે, ચાર મહિના દરમિયાન ગુજરાતમાં કુલ ૬૨૭૬ જેટલા માર્ગ અકસ્માત થયા હતા.જેમાં ૨૩૪૨ અકસ્માત ગંભીર પ્રકારના હતા અને એમાં ૫૬૪૨ વ્યક્તિઓને ઈજા થઈ હતી. આમ, રાજ્યના પરિપ્રેક્ષ્યમાં જાન્યુઆરીથી એપ્રિલ-૨૦૧૬થી સુધીના ચાર મહિનાના ગાળામાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ૧૪૨૨નો ધરખમ ઘટાડો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે પ્રમાણે, દર વર્ષે વિશ્વમાં ૧૦ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. ચિંતાનો વિષય એ છે કે,માર્ગ અકસ્માતમાં યુવાનો જ સૌથી વધુ ભોગ બને છે. આ સર્વેમાં એવું પણ તારણ આવ્યું છે. માર્ગ અકસ્માતના કારણોમાં વાહનોની ગતિ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો બિન-ઉપયોગ, નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહનો ચલાવવા, નબળાં રસ્તા, રોડ-ઈન્ફ્રાસ્ટ્રકચરની અપૂરતી જાળવણી જવાબદરા મનાય છે. જો આટલી બાબતોમાં જાગૃતતા આવે તો અકસ્માતો અને તેમાં મૃત્યુના પ્રમાણને નાથી શકાય એમ છે.

એન્ફોર્સમેન્ટ ઓફ લો, એિન્જિનયરિંગ ઓફ રોડ, એજ્યુકેશન એન્ડ ઈમરજન્સી કેર જેવી ચાર બાબતો ઉપર માર્ગ સલામતીનો મુખ્ય આધાર છે એમ સર્વેનું તારણ અને સરકાર માને છે. જેમાં એન્ફોર્સમેન્ટ ઓફ લો હેઠળ પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ, એન્જિનિયરિંગ ઓફ રોડ હેઠળ માર્ગ મકાન વિભાગ, એજ્યુકેશન હેઠળ શિક્ષણ, પોલીસ, વાહનવ્યવહાર વિભાગ સહભાગી છે. જ્યારે ઈમરજન્સી કેરમાં આરોગ્ય વિભાગ મુખ્ય ભૂમિકા ભજવશે એમ જવાબદારી પણ વહેંચી દેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.