Abtak Media Google News

કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ એક માત્ર રસ્તો છે. તેથી સરકારે દેશના દરેક લોકોને રસી મળી શકે, તે માટે બધે રસીકરણ અભિયાનો શરૂ કર્યા છે. પરંતુ અમુક વિસ્તારોમાં લોકોને રસીને લઈ ઘણી બધી અંધશ્રદ્ધા જોવા મળી છે. જેના કારણે તેઓ રસીથી દૂર ભાગે છે. જેમાં કચ્છના વીંછીયામાંથી આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો રસી ન લેવાના ભ્રામક કારણો આપે છે.

રસીની માથાકૂટ મુકોને આ કામ કરો

એક વયોવૃદ્ધ દાદાએ જણાવ્યું કે, ‘કોરોનમાં મારી પત્નીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું, અને તેનું અવસાન થયું. ત્યારથી મેં નક્કી કર્યું છે કે, પીપળો, પીપર અને વડ ગામ આખામાં વાવવા. કારણ કે પીપળાના પાનમાં શ્રીકૃષ્ણ પોઢેલા છે. આ સાથે પીપળો ઓક્સિજન પણ આપે છે. ત્રણ વૃક્ષ દરેકના આંગણામાં હોવા જ જોઇએ. પીપળો, પીપર અને વડલોએ હોય એટલે કોઈને રસી લેવી ન પડે. આ ત્રણ જાડ બધી જ રક્ષા કરશે. આ ત્રણ જાડમાં દેવોનો વાસ છે. તમે આવી રસીની માથાકૂટ મુકો અને વડલો, પીપળો અને પીપર વાવો.’

માનતા રાખો એટલે કોઈ રોગ પાસે ન આવે

જયારે આવો બીજો એક કિસ્સો પણ સામે આવ્યો. જેમાં એક અલગ પ્રકારની માન્યતા જોવા મળે છે. અમારો કુદરત અમારી સાથે છે તો અમારે વેક્સીન લેવાની શું જરૂર? અમે આખા ગામે લાપસી કરીને માતાજીને ધરી દીધી છે. લાપસી કરી નાખીએ એટલે કુદરત અમને કશું ન થવા દે માટે અમારે કોરોનાની રસી લેવાની જરૂર નથી. જે લોકો માઁ ને ભૂખી રાખે એને જ રોગ ભરખે, નિવેદ કરો, માનતા રાખો અને માતાજીની આરતી, પૂજા પાઠ કરો એટલે કોઈ રોગ ક્યારેય ન આવે.

દીવો કરવાથી કોરોના ભાગે છે

કોરોના અમારા ગામમા આવે જ નહિ. અમારા આખા ગામમાં ઘરે ઘરે દિવા કરવામાં આવે છે. ઘરના આંગણે અને દરવાજા પાસે જ દીવો કરીએ છીએ એટલે કોરોના દરવાજેથી જ ભાગી જાય. જો કોરોના જ ન આવે તો આવી રસીની અમારે જરૂર નથી. અમારે લેવી પણ નથી અમારે સમય જ નથી. એ વળી શું રસી લેવી?

અમારું રખોપુ કરવા ભગવાન બેઠો છે

ગયા વખતે કોરોનાને ભગાડવા થાળી વગાડવાનું કહ્યું હતું તે સાચું જ છે. અમે રોજ સંધ્યા ટાણે ઝાલર વગાડીએ છીએ. ઘરે ઘરે એટલે કોરોના અમારા ગામમાં આવતો નથી. અમને ભગવાન પર શ્રદ્ધા છે, અમારા ગામનું રખોપુ કરવા ભગવાન બેઠો છે. શહેરમાં નાસ્તિકો છે માટે ત્યાં બધી આફતો આવે.

ભગવાન મોટો કે સરકાર ?

હવે કોઈ રસી લેવાની જરૂર જ નથી. વાવાજોડું આવ્યું હતું તે ભગવાને એટલે જ મોકલ્યું હતું કે, રોગની જીવાત બધી હવામાંથી જતી રે. વાવાજોડું અમારી પ્રાર્થનાથી આવ્યું હતું, જુઓ વાવાજોડા પછી કોઈને કોરોના થતો નથી. ભગવાન મોટો કે સરકાર ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.