- કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ગુજરાતના એક સહિત કુલ સાત લોકોના જીવ હણાયા
- પુણેમાં મોરબી ઝુલતા પુલ જેવી ઘટના: ઇન્દ્રાયની નદીનો પુલ ધરાશાયી થતાં ચાર લોકોનો પાણીમાં ગરકાવ
પ્રથમ ઘટના પર નજર કરવામાં આવે તો ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોની યાદી સામે આવી છે. જેમાં પાયલોટ કેપ્ટન રાજબીર સિંહ ચૌહાણ (39 વર્ષીય પાઈલટ, જયપુર), વિક્રમ રાવત (બીકેટીસી પ્રતિનિધિ, રાસી, ઉખીમઠ), વિનોદ દેવી (66 વર્ષ, ઉત્તર પ્રદેશ), તૃષ્ટિ સિંહ (19 વર્ષ, ઉત્તર પ્રદેશ), રાજકુમાર સુરેશ જયસ્વાલ (41 વર્ષ, ગુજરાત), શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ (મહારાષ્ટ્ર), કાશી (2 વર્ષ, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાઈલટ રાજવીર સિંહ ચૌહાણે 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી.
ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડો. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
જયારે બીજી દુર્ઘટના પુણેમાં સર્જાઈ છે. પુણે જિલ્લાના માવલ તાલુકામાં રવિવાર બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઈન્દ્રાયણી નદી પર બનેલો એક લોખંડનો પુલ અચાનક તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા, જ્યારે 5થી 6 લોકો ગુમ છે અને 41ને બચાવી લેવામાં આવ્યા હોય તેવા અહેવાલ છે. દુર્ઘટના સમયે પુલ પર 50-60 લોકો હતા. આ દુર્ઘટના કુંડમાલા વિસ્તારમાં બની, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો હતો. તેના કારણે નદીમાં પાણીનો વહેણ તેજ થઈ ગયું હતું. પુલ પાણીના ભારે પ્રવાહને કારણે નબળો થઈ ગયો અને તેનું માળખું તૂટી ગયું હતું.
ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના જવાન રાહત કાર્યમાં લાગ્યા હતા. રવિવાર હોવાના કારણે પુલની આસપાસ ઘણી ભીડ હતી. આ વિસ્તાર પિકનિક માટે લોકપ્રિય છે. પુણેમાં પુલ તૂટી પડવાની ઘટના પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્થાનિક અધિકારીઓને રાહત-બચાવ કાર્યને ઝડપથી હાથ ધરવા નિર્દેશ કર્યો છે. સીએમ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ ઘટના પર ઘેરું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે પીએમ મોદીને પણ પ્રભાવિત લોકોની સહાયતા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસો વિશે જાણકારી આપી હતી.
હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર પાયલોટ રાજવીરસિંહ 15 વર્ષથી સેનામાં સેવા આપતાં’તા
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જયપુરના રહેવાસી પાઈલટ રાજવીર સિંહ ચૌહાણ 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી. તેમણે ઓક્ટોબર 2024થી ’આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ’માં પાઈલટ તરીકે કામ કરી રહ્યા હતા. ભારતીય સેનામાં સેવા આપ્યા પછી તેમને વિવિધ ભૂપ્રદેશોમાં ઉડાન મિશન, હવાઈ સંચાલનનું નિરીક્ષણનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ ઉપરાંત તેમને વિવિધ પ્રકારના હેલિકોપ્ટર અને તેમના મેન્ટેનન્સમાં તાલીમ આપવામાં આવી હતી.