Abtak Media Google News

આગામી ૨૮મીએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ગોળકેરીની સ્ટારકાસ્ટે ‘અબતક’ની મુલાકાત લીધી: ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર, પ્રોડયુસર અને અભિનેત્રી માનસી પારેખ તેમજ ધુરંધર કલાકારો જોવા મળશે

ટૂંક સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ગોળકેરી ખાટા, મીઠા અને તિખા સ્વાદથી ભરપૂર હશે તેવું આજે ‘અબતક’ની મુલાકાતે આવેલી ફિલ્મની સ્ટારકાસ્ટે કહ્યું હતું. આજે મુલાકાત દરમિયાન ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર, પ્રોડયુશર માનસી પારેખ સહિતના કલાકારોએ ફિલ્મ અંગે વિશેષ વાતો વાગોળી હતી.

મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, હું લોકોનો આભાર માનુ છું, તેમના થકી હું મોટો થયો છું, હવે અગાઉની સરખામણીએ ગુજરાતી ફિલ્મો કથાબીજ ઉપર વધુ આધારીત હોય છે. દરેક વિષયો નવા જોવા મળે છે. જે ઉપરાંત મને હવે લોકોના ટેસ્ટની ખબર છે. ફિલ્મ ક્ષેત્રમાં યુવાનોનો પ્રવેશ ઈન્ડસ્ટ્રી માટે ખુબ સારો છે. અમે યંગ છીએ એટલે અમારા એજ ગ્રુપના લોકો આવે તેવું હું ઈચ્છુ છું, ફિલ્મો ચલાવવા યુવાનો સૌથી મોટુ પરીબળ છે.

તેમણે પોતાના સાહજીક એક્ટિંગ અંગે કહ્યું હતું કે, હું રેગ્યુલર લાઈફમાં જેવી રીતે વતર્ણુક કરૂ છું તેનાથી વિપરીત એક્ટિંગ કરું છું, હું સેટ પર ખાસ્સી મસ્તી કરૂ છું, હવે મારી જવાબદારી ખુબજ વધી ગઈ છે. હું ઘણી વખત ડાયલોગમાં ઈમ્પ્રુવલાઈઝ પણ સુચવું છું, જેનાથી ડાયલોગ લોકોને વધુ ચોટદાર લાગે છે.   તેમણે ઉમેર્યું હતું કે, હું ૯૯ ટકા ગુજરાતી છું, જો મને જ ડાયલોગ ન સમજાય તો લોકોને કેવી રીતે સમજાશે તેના પરથી હું ડાયલોગની સલાહ આપુ છું. આ ફિલ્મની પ્રોડયુશર અને અભિનેત્રી માનસી પારેખે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ભાષાના કન્ટેન્ટ માટે માર્કેટ ઉભી થઈ છે. ઈન્ટરનેટના કારણે હવે લોકો ઈન્ટરેસ્ટીંગ વિષયને વધુ પસંદ કરે છે.

ફિલ્મ ‘ગોળકેરી’ ફિલ્મની ઘોષણા બાદ ગુજરાતી સિનેઉદ્યોગ રોમાંચિત અને વિસ્મીત છે. આ ફિલ્મમાં સાહિલની ભૂમિકામાં મલ્હાર ઠાકર અને હર્ષિતા તરીકે માનસી પારેખ વચ્ચે રચાતો પ્રેમસંબંધ એક નાજૂક વળાંક પર તૂટી જાય છે. ત્યારે સાહિલના માતા-પિતાની ભૂમિકામાં વંદના પાઠક અને સચિન ખેડેકર તેમની અંતરંગ જિંદગીમાં પ્રવેશ કરે છે. આ ગુજરાતી ફિલ્મ તાજેતરના સમયને નિરૂપે છે. આજના જનરેશનની મુશ્કેલીઓ, તેમના વિચાર અને વલણને સુપેરે પ્રસ્તુત કરે છે. ફિલ્મનું સંગીત પણ આજના જમાનાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. દિગ્દર્શક વિરલ શાહ ફ્રેશ દ્રષ્ટિકોણ સાથે વાર્તાને નિરૂપે છે. તેઓ કહે છે, ‘આ મૂવી પ્રેક્ષકોને ફિલ-ગૂડ અનુભવ કરાવશે. હું ભાગ્યશાળી છું કે મને આવા તેજસ્વી કલાકારો સાથે કામ કરવાની તક મળી’ રસપ્રદ વાત એ છે કે તેમાંથી ત્રણ કલાકાર પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યાં છે.

માનસી અને પાર્થિવ ગોહિલે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. મને ખૂબ જ આનંદ છે કે સંબંધનો મહિમા દર્શાવતી આ ફિલ્મ પ્રસ્તુત થઈ રહી છે. પાર્થિવ ગોહિલ, જે પોતાની પહેલી ગુજરાતી મૂવી પ્રોડ્યુસ કરી રહ્યો છે તે તેના અનુભવો વિષે જણાવે છે, ‘હું હંમેશાથી એક મ્યુઝિશિયન અને મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે મારા લાઈવ શો કરવા માટે ઊંડાણપૂર્વક સંકળાયેલું છું, નિર્માતા તરીકે આ મારી પહેલી ફિલ્મ છે. હું ગુજરાતી ભાષાની ખૂબ નજીક છું, ફિલ્મો અને એવું માધ્યમ છે જેના દ્વારા તમે અઢળક લોકો સુધી તમારી કળા અને વાતને પહોંચાડી શકો છો. અને આજે જ્યાં લોકો ગુજરાતી ફિલ્મોને જોઈ તેને સારો પ્રતિસાદ પણ આપી રહ્યાં છે. ત્યારે મને આશા છે કે, અમારી ફિલ્મ ‘ગોળકેરી’ને લોકો આવકારશે.

આ ફિલ્મ દ્વારા પ્રથમવાર નિર્માત્રી બનેલી અભિનેત્રી માનસી પારેખ ગોહિલે ઉમેર્યું, ‘એક અભિનેતા અને નિર્માતા તરીકેની બેવડી જવાબદારી ખૂબ જ મોટી છે. નિર્માતા તરીકે શરૂઆતી અંત સુધીની પ્રક્રિયાએ મને ભીતરી સમૃદ્ધ કરી છે.’ અભિનેતા મલ્હાર ઠાકરની આ વર્ષ ૨૦૨૦માં રજૂ થતી પ્રથમ ફિલ્મ બનશે. ત્યારે દર્શકો મલ્હારને આ ફિલ્મમાં જોવા માટે ખુબ ઉત્સુક છે.

સચિન ખેડેકર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા અભિનેતા છે અને બહુ ઓછા લોકો આ વસ્તુ જાણે છે કે, અભિનેત્રી વંદના પાઠક પણ મહારાષ્ટ્રિયન છે જ્યારે તેઓને ગુજરાતી ભાષા પસંદ કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે પુછવામાં આવ્યું ત્યારે વંદનાએ કહ્યું: “હું મહારાષ્ટ્રીયન હોવા છતાં પણ મને અમદાવાદમાં ઉછેરવામાં આવી છે, તેથી ભાષા પ્રત્યેની મારી પકડ ઘણી મજબૂત છે.

કોકોનટ પિક્ચર્સના વિતરણમાં, ઝેન મ્યુઝિક-ગુજરાતીની સંગીત પ્રસ્તુતિમાં, અમાત્ય-વિરલ શાહ લિખિત ‘ગોળકેરી’ ફિલ્મ ભારતમાં ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.