સોનુ ૪૯,૫૦૦ની નજીક, સિલ્વર રૂ.૬૫૦ ઉછળ્યું

ડોલર સામે રૂપિયો ૧૦ પૈસા મજબુત: સેન્સેકસ પણ ૪૪,૬૪૦ની સપાટીએ 

કોમોડિટીમાં ફરીથી સળવળાટ જોવા મળ્યો છે. આજે સોનુ ૫૫૦ પોઈન્ટ ઉછળીને ૪૯,૧૯૦ની નજીક પહોંચ્યું છે બીજી તરફ સિલ્વરમાં પણ ૬૫૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ લખાય છે ત્યારે સિલ્વર ૬૨,૮૦૦ની સપાટીએ પહોંચ્યું છે.

બીજી તરફ આજે અમેરિકાના ડોલર સામે રૂપિયો ૧૦ પૈસા મજબુત થયો હતો આ લખાય છે ત્યારે રૂપિયો ડોલર સામે ૭૩.૯૦ પૈસાએ છે. ઘણા સમયથી સોના-ચાંદીમાં ભારે વધ-ઘટ જોવા મળતી હતી. સોનું એક તબકકે ૫૦ હજારને પાર પહોંચી ગયું હતું બીજી તરફ સિલ્વર પણ ૭૫ હજારની સપાટીએ પહોંચી જાય તેવી શકયતા હતી આવી સ્થિતિમાં બજારમાં રસી આવી જતા કોરોનાનો ડર ઓછો થયો હતો. પરિણામે સોનામાં ફરીથી ભાવ ઘટયા હતા.  સામાન્ય રીતે જયારે-જયારે વૈશ્ર્વિક સ્તરે ડરનો માહોલ વધે છે ત્યારે સોનાના ભાવ પણ ઉંચકાતા હોય છે. વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જશે તેવી ભીતિ હતી. ઉપરાંત બે દેશો વચ્ચે સીમાઓ પણ અસુરક્ષિત હોવાના કારણે સોનું બેફામ વઘ્યું હતું. સોનાની પાછળ-પાછળ ચાંદીમાં પણ ભારે તેજી જોવા મળી હતી. અલબત શેરબજારમાં ઐતિહાસિક કડાકા નોંધાયા હતા. એક તબકકે શેરબજાર ૩૦ હજાર આંકની નીચે પહોંચી ગયું હતું જોકે ધીમી ગતિએ બજાર રીકવર થયું છે અને આજે ૪૪,૬૩૨ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. આજે મારૂતી સુઝુકી, ઓએનજીસી અને હિંદાલકોના શેરમાં જમાવટ જોવા મળી છે. બીજી તરફ એચડીએફસી બેંક, એસબીઆઈ લાઈફ, ટીસીએસ અને બજાજ ઓટો ૨.૧૧ ટકા સુધી તુટી ગયા છે.