સંગઠનને વધુ મજબૂત કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પ્રદેશ પ્રમુખના સિંહાસન પર વધુ એકવાર બેસાડવામાં આવે તેવી પણ શક્યતા: ઓબીસી સમાજ પર પસંદગીનું કળશ ઢોળાશે તો રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ ફ્રન્ટ રનર
દિલ્હી વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ હવે આગામી 20મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે. ત્યારબાદ ભાજપ હાઇકમાન્ડ ફ્રી થઇ જશે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું પરિણામ આવતીકાલે આવી જશે. ટૂંક સમયમાં ભાજપ દ્વારા હવે રાષ્ટ્રીય પ્રમુખ સાથે અલગ-અલગ રાજ્યોના અધ્યક્ષ નક્કી કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. હોળાષ્ટક પહેલા ગુજરાત પ્રદેશ ભાજપને સી.આર.પાટીલના સ્થાને નવા અધ્યક્ષ મળી જાય તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. આ પદ માટે હાલ સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચુંટણી બાદ ભાજપનું સંગઠન માળખું થોડું ફેર-વિખેર થયું હોય તેવો અહેસાસ કાર્યકરો કરી રહ્યા છે. આવામાં ફરી સંગઠનને મજબૂતી બક્ષવા માટે હાઇકમાન્ડ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પ્રદેશ અધ્યક્ષ તરીકે સત્તારૂઢ કરે તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.
બીજી તરફ જો ઓબીસી સમાજને પ્રમુખ આપવાનો નિર્ણય લેવામાં આવે તો રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનું નામ હાલ સૌથી વધુ આગળ ચાલી રહ્યું છે.
જાન્યુઆરી માસમાં જ ભાજપ દ્વારા ગુજરાતના અલગ-અલગ મહાનગરો અને જિલ્લાના અધ્યક્ષની નામની ઘોષણા કરી દેવામાં આવનાર હતી. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકોટ સહિતના શહેરોમાં પ્રમુખ પદને લઇને પક્ષમાં ભારે વિવાદ અને વિરોધ ફાટી નીકળ્યો હતો. જેના કારણે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા અને મહાનગરોના પ્રમુખો નીમવાનું ટાળ્યું હતું.
જ્યારે હાઇકમાન્ડ દિલ્હી વિધાનસભાની ચુંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થઇ શક્યું ન હતું. હવે મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું પરિણામ જાહેર થઇ જશે. જ્યારે 20મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના નવા મુખ્યમંત્રી પણ શપથ લેશે.
આગામી એક પખવાડીયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારબાદ 7 અથવા 8 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાત આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હોળાષ્ટક પહેલા એટલે કે હોળીના એક અઠવાડીયા પૂર્વે ભાજપ દ્વારા ગુજરાતના નવા અધ્યક્ષના નામનું એલાન કરી દેવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાચી ઓળખ જ સંગઠનના માણસ તરીકેની છે. પક્ષે અગાઉ પણ તેઓને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. જો કે, ત્યારબાદ તેઓને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવતા તેઓએ માત્ર છ મહિનાના ટૂંકગાળામાં પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશભરમાં ગુજરાત ભાજપએ પક્ષ માટે રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે. ગુજરાતમાં સંગઠન માળખું થોડીપણ નબળું પડે તે પક્ષને પાલવે તેમ નથી.
આવામાં આવતા વર્ષે યોજાનારી છ કોર્પોરેશન ઉપરાંત નવરચિત 9 મહાનગરપાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી પૂર્વે ભાજપના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે પક્ષ દ્વારા વધુ એકવાર વિજયભાઇ રૂપાણીને પ્રદેશ પ્રમુખ તરીકે સત્તારૂઢ કરવામાં આવી તેવી સંભાવના પણ હાલ દેખાઇ રહી છે.
જો પ્રમુખ પદ ઓબીસી સમાજને આપવાનો નિર્ણય લેવામાં આવે તો રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનું નામ પણ બોલાઇ રહ્યું છે. જો કે, હાલ તેઓ સંગઠન ચુંટણી અધિકારી તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. મુખ્યમંત્રી પદ અમદાવાદ પાસે હોય હાલ સરકાર અને સંગઠનમાં સૌરાષ્ટ્રની પકડ થોડી ઓછી જોવા મળી રહી છે. આવામાં પક્ષ જ્ઞાતિ-જાતિના સમિકરણો અને ઝોનના સમિકરણો બેસાડવા માટે સૌરાષ્ટ્રને પ્રમુખ પદ આપે તેવી સંભાવના નકારી શકાતી નથી. સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના અનેક નેતાઓના નામ પ્રમુખની રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.