Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપમાં એક યુગનો અંત

હાઇકમાન્ડે ટિકીટ તો ન આપી પણ સ્થાનીક સંગઠને વિધાનસભાના ઇન્ચાર્જને લાયક પણ ન સમજયા: એક સમયે જે ચુંટણીની વ્યહુ રચનાના સોગઠા ગોઠવતા હતા: હવે માત્ર નામ પુરતી જ હાજરી આપશે

રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવા નીતિનભાઇ ભારદ્વાજ અને રાજકોટ દક્ષિણ બેઠક પરથી લડવા ધનસુખભાઇ ભંડેરીએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી. હાઇકમાન્ડે શહેર ભાજપના બન્ને પર વિશ્ર્વાસ મૂકયો નથી અને ટિકીટ આપી નથી. હવે સ્થાનીક સંગઠનો પણ તેઓના નામો કાંટો કાઢી નાખ્યો છે. અગાઉ ચુંટણીની વ્યહુ રચના ગોઠવતા ભંડેરી- ભારદ્વાજની ચુંટણીમાં હવે માત્ર નામ પુરતી હાજરી રહેશે. કારણ કે આ બન્ને મોટા માથાની એકેય બેઠકના ચુંટણી ઇન્ચાર્જ તરીકે પણ વરણી કરવામાં આવી નથી.

ઉમેદવારો જાહેર થવાની ગણતરી કલાકોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી દ્વારા શહેરની ચારેય બેઠકો માટે ઇન્ચાર્જની નિયુકિત કરવામાં આવી છે. જેમાં 68-વિધાનસભા પૂર્વ બેઠક માટે શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, 69- વિધાનસભા પશ્ર્ચિમ બેઠક માટે ખુદ પ્રમુખ, 70- વિધાનસભા દક્ષિણ બેઠક માટે જીતુભાઇ કોઠારી અને 71 વિધાનસભા ગ્રામ્ય બેઠક માટે જીતુભાઇ કોઠારી અને 71- વિધાનસભા ગ્રામ્ય બેઠક માટે મેયર ડો. પ્રદિપ ડવની વરણ કરવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભા વાઇઝ વિવિધ ચુંટણી લક્ષી સમિતિની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીને હટાવાયા બાદ સ્થાનીક લેવલે પણ રૂપાણી જુથના સમર્થકોને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાઓમાં રાજકોટ શહેરમાં જેટલી ચુંટણી યોજાઇ છે જેમાં મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી, પેટા ચુંટણી, વિધાનસભાની સામાન્ય ચુંટણી હોય કે પેટા ચુંટણી લોકસભાની સામાન્ય ચુંટણીમાં વ્યહુ રચના ગોઠવવામાં ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજનો હાથ સતત ઉપર રહેતો હતો. બન્નેની વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવતી નથી. પરંતુ હવે રાજકોટ શહેર ભાજપનાં એક યુગનો અંત આવી ગયો છે.

અગાઉ ભંડેરી અને ભારદ્વાજ ચુંટણીની વ્યુહ રચના ગોઠવતા હતા. ફોર્મ ભરવાથી લઇ વિજેતા બનેલા ઉમેદવારોના વિજય સરઘસ સુધીની જવાબદારી તેઓના શીરે રહેતી હતી. પરંતુ હવે રાજકોટના રાજકારણમાં નવી પેઢીનું વજન વધી ગયું છે. એક સમયે સર્વેસર્વા હવે માર્ગદર્શકની ભૂમિકામાંથી પણ નીકળી ગયા છે. હવે આ નેતાઓએ કોઇ બોલાવે કે ન બોલાવે પોતાનું રાજકારણ ટકાવી રાખવા માટે તમામ કાર્યક્રમોમાં હાજરી આપવી ફરજીયાત બની છે.

એક સમયે કોર્પોરેશનના પદાધિકારીઓના નામની ચીઠ્ઠી લઇ જેવો આવતા હતા તેવા આ બન્ને મોટા નેતાઓ માટે પોતાના નામ કોર્પોરેશનની આમંત્રણ પત્રીકામાં છપાશે કે કેમ ? તેના સામે પણ સવાલો ઉભા થવા માંડયા છે. ભંડેરી-ભારદ્વાજની જોડી વચ્ચે પણ હવે પહેલા જેવું જામતું નથી તે વાતથી કાર્યકરો સારી રીતે વાકેફ છે. વિધાનસભાની ટિકીટ માટે પ્રબળ દાવેદારો ગણાતા આ બન્ને મહાનુભાવો સ્થાનીક લેવલે વિધાનસભાના ઇન્ચાર્જ બનવાને લાયક પણ ન સમજતાં હોય તેવું લાગી રહ્યું છે. કારણે વર્ષોથી જેની પાસે રાજકીય અનુભવ છે તેને હાંસીયામાં ધકેલી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.