Abtak Media Google News

સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા દહેજ અને પૈસાની માંગણી કરતો’તો

ગોંડલ મહિલા પોલીસ મથકે બગસરાની પરિણીતા અને હાલ જેતપુર માવતરે રહેતા રીનાબેન પટેલે સાસરિયાના સભ્યો ત્રાસ આપતા બગસરાના રહીશ પતિ રેનીશ, સસરા જેન્તીભાઈ કપુપરા, સાસુ મુક્તાબેન, જેઠ-જેઠાણી અને નણંદ – નણંદોયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રીનાબેન(ઉ.વ.33)એ જણાવ્યું છે કે, તેઓ હાલ તેમના પિતા અરવિંદભાઈ પટોળીયા (પટેલ)ના ઘરે જેતપુરના જુનાગઢ રોડ પર હોટલ ઉત્સવ પાછળ આવેલ સિલ્વર એપાર્ટમેન્ટમાં રહે છે.

ગોંડલ મહિલા પોલીસ મથકે તેઓએ તા.26/03/23ના રોજ અરજી આપેલી હતી. જે અનુસંધાને આ ફરિયાદ નોંધાવી છે. જેમાં રિનાબેને જણાવ્યું કે, ચારેક વર્ષ પહેલા ઉપલેટાના રહેવાશી જેન્તીભાઇ કપુપરાના દિકરા રેનીશ સાથે મારા લગ્ન થયા હતા. લગ્નજીવનથી મારે સંતાનમાં એક અઢી વર્ષની દિકરી છે જે હાલ મારી પાસે છે. લગ્નબાદ હું મારા પતિ, સાસુ મુકતાબેન તથા જેઠ નિરવભાઈ, જેઠાણી કોમલબેન એમ બધા ઉપલેટા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. બાદ હું મારા પતિ, મારા નણંદ કીરણબેન નણંદોયા અશ્વીનભાઇ એમ સાથે રહેતા હતા.

મારા નણંદોયા અશ્વિનભાઇને રીમોટ ટાયરનું કારખાનુ હોય જેમાં મારા પતિ પણ ભાગીદારીમાં કામ કરતા લગ્ન બાદ મારા પતિએ મને નવેક મહીના સારી રીતે રાખેલ ત્યારબાદ મારા પતિ મારા પાસે મારા પિતાજી પાસે ઘર ચલાવવા પૈસાની માંગણી કરવાનું કહેતા જેની ના પાડતા મારા પતિ મારી સાથે ઝઘડો કરતા હતા. અને એક વાર મારા પતિને ધંધા માટે પૈસાની જરૂર હોય જેથી મને તથા મારા ભાઇને લોન કરવાનું વારંવાર દબાણ કરતા હતા. બાદ મેં તથા મારા ભાઇએ પાંચ-પાંચ લાખ રૂપીયાની લોન કરાવીને મારા પતિને રૂપીયા આપેલ.

જે પૈસા પાછા આપેલ નહી. મારા પતિ દારૂ પીઇને આવીને મારી સાથે બોલાચાલી કરી, અપશબ્દો કહીં, ઢીકાપાટુનો માર મારતા તેમજ મારી નાખવાની ધમકી આપતા હતા. મેં આ વાત મારા સાસુ તથા જેઠ-જેઠાણી તથા નણંદ-નણંદોયાને કરી હતી પણ તેઓ બધા મારા પતિનો સાથ આપતા અને મારા પતિની ચડામણી કરીને મને શારીરીક માનસિક ત્રાસ આપતા અને મારી પાસે દહેજમા પૈસાની માગણી કરતા હતા. રીનાબેને વધુમાં કહ્યું કે, હું એક વાર રિસામણે ચાલી ગઈ હતી પણ સમાધાન થતા પરત આવેલી.

એક વર્ષ પહેલા મારા પતિ સટ્ટામાં આશરે સિતેર-એસી લાખ હારી જતા તે દારૂ પીઇને આવીને મારી સાથે રોજ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારતા. હું આ ત્રાસથી કંટાળી જતા મેં મારા ભાઈ ચંદ્રેશભાઇને જાણ કરતા તેઓ બગસરા આવીને મને તેડી ગયેલ હતા. જે પછી અમે સામાજિક સ્તરે સમાધાનના ઘણા પ્રયત્ન કરેલ પણ મારા પતિ સમાધાન કરવા તૈયાર નથી. ફરિયાદના આધારે ગોંડલ મહિલા પોલીસ મથકે પીએસઓ એન.પી. પરમારે ફરિયાદ નોંધી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રેખાબેન ડેરવાળીયા હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.