- ચાર બેટરી, રીક્ષા મળી કુલ રૂ.60 હજારના મુદ્દામાલ સત્યે રમઝાન બ્લોચ અને વિજય મેણીયાની ધરપકડ કરતી ગોંડલ પોલીસ
- સડક પીપળીયા ગામ, ગોંડલ ખટારા સ્ટેન્ડ અને શક્તિમાન કંપની નજીક ચોરીને અંજામ આપ્યાની કેફીયત
- ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરી કરતી ગોંડલની બેલડીને પોલીસે પકડી પાડી ચાર ચોરાઉ બેટરી કબ્જે કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા મિલ્કત વિરૂધ્ધના બનેલ ગુન્હાઓમાં તાત્કાલીક ગુના નોંધી આરોપીને શોધી કાઢી મુદામાલ રિકવર કરવાની આપેલ સૂચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગઈતા.09 ના મોડી રાત્રીના ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખટારા સ્ટેન્ડ પાસે પાર્કે કરેલ ટ્રકમાંથી બે બેટરીઓ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયેલની ફરીયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે બનાવની ગંભીરતા દાખવી પીઆઈ એલ.આર.ગોહિલની રાહબરીમાં ટીમ ચોરી થયેલ બેટરીઓ તથા આરોપીને પકડવા તપાસમાં હતી ત્યારે ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન રીસોર્સ આધારે સઘન તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરી થયેલ બેટરીઓ તથા અન્ય બે બેટરીઓ સાથે
રમઝાન ઉર્ફે મૌસીન હુશેન બ્લોચ (રહે.ગોંડલ આવાસ યોજના ક્વાટર નં.ઇ.5) અને વિજય સંદીપ મેણીયા (રહે.હાલ ગોંડલ વોરાકોટડા રોડ) ને પકડી પાડી આરોપી પાસેથી અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ-4 રૂ.20 હજાર અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.60 હજારનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ સાથે મળીને 15 દિવસ પહેલા સડક પીપળીયા ગામ પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં રાત્રિના સમયે પાર્ક કરે ટ્રકમાંથી એક બેટરીની ચોરી કરેલ તેમજ બંને સક્ષોએ અઠવાડિયા અગાઉ શક્તિમાન કારખાના પાસે જેતપુર હાઇવે રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી એક બેટરીની ચોરી કરી અને કબુલાત આપી હતી.