ગોંડલના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં મોંઘાદાટ ખર્ચા સાથે સારવાર લેવા મજબૂર, આ છે કારણ..!!

દરરોજ કોરોના સંક્રમણના કેસમાં ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. હોસ્પિટલમાં ખાલી પડેલા બેડ, વેન્ટિલેટર અને ઓક્સસીજનનો પર્યાપ્ત જથ્થો આપણે તે વાતની સાબિતી આપે છે. હાલ કોરોના દર્દીનું પ્રમાણ નહિવત થતા બીજા અન્ય બીમારી વારા દર્દીઓને સારવાર માટે સારી એવી સુવિધા અને બેડ પણ મળે છે. જયારે ગોંડલની સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને એડમિટ કરવા અંગેની એક ફરિયાદ સામે આવી છે.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાનો ફક્ત એક માત્ર દર્દી જ સારવાર હેઠળ છે. સિવિલમાં બીજા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થાઓ છે. આ બધું હોવા છતાં પણ નોર્મલ દર્દીઓને એડમીટ થવાં પર પાબંધી લાદવામાં આવી છે. આ પાબંધીથી દર્દીઓને સારવાર માટે રાજકોટ અથવા બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે અને મોંઘાદાટ ખર્ચા કરી સારવાર લેવી પડે.

ભગવતપરામાં રહેતા અને મજુરી કામ કરતાં પ્રવિણભાઇ નાથાભાઇ ગેડીયાનાં પત્ની અંજનાબેનને રાત્રે ઝાડા ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતાં. જયાં અંજનાબેનને દવા અપાયા બાદ ઘરે પરત ફર્યા હતાં. પરંતું પરિસ્થિતિ જેમની તેમ રહેતાં સવારે નવ વાગે ફરી હોસ્પિટલ લવાયાં હતાં. જ્યાં અંજનાબેનનાં પતિ પ્રવિણભાઇએ હોસ્પિટલમાં દાખલ કરવાં વિનંતિ કરી. પરંતુ ફરજ પરનાં તબીબે દાખલ કરવાંની ઉપરથી મનાઇ છે તેવું કહેવામાં આવ્યું.

 

ઘરે ચાર માસની દિકરી છે એટલે રાજકોટ જવું પોસાય તેમ નથી. આ સાથે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર પણ મોંઘી પડે છે. પ્રવિણભાઇએ હોસ્પિટલમાં આજીજી કરી હતી. પરંતુ નિયમોની જડતાને કારણે અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

આ અંગે હોસ્પિટલનાં અધિક્ષક ડૉ.વાણવીએ જણાવ્યું કે, ‘સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર કોવીડ પેશન્ટોને જ દાખલ કરવાં નો કલેકટર નો આદેશ છે. હાલ માત્ર એક જ પેશન્ટ દાખલ હોવાં છતાં અમે નિયમો ને આધીન નોર્મલ પેશન્ટ દાખલ કરી શકતાં નથી.’

બીજી બાજું હાલ ગોંડલમાં કોરોના કેસ ઘટ્યા છે, છતાં સિવિલ હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલમાં બેડ અને ICU વિભાગ ખાલીખમ્મ જોવા મળ્યા છે. ત્યારે મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે સિવિલ હોસ્પિટલમાં કલેકટર દ્વારા નિયમોમાં ફેરફાર કરાય તેવી માંગ ઉઠવાં પામી છે.