Abtak Media Google News

આજે સવારે પરમધામથી પાલખીયાત્રા નીકળી; સંયમ જીવનના 53 વર્ષ ગાળી 77 વર્ષની ઉંમરે દેહત્યાગ ર્ક્યો

નાદુરસ્ત તબિયત હોવાથી ત્રણ દિવસ પહેલાં જ ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે પરમધામ સાધના સંકુલમાં લવાયા હતા

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવ રતિલાલજી મહારાજ સાહેબ એવમ્ પૂજય મુક્ત-લીલમ ગુસણીના સુશિષ્યો સંથારા સાધક પૂ.અનુમતિબાઈ મહાસતીજીનો સંથારો ગઈકાલે સાંજના 8.47 કલાકે સીઝી ગયો હતો. આજે સવારે પરમધામથી પૂ.અનુમતિબાઈ મ.સ.ની પાલખીયાત્રા નીકળી હતી.

છેલ્લાં પાંચ વર્ષથી પારસધામમાં નાદુરસ્ત અવસ્થામાં બિરાજી રહેલાં પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજીને ત્રણ દિવસ અગાઉ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પરમધામ સાધના સંકુલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં ગઈકાલે પરમ ગુરુદેવના શ્રીમુખેથી એમને સંથારાના પ્રત્યાખ્યાન કરાવવામાં આવ્યાં હતાં. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં 08.47 કલાકે ચત્તારિ શરણના જપ સ્મરણ સાથે સમાધિભાવપૂર્વક પૂજ્ય મહાસતીજીનો સંથારો સીઝી ગયો હતો.

બોરીવલી – મુંબઈના રહેવાસી, જામનગરના વતની ધર્મવત્સલા માતુશ્રી સવિતાબેન મોહનલાલ મહેતાના આંગણે આજથી 77 વર્ષ પહેલાં જન્મ ધારણ કરનાર  અનસૂયાબેનએ 53 વર્ષ પહેલાં 25 વર્ષની યુવાન વયે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના શ્રીમુખેથી સૌરાષ્ટ્રના ખાંભા મુકામે એકસાથે આઠ મુમુક્ષુ બહેનો સાથે દીક્ષા અંગિકાર કરીને સંયમજીવનની સાધનાનો પ્રારંભ કર્યો હતો.

પૂજ્ય પુષ્પાબાઈ મહાસતીજીની નિશ્રામાં સંયમ જીવનની સારણા – વારણા ગ્રહણ કરતાં આત્મસાધનામય જીવન વ્યતીત કરનારા પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજી સેવાભાવી, ભદ્રિક પરિણામી, સરળ અને તપસ્વી આત્મા હતાં.

સંયમ જીવનની સાધના સાથે અઠ્ઠાઈ, નવાઈ, માસક્ષમણ, છટ્ઠનો વર્ષીતપ, અઠમનો વર્ષીતપ આદિ અનેક પ્રકારની ઉગ્ર તપ આરાધના દ્વારા પોતાના સંયમ જીવનને સાર્થક કરનારા પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજી નાદુરસ્ત અવસ્થામાં મહારાષ્ટ્રના અનકાઇ બિરાજિત ધ્યાનસાધક ગુરુદેવ પૂજ્ય હસમુખમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં એક વર્ષ પર્યંત રહ્યાં હતાં, જ્યાં પૂજ્ય ગુરુ ભગવંત તેમજ બિરાજિત પૂજ્ય મહાસતીજીવૃંદ દ્વારા એમની સેવા કરવામાં આવી હતી.

પાંચ વર્ષથી પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પારસધામ- ઘાટકોપરમાં બિરાજીત હતા, જ્યાં સંઘ ભાવિકો અને દર્શનાદીદી દડિયા, જાનકીબેન આદિ અનેક ભાવિકોએ અને એમની અગ્લાનભાવે સેવા કરીને એમને શાતા પમાડવાનો પ્રયત્ન કર્યો હતો.

પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજી નાદુરસ્ત થતાં જતાં સ્વાસ્થ્ય અને એમના અંતરની ભાવનાને અનુલક્ષીને ગત 01.10.2021, શુક્રવારના સવારે એમને પરમધામ સાધના સંકુલમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે લાવવામાં આવ્યા હતાં. દરેક પ્રકારની મેડિકલ સુવિધાઓ સાથેના વૈયાવચ્ચ કક્ષમાં રાખવામાં આવેલાં પૂજ્ય  અનુમતિબાઈ મહાસતીજીની સેવામાં ત્રણ દિવસ સુધી ખડેપગે વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી, પૂજ્ય પરમ અસ્મિતાજી મ. તેમજ પૂજ્ય પરમ સ્વમિત્રાજી મ. રહ્યાં હતાં.

ગત સાંજે એમનું સ્વાસ્થ્ય કથળતાં અને અંતિમ સમય જણાતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી પૂજ્ય મહાસતીજીએ સંથારાના પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા હતાં. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ સંતો તેમજ વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી આદિ અનેક સતીવૃંદના સાંનિધ્યે અરિહંત પ્રભુના શરણ ગ્રહણ કરતાં કરતાં સમાધિભાવપૂર્વક પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજીનો સંથારો સીઝી ગયો હતો.દેહની અત્યંત અશાતાના ઉદયમાં પણ સમભાવપૂર્વક વેદના સહન કરતાં કરતાં પરમ ગુરુદેવના સાંનિધ્યે દેહત્યાગ કરીને જીવન સાર્થક કરી જનારા પૂજ્ય અનુમતિબાઈ મહાસતીજીને શત શત વંદના

તેમની પાલખીયાત્રા આજે સવારે 09.00 કલાકે પરમધામથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.