- સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ અમેરિકાના મનુભાઈના 80માં જન્મદિને આત્માનિર્ભર અભિયાન અંતર્ગત સુશિક્ષીત બેરોજગાર એવા 30 યુવાનોને ડ્રાઈવીંગ માટે અર્ટીગા ગાડીની અર્પણ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ભક્તિભાવ ધરાવતા અમેરિકાના સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – શાહ હેપીનેસ ફાઉન્ડેશનના પ્રણેતા મનુભાઈ શાહનો 80વિં જન્મદિન, માનવતા અને સત્કાર્યોની એક નવી દિશા ચિન્હ સર્જીને સાર્થક બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પરમ ગુરુદેવની પ્રેરણાથી મનુભાઈ અને રિકાબેન શાહના સહયોગે ઘાટકોપરમાં એક વર્ષ પહેલાં પ્રારંભ થએલાં ગુરુ પ્રસાદ પ્રકલ્પ અંતર્ગત દરરોજ અર્પણ થતાં શુદ્ધ ગરમ સાત્વિક ભોજન દ્વારા એક વર્ષમાં 8,00,000થી વધુ ભાવિકોની ક્ષુધા તૃપ્તિ કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આજના દિવસે મનુભાઈ શાહના 80વિં જન્મદિન નિમિત્તે ઘાટકોપરમાં 8000 ભાવિકોને ગુરુ પ્રસાદ પ્રકલ્પ અંતર્ગત ભોજન અર્પણ કરીને શાતા પમાડવામાં આવી હતી.
દરેક જ્ઞાતિના ભાવિકોને ભોજન અર્પણ કરવાની અને સહુનું મંગલ થાય એવી ભાવના ધરાવતા શ્રી મનુભાઈના હૃદયની માનવતા અને સદભાવનાની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આશીર્વચન – બોધવચન ફરમાવતાં કહ્યું હતું કે, સત્કાર્યોની કદી કોઈ સીમારેખા હોતી નથી. પરિચિત સ્વજનો સાથે મોજમજા કરીને જન્મદિવસની ઉજવણી કરતાં અજાણ્યા લોકો વચ્ચે અપરિચિત એવા દુ:ખીજનોના ચહેરા પર મુસ્કાન લાવીને ઉજવાતો જન્મદિન, તે સાર્થક જન્મદિન બની જાય છે.
વિશેષમાં, પરમ ગુરુદેવની પ્રેરણાથી કોરોના કાળમાં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની અર્પણતા કરનારા, પરમ ગુરુદેવ પ્રેરિત એનિમલ એમ્બ્યુલન્સ પ્રોજેક્ટમાં 3 એમ્બ્યુલન્સની અર્પણતા કરનારા, પરમ ગુરુદેવ પ્રેરિત અનેક સત્કાર્યોમાં અને પરમધામ સાધના સંકુલમાં સર્જાઇ રહેલી વિશાળ “ઓલ્વેઝ કેર” એનિમલ હોસ્પિટલમાં મહત્તમ અનુદાન અર્પણ કરીને પોતાના અંતરની માનવતાના દર્શન કરાવનારા શ્રી મનુભાઈના જન્મદિનના આ અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી મુંબઈના બેરોજગાર યુવાનોને રોજગાર માટે 50 અર્ટિગા કારની અર્પણતા શ્રી મનુભાઈના અનુદાનના સહયોગે કરવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો. ઘાટકોપર સ્ટેશન, વિદ્યા વિહાર સ્ટેશન, 60 ફીટ રોડ, રાજવાડી નગર, કામરાજ નગર, હનુમાન ટેકરી, કેન્સર પેશન્ટ્સ સેવા સદન, આદિ ઘાટકોપરના વિવિધ વિસ્તારોમાં દરરોજના 2500થી વધુ લોકોને ભોજન પીરસવાના આ ભગીરથ કાર્યમાં સેવાનું યોગદાન આપી રહેલાં ઘાટકોપરના વિધાયક પરાગભાઈ શાહ અને પારસધામના વિરલભાઈ દોશી એ સુંદર ભાવોમાં અભિવ્યક્તિ કરીને પરમ ગુરુદેવની વરસતી કૃપા પ્રત્યે અહોભાવ પ્રગટ કરવા સાથે મનુભાઈની ઉદારતા પ્રત્યે અનુમોદના પ્રગટ કરી હતી. મનુભાઈ અને રિકાબેને, પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ પ્રગટ કરીને, સત્કાર્યોની નવી નવી પ્રેરણા આપવાની અને સત્કાર્યો કરવા માટેના આશીર્વાદની યાચના કરીને પારસધામ – ઘાટકોપરના દરેક સેવાભાવી ભાવિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.