Abtak Media Google News

ન્યૂ રાજકોટ બન્યું કોરોના હોટસ્પોટ સૌથી વધુ 473 એક્ટિવ કેસ: ઇસ્ટ ઝોનમાં માત્ર 24 કેસ

 

અબતક, રાજકોટ

છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં કોરોનાના સંક્રમણા સતત વધી રહ્યું છે. ગઇકાલે કોરોનાએ બેવડી સદી ફટકારી હતી અને શહેરમાં 203 કેસ નોંધાતા મહાપાલિકામાં દોડધામ મચી જવા પામી છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી સારી નિશાની એ મળી રહી છે કે કુલ 679 એક્ટિવ કેસમાંથી માત્ર 5 દર્દીઓ જ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યાં છે. બાકીના તમામ હોમ આઇસોલેશન હેઠળ છે. જે પાંચ દર્દીઓ હોસ્પિટલમાં છે તે પૈકી એકપણ દર્દી હાલ વેન્ટીલેટર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ જોખમ ઘટી ગયું હોવાનું માલૂમ પડી રહ્યું છે. બીજી તરફ સેકેન્ડ વેવમાંથી સબક લઇ મહાપાલિકાએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. હાલ શહેરભરમાં ધન્વંતરી અને સંજીવની રથ દોડવા લાગ્યા છે. ગઇકાલે ગુરૂવારના રોજ શહેરમાં 4303 લોકોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 203 લોકોનું કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શહેરમાં હાલ કોરોનાના 679 એક્ટિવ કેસ છે. જે પૈકી 674 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના 5 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેઓની સ્થિતિ પણ સ્થિર છે.

કોરોનાની બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં સપડાનારા દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટતું નથી કે અન્ય કોઇ જાતની વધારાની તકલીફ પણ થતી નથી. જે સૌથી સારી બાબત છે.

કોર્પોરેશનના તમામ વિભાગોમાં કોરોનાની નવી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાશે: અમિત અરોરા

તમામ સ્થળોએ ગાઇડલાઇનનો પાલન કરવા કોર્પોરેશનના કર્મચારીઓને સુચના આપતા મ્યુનિ.કમિશનર

રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેનું ચુસ્તપણે પાલન કરવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કોર્પોરેશનની તમામ વિભાગોને કડક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત, માસ્ક પહેરવા જેવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ ઉપરાંત સીટી બસ, જાહેર સ્થળો, ગાર્ડન, પાર્ક, સ્વિંમીગ પુલ, પુસ્તકાલયોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.