Abtak Media Google News

અમરેલીના ખાંભામાં ૨, સુરેન્દ્રનગરના ચુડામાં ॥ ઈંચ વરસાદ: ખંભાળિયા, જેસરમાં ઝાપટા

આગામી ૧૦મી ઓકટોબરી ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસુ રાજ્યમાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં પૂર્ણ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે ડિપ્રેશન સર્જાવાના કારણે ઓકટોબર માસના આરંભે પણ વરસાદ ચાલુ રહેવા પામ્યો છે. છેલ્લા એક દસકા બાદ દેશભરમાં સરેરાશ ૧૧૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. ગુજરાતમાં પણ રેકોર્ડબ્રેક ૧૪૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પણ રાજ્યના ૧૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

હવામાન વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આગામી ૧૦મી ઓકટોબર બાદ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો આરંભ થશે. દિવાળી સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરના સમયે તડકો પડશે. દિવાળી બાદ શિયાળાનો આરંભ થઈ જશે. રાજ્યમાં ૧૫ જૂન આસપાસ ચોમાસાનો આરંભ થતો હોય છે અને સપ્ટેમ્બરના અંતમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા માંડતું હોય છે પરંતુ આ વખતે સતત સીસ્ટમ બનતી રહી હોવાના કારણે ચોમાસુ લંબાયું છે. ઓકટોબર માસના આરંભે પણ હજુ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અમરેલીના ખાંભામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. ખંભાળીયા, અંજાર, જેસર સહિતના સૌરાષ્ટ્રના અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા. રાજ્યમાં હવે એક પણ સીસ્ટમ સક્રિય નથી. લોકલ ફોર્મેશનના કારણે છુટાછવાયેલા વિસ્તારોમાં બપોરબાદ હળવાથી મધ્યમ વરસાદ વરશે તેવી શકયતા છે.૧૦મી ઓકટોબર બાદ ચોમાસાની વિદાયનો તબકકો શરૂ થશે. હાલ પવનની દિશામાં પણ ફેરફાર થયો છે અને પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યાં છે જે ચોમાસાની વિદાયની નિશાની છે. રાજ્યમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૪૧.૦૪ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છ રિઝીયનમાં સૌથી વધુ ૧૭૩.૩૨ ટકા વરસાદ પડયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૧૧૮.૨૧ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨૮.૩૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૪૮.૩૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૪૩.૮૦ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ૧૦ ઈંચ કે તેથી ઓછો વરસાદ વરસ્યો હોય. ૭ તાલુકામાં ૧૦ ઈંચી ૨૦ ઈંચ સુધી, ૧૨૭ તાલુકાઓમાં ૨૦ થી લઈ ૪૦ ઈંચ સુધી જ્યારે ૧૧૭ તાલુકાઓમાં ૪૦ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ચાલુ સાલ ચોમાસામાં છેલ્લા ૨૦ વર્ષની સરેરાશ કરતા બમણાથી પણ વધુ વરસાદ પડયો છે. વર્ષ ૧૯૮૯ થી ૨૦૧૮ સુધીની સરેરાશ જોવામાં આવે તો શહેરમાં ૭૨૧ મીમી જેટલો વરસાદ પડે છે જેની સરખામણીએ આ વર્ષે ૧૫૬૪ મીમી એટલે કે ૨૧૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે અને પાણીની સમસ્યા હલ થઈ જવા પામી છે. આગામી  સપ્તાહી ચોમાસાની વિદાયનો તબકકો શરૂ થશે અને મિશ્ર ઋતુનો અનુભવ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.