Abtak Media Google News

ઇ.સ.575-650ના સમયમાં નિર્માણ પામેલ પ્રાચીન મંદિર : 150 મીટર ઉંચા ડુંગર પર કુદરતી નયનરમ્ય નજારો જોવા જેવો છે, શિખર પર ચડતા સમયે રસ્તામાં નાની ગુફાઓ, સુંદર હરિયાળી અને પાણીનો ભવ્ય નજારો જોવા મળે છે

આપણાં ગુજરાતમાં વિવિધ ફરવા લાયક સ્થળોમાં પહાડો ઉપરના વિવિધ મંદિરો કુદરતના આહલાદક વાતાવરણમાં જોવા મળે છે. જંગલો-દરિયા કિનારા સાથે ઘણી સુંદર જગ્યાઓ જોવા જેવી હોય છે. આવું જ એક પ્રાચીન મંદિર છે ગોપનાથ મહાદેવ મંદિર જે 150 મીટરની ઊંચાઇ પર આવેલું છે. આ મંદિરની વિશિષ્ટ બાબતમાં તેની આસપાસનો કુદરતી નજારો છે. ઉંચા પહાડો વચ્ચે કેડી કંડારીને રસ્તો બનાવ્યો છે. જ્યાં તમે છેક ઉપર સુધી પોતાનું વાહન સહેલાઇથી લઇ જઇ શકો છો. શ્રાવણ માસે મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમડી પડે છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામ પાસે આવેલ ‘ગોપનાથ મહાદેવ મંદિર’ ખૂબ જ પ્રાચીન છે. આ મંદિરની સ્થાપના પાંચ હજાર વર્ષ પહેલા થઇ હતી. પથ્થરોના પહાડો વચ્ચે રસ્તો બનાવીને ડુંગરની ટોેચે ભવ્ય મંદિર આવેલું છે. પથ્થરો દ્વારા બનાવાયેલ પ્રાચીન મંદિર પૈકી એક છે. આ મંદિરનો ઇતિહાસ પણ રોચક છે. ઇ.સ.575 થી 650ના સમયમાં મંદિર નિર્માણ થયાનું જાણવા મળે છે. પહેલાના જમાનામાં આધુનિક સાધન ન હોવાથી પથ્થરોની કોતરણી કરીને મંદિરો નિર્માણ કરાતા હતાં.

Gopalnath Mahadev 2 લાલપુર તાલુકાથી ભાણવડ જઇએ ત્યારે પાટીયાના રસ્તાથી જ ગોપના ડુંગર ઉપરનું મહાદેવ મંદિર દેખાવા લાગે છે. ડુંગરની ઊંચાઇ 150 મીટરની છે. વર્તુનદીના કાંઠે આ મંદિર આવેલું છે. અહિંથી થોડુ દૂર જામવનની ગુફાઓ આવેલી છે જે પણ જોવા જેવી છે. દક્ષિણ-પશ્ર્ચિમ દિશાએ આવેલા દેવાલયનું ગર્ભગૃહ ચોરસ છે. તેના શિખરની વિશિષ્ટતા પણ અદ્ભૂત છે. હાલ મંદિરમાં છતના ભાગનું રીપેરીંગ ચાલુ છે. જુનાગઢની ઉપરકોટની ગુફાઓની જેમ ચૈત્ય બારીઓ આ મંદિરમાં જોવા મળે છે. મંદિર પર ચડવાનો રસ્તો ઉપર હોવા છતાં તમો સહેલાયથી ચડી શકો છો. અહિં અડધેથી પગથીયા પણ છે. સાત વણાંક પાર કરીને છેલ્લે બે વિશાળ પહાડ વચ્ચેની નાનકડી કેડી બાદ તમો ડુંગરની સતેહ પર પહોંચો છો.

ખાસ આ મંદિરની આજુબાજુ કે ચારે સાઇડ તરફનો નજારો અદ્ભૂત હોય છે. વિશાળ પવન ચક્કી તમારી પાસે જ હોય તેવો ભાષ થાય છે. ફોટોગ્રાફીના શોખીનો માટે તો આ જગ્યા સ્વર્ગ જેવી છે. આ મંદિરે ગમે ત્યારે જાવ ત્યારે બુંદી-ગાઠીયા અને ચા નો પ્રસાદ અવશ્ય ભક્તજનોને અપાય છે. આ મંદિરની સ્થાપના ઇતિહાસ વિશે ઘણી લોક વાયકા અને દંતકથા છે. આ મંદિરની સ્થાપના સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એ કરી હતી. અહીં બાજુમાં જ મોટી ગોપનામનું ગામ આવેલું છે.

દંતકથા મુજબ 5000 હજાર વર્ષ પહેલા ઝીણાવરી ગામ પાસે એક રાક્ષસે ગોપ ગામની બાળાઓને કેદ કરી હતી. પૂરાયેલી બાળાઓએ મુક્ત થવા ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી હતી. ભગવાન કૃષ્ણ આ બાળાઓને છોડાવા આવ્યાને રાક્ષસનો વધ કરીને મુક્ત કરી હતી. બાળાઓને મુક્ત કર્યા બાદ ભગવાન ગોપના ડુંગર પર પહોંચીને ભગવાન શંકરના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી આ મંદિરને ગોપનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.

Gopalnath Mahadev 1

કૃષ્ણ એ જે ગુફામાંથી બાળાઓને મુક્ત કરી હતી ત્યાં તેના પગલાં હજુ પણ ગોપના ડુંગર પર જોવા મળે છે. ગુજરાતના લોકોમાં આ મંદિર શ્રધ્ધાનું પ્રતિક છે. ઘણા લોકો આસ્થા માનતા રાખીને અહિં દર્શન કરવા આવે છે. પહેલા કરતાં હવે આજે સુંદર રસ્તો નિર્માણ થઇ ગયો હોવાથી ભક્તજનોની ભીડ સતત જોવા મળે છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. મોટી ગોપની આજુબાજુ ઝરાણાં, ચેકડેમ, તળાવો, ડુંગર સાથે સુંદર કુદરતી વાતાવરણનો નજારો છે તળેટીમાં ટપકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. 16 હજાર ગોપ બાળાને રાક્ષસે કેદ કરી હતી એ ગુફાઓ સાથે પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર જોવા લાયક છે. આ મંદિરની કલા કારીગરીમાં પથ્થરોની કોતરણી જ એવી રીતે કરાય છે કે તેના જોડાણ માટે બીજી એક પણ વસ્તુની જરૂરીયાત ન રહે. આ અતિ પ્રાચીનની મુલાકાત એકવાર લેવા જેવી છે.

જામનગરને છોટી કાશી કહેવામાં આવે છે. આ શહેરમાં તેમજ જિલ્લાના આજુબાજુમાં ઘણા પૌરાણીક સ્થાનો જોવા જેવા છે. આ ગોપનાથ મહાદેવ મંદિર તમો જ્યારે ચડતા હો ત્યારે આજુબાજુના કુદરતી વાતાવરણનો નજારો જોવા જેવો હોય છે. નીચેથી તમો 150 મીટર ઊંચાઇએ આવેલ પહાડની ટોચે મંદિર નિરખો ત્યાં જ તમોને એક અનેરા ભક્તિભાવ સાથેની અનુભૂતિ જોવા મળે છે. પહાડોને કોતરીને બનાવેલ રસ્તાની આજુબાજુનો નજારો સૌને ગમી જાય તેવો છે. મંદિરની આજુબાજુ વિશાળ જગ્યાઓમાં તમો ફરી શકો સાથે ચારે તરફનો નીચે તળેટી સુધીનો નજારો અને દૂર-દૂર દેખાતા ખેતરોની હરિયાળી માણી શકો છો. ખાસ વિશાળ પવન ચક્કીઓ ખૂબ જ આકર્ષક લાગે છે.

આપણાં તમામ પૌરાણિક મંદિરો વિશે ઘણી દંતકથાઓ હોય છે. આ ગોપનાથ મહાદેવ મંદિર વિશે પણ ઘણી લોક વાયકા સાંભળવા મળે છે. શ્રીમદ્ ભાગવતજીના દશમસ્કંધ ઉતરાર્ધ 59માં અધ્યાયમાં આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ છે. અહિંના રાક્ષસને એકલો પુરૂષ ન મારી શકે એવું વરદાન હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ સત્યવાન નારી સત્યભામા દેવીની સાથે રાખીને તેને નાશ કરે છે. હાલ મંદિરના મહંત તરીકે મંગલગીરી બાપુ સેવા આપી રહ્યાં છે.

રજાના દિવસોમાં આ જગ્યા પરિવાર સાથે ફરવા જવા જેવી છે. બાળથી મોટેરાને કુદરતના સાંનિધ્યમાં એક અનેરો આનંદ આ પવિત્ર જગ્યાએ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.