Abtak Media Google News

શનિવારે રાત્રે રાજાબાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બીડુ હોમશે: વિશાળ સંખ્યામાં ભાવિકો લાભ લેશે

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકીક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં માં આશાપુરા શકિતપીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્યતિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણ ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથે ચરણસ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે.

માં આશાપુરાનું મંદિર ઉપર બાવનગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર ૫૮ ફુટ અને ૩૨ ફુટ પહોળુ છે. માં આશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મુર્તી છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માની માનેલ માનતા અને શ્રદ્ધા અને આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ચૈત્રી સુદ-૭ શુક્રવાર તા.૧૨/૪/૨૦૧૯ના રાત્રીના ૯:૩૦ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી ના અધ્યક્ષસ્થાને ગોરમહારાજ દેવક્રિષ્ણ મુળશંકર જોષી તેમજ આમંત્રીત દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે.આ સમયે ચંડિપાઠ, શ્લોક, સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જશે. મધ્યરાત્રીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના ૧:૩૦ કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે.

સમગ્ર વાતાવરણમાં આશાપુરા ના નાદ સાથે ગુંજી ઉઠશે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માં નું ભવ્ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના ૫:૦૦ કલાકે મંગળા આરતી, સવારે ૯:૦૦ કલાકે ધુપ આરતી તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંઘ્યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને વિનામુલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે.  ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહ વાઢેર, મંગળભાઈ ઠકકર તેમજ સેવકગણ સાથે મયુરસિંહ જાડેજા અનન્ય સેવા આપે છે. નવરાત્રી સમય દરમ્યાન દરેક ભાવિકો માતાજીના દર્શન શાંતિથી થાય તેવી વ્યવસ્થા સ્થાનિક ભાવિકો, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રીફળ વધેરવાની મનાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.