Abtak Media Google News

ર4 થી ર6 ફેબ્રુઆરી દરમિયાન ગરીબ કલ્યાણ મેળો યોજાશે: દરેક જીલ્લામાં ચેરિટી કમિશનરની નવી ઓફીસો બનશે

અબતક, રાજકોટ

રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના લાભો ઘર આંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લા મથકોએ મહેસૂલ મેળા યોજવાનો નિર્ણય કર્યો છેતેમ રાજય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.

મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે આજથી  નવસારી જિલ્લામાંથી મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે.  કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને યોજાનાર મેળામાં નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરાશે. તેમાં જરૂર પડ્યે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.

કાલે વલસાડ ખાતે મહેસૂલ મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાત હંમેશા ટ્રસ્ટી શિપના સિદ્ધાંતને અનુસરવાવાળુ રાજ્ય છે. રાજ્યમાં આગામી સમયમાં તમામ જિલ્લામાં ચેરિટી કમિશનરની કચેરીના નવા સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ અને ગોધરા ખાતે ચેરિટી કમિશનરની કચેરીના નવા ભવનનું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યુ છે. આગામી સમયમાં અરવલ્લીના મોડાસામાં નવા ભવનનું ઉદઘાટન કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વધુ સાત જિલ્લામાં નવા ચેરિટી કમિશનરની કચેરીના ભવનનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ગુજરાતમાં હાલમાં 3,24,294 ટ્રસ્ટો નોંધાયેલ છે જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ ટ્રસ્ટોના 18,000થી વધુ કેસો પડતર હતા. છેલ્લા 5 વર્ષમાં 18,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સંપૂર્ણ પારદર્શક વહીવટ માટે અત્યાર સુધીમાં ચાર કરોડ દસ્તાવેજોનું ડિજિટિલાઈઝેશન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની વિગતોની પણ SMS દ્વારા સંબંધિત ટ્રસ્ટોને જાણ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી ઉમેર્યું કે ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો આગામી તા.24, 25 અને 26મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મથકોએ યોજાશે જે અંતર્ગત અંદાજે 37 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે.તેમણે ઉમેર્યું કે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાશે. મુખ્યમંત્રી તા. 24મી ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે, તા.25મી ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે અને તા.26મી ફેબ્રુઆરીના રોજ અમરેલી ખાતે કાર્યક્રમ યોજશે.

રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. જે અનુસાર વનવિભાગમાં વનરક્ષકની 334 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. વર્ષ-2018માં અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રહેલી આ ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરાશે. જેમાં ઉમેદવારો દ્વારા જે તે વખતે ભરેલા ફોર્મ માન્ય રહેશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 775 જેટલી વધુ નવી જગાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

પ્રવક્તા મંત્રી વાઘાણી ઉમેર્યું કે ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે સહકાર ક્ષેત્રે પણ નવીન અભિગમ હાથ ધરાય એ માટે સહકાર વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી માર્ગદર્શન પૂરું પાડયું છે. આ ચિંતન શિબિરમાં થયેલ આદાન-પ્રદાન આગામી સમયમાં મહત્વનું પુરવાર થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.