જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરની ઐતિહાસિક રંગમતી અને નાગમતી નદીના કાંઠે આવેલા બચુનગર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં મોટા પાયે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અંદાજે ૩૦૦ જેટલા મકાનો અને અન્ય દબાણો દૂર કરીને આશરે ૮ લાખ ચોરસ ફૂટ જેટલી, ₹૧૫૦ થી ૨૦૦ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ જામનગરમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની સ્થિતિને ભૂતકાળ બનાવવાનો છે.
વૈભવી સુવિધાઓ ધરાવતા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિઓની શંકા
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજીને આ ડિમોલિશન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રંગમતી અને નાગમતી નદીના કાંઠે થયેલા દબાણોને કારણે જામનગરમાં અનેક વખત વરસાદી પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાતી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે ધાર્મિક દબાણો ઉપરાંત ખાનગી મિલકતો, જેમાં ફાર્મ હાઉસ, સ્વિમિંગ પૂલ જેવી વૈભવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
એસ.પી. ડેલુએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અગાઉ ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોની જે યાદી બનાવવામાં આવી હતી, તેમાં પણ ઘણા આરોપીઓ આ વિસ્તારમાં વસવાટ કરતા હોવાનું અને ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી, તંત્રના સહયોગથી મોટા પાયે સરકારી જમીન ખુલ્લી કરવા કાર્યવાહી કરવામાં આવી છે, જેને પગલે હવે નદીનું વહેણ ચોખ્ખું થશે અને જામનગરમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની શકશે.
વ્યાપક તૈયારીઓ અને પોલીસ બંદોબસ્ત
આ મેગા ડિમોલિશન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. ૧૨ જેસીબી મશીન, ૩ હિટાચી મશીન, અને ૧૨થી વધુ ટ્રેક્ટર સહિતની મશીનરીને વહેલી સવારથી જ કામે લગાડવામાં આવી હતી. પોલીસના મજબૂત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં જામનગર સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની નિગરાની હેઠળ સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ નિકુંજ ચાવડા, સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓ અને મનપાના ૧૦૦થી વધુ કર્મચારીઓ સહિત કુલ ૨૦૦થી વધુનો કાફલો જોડાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા હતા.
આ ડિમોલિશનની કામગીરી સમયે સ્થાનિક લોકોના મોટા ટોળા એકત્ર થયા હતા. અગાઉ કોર્પોરેશન વિભાગે સરકારી જમીન પરના બાંધકામોને લઈને અવારનવાર નોટિસ આપી હતી, તેમ છતાં સ્થાનિકો ઘર અને જગ્યા ખાલી કરતા ન હતા. જેને પગલે આજે કોર્પોરેશનની ટીમે વહેલી સવારથી બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા પણ ખુદ હાજર રહ્યા હતા. તેમની રાહબરીમાં આસી. કમિશનર ભાવેશભાઇ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, ઉપરાંત ઊર્મિલ દેસાઈ, અનિલ ભટ્ટ, એસ્ટેટ વિભાગના નિતિન દીક્ષિત અને અન્ય અધિકારીઓની ટીમ સહિત ૧૦૦ કર્મચારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા. આ મેગા ડિમોલિશન દ્વારા જામનગરના નદીના પટને મૂળ સ્વરૂપમાં લાવવાનો પ્રયાસ કરાયો છે.